Madhya Gujarat

આણંદ કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને બચાવાઇ

આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને પોલીસને સાથે રાખી સ્થળ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી બે ગાય મળી આવી હતી. જોકે, આ ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેરના ગૌરક્ષક પ્રકાશભાઈ રાજપૂતના ધ્યાનમાં આવ્યું હતું કે, બોલેરો ગાડી નં.જીજે 7 વાયવાય 8220માં બે ગાયને કતલ માટે લઇ જવામાં આવી રહી છે. આથી, તેઓએ આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી.નાગોલ સહિતની ટીમે સોમવાર વ્હેલી સવારે 6-30 વાગ્યે ગૌરક્ષકોને સાથે રાખી પોલસન ડેરી રોડ પર ખાટકીવાડા પાકીજા, ચીકન શોપની પાછલ ગલીમાં દરોડો પાડ્યો હતો.

જોકે, પોલીસ કાર્યવાહીની ગંધ આવી જતાં ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસ પહોંચી તે સમયે ગાડી પડી હતી. આથી, ગાડીમાં તપાસ કરતાં તેમાં બે ગાયને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળી હતી. આથી, પોલીસે બન્ને ગાયનો કબજો લઇ તપાસ કરતાં આસપાસમાં કોઇ મળી આવ્યું નહતું. આથી, હાલ અજાણ્યા શખસ સામે ગુનો નોંધી ગૌવંશના કતલના સમગ્ર નેટવર્કના પર્દાફાશ કરવા તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ 3, 11 (1) (ડી), 11 (1) (ઇ), 11 (1) (એફ), 11 (1) (એચ), પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ 8 (4), 10 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top