Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ સુરત (Surat) જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે (Vadodara-Mumbai Express Way)ના નિર્માણ સંપાદિત જમીન માટે સુરત જિલ્લાનાં 32 ગામના 5000 ખેડૂત (Farmer) ખાતેદારો માટે 2200 કરોડનું વળતર (Compensation) મંજૂર કરવામાં આવ્યું છે. તે પૈકી પ્રથમ ફેઝમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) અને જિલ્લા કલેક્ટર આયુષ ઓક (Ayush Oak)ના હસ્તે બારડોલી તાલુકાના નોગામા, ભુવાસણ અને નિણત ગામના ખેડૂત ખાતેદારોને 42 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારના સકારાત્મક વલણના કારણે વડોદરા-મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે સુરત જિલ્લાના ૩૨ ગામોના 1200 ખાતાઓના 5000 ખાતેદારોને 2200 કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે, જે આપવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ 2011ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં ચાર ગણો વધારો કરીને ખેડૂતોની માંગણી મુજબ સરકાર દ્વારા જંગી વળતર આપવામાં આવ્યું છે.

વડોદરા-મુંબઈ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની અંદાજીત જમીન સંપાદિત થનાર 612 હેકટર જમીન માટે ખેડૂતોને કેન્દ્ર અને રાજય સરકાર તથા પૂર્વ મહેસૂલમંત્રીશ્રી કૌશિક પટેલ, જિલ્લા કલેકટર, જમીન સંપાદન અધિકારીઓ, ખેડૂત સમન્વય સમિતિના સભ્યોના પ્રયાસોના પરિણામે ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી વિધાનસભા ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, હાઈવેના પ્રોજેકટ ડાયરેકટર તુષાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર ઝાલા, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપ દેસાઈ, જમીન સંપાદન અધિકારી મિતેષ પટેલ, ખેડૂત સમન્વય સમિતિના મિતેશ નાયક સંજય નાયક, પ્રદિપસિંહ બારડ, સંદિપ પટેલ, મયંક પટેલ અને કેતન પટેલ સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સી.આર. પાટીલ અને તત્કાલિન કલેક્ટર ડૉ. ધવલ પટેલના પ્રયાસોથી 555 કરોડનું વળતર 2200 કરોડ થયું

સુરત : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વેના નિર્માણ માટે પ્રારંભમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને જમીન મુલ્યાંકન સમિતીએ સુરત જિલ્લાના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની અવેજમાં 555 કરોડનું વળતર જાહેર કર્યું હતું. તેનાથી નારાજ થયેલા ખેડૂતોએ સાંસદ સી.આર.પાટીલ અને તત્કાલિન કલેક્ટર ડો. ધવલ પટેલને 2013માં જમીન સંપાદન ધારા મુજબ જંત્રીનું ચાર ગણું વળતર ચૂકવવા માંગ કરી હતી. મામલો છેક નીતીન ગડકરી અને તે વખતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહેસુલ મંત્રી કૌશિક પટેલ સુધી ગયો હતો. તે પછી સરકારે વળતરની રકમ વધારીને 2200 કરોડ કરી હતી. ખેડૂત સમન્યવયના પ્રમુખ મિતેષ નાયકે જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં 18 ગામના વળતરની ફાઈલ નેશનલ હાઈવે ઓથોરિટી પાસે પહોંચી છે. આ ફાઈલ મંજૂર થયા પછી બીજા 18 ગામોના ખેડૂતોને વળતરની રકમ ચૂકવવામાં આવશે. આજે વળતર મેળવતી વખતે ખેડૂતો એટલા ખુશખુશાલ હતા કે 50 કિલો જેટલી મીઠાઈ લઈને આવ્યા હતા.

વળતરની રકમ સરકાર સાથેના સમન્વયથી આ રીતે વધી
ગામ આકારણી પ્રમાણેનું વળતર સંપાદન મુજબનું વળતર
નોગામા 6.38 કરોડ 18.62 કરોડ
ભુવાસણ 4.49 કરોડ 22.67 કરોડ
નિણત 15.49 લાખ 38.26 લાખ

To Top