Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat): સૂર્યપુત્રી (SuryaPutri) તાપીના (Tapi) કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઈતિહાસ ધરાવે છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ પવિત્ર શ્રાવણ માસ (Shravan) નિમિત્તે સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતા ‘કાંતારેશ્વર મહાદેવ’ મંદિરમાં (Kantareshwar Mahadev Temple) શિવભક્તોનો મહેરામણ ઉમટે છે.

મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, શિવલિંગ, જલકુંડ અને નંદી અહીં વર્ષોથી પૂર્વવત સ્થિતિમાં બિરાજીત છે. આ મંદિર ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે પણ વર્ષોથી લોકપ્રિય છે. કાંતારેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હાલમાં શ્રાવણ ચાલતો હોવાથી બિલીપત્ર, પુષ્પ, દૂધ અને શુદ્ધ જળથી શિવલિંગ પર અભિષેક કરવા માટે ભક્તો લાંબી કતાર લગાવી રહ્યાં છે.

કાંતારેશ્વર મહાદેવ” મંદિર અંગે પ્રવર્તતી માન્યતાઓ
સુરત શહેરના કતારગામ સ્થિત “કાંતારેશ્વર મહાદેવ” મંદિર સાથે અનેક ઐતિહાસિક અને રોચક પુરાતન ગાથા જોડાયેલી છે. જે મુજબ પ્રાચીન સુર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી.

નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ (કાંતાર) ઊગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો. આ સ્થળ પર રહીને કપિલ મુનિએ ભગવાન સૂર્યની કઠિન તપ દ્વારા આરાધના કરી હતી. કપિલ મુનિના તપથી પ્રસન્ન થઇ ભગવાન સૂર્યનારાયણે તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું હતું. મુનિએ સૂર્યનારાયણને આશ્રમ પર જ નિવાસ કરવા માગણી કરી. પરંતુ સૂર્યએ પોતાની પ્રચંડ અગ્નિજ્વાળાથી આશ્રમ સહિત આ ધરતીલોક બળીને ભસ્મ થઇ જશે એમ કહી શંકર ભગવાનનું સ્મરણ કર્યું, અને મુનિના વરદાનની વાત વર્ણવી.

ભગવાન શંકરે મુનિની માંગણીને વશ થઇ જે રીતે દેવો અને દાનવોના સમુદ્રમંથનથી પ્રાપ્ત થયેલા વિષને ગળામાં ધારણ કર્યું તે જ રીતે પ્રચંડ અગ્નિયુક્ત સૂર્યને પોતાના શરીરમાં સમાવીને આશ્રમ પર જ નિવાસ કર્યો હતો. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ મંદિરના સ્થળે કપિલ મુનિના આગ્રહથી બિરાજી સૂર્યને પોતાના શરીરમાં ધારણ કરતા ભગવાન શિવને ‘સૂર્ય રૂપમ મહેશ’ પણ કહેવાય છે. મુનિએ સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપ્યું. ગૌદાનથી આનંદિત થયેલા સૂર્યદેવે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રગટાવીને ભાદરવા વદ-૬ ના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી. ‘તાપી પુરાણ’ માં પણ આ ઘટનાનું તાદ્રશ્ય વર્ણન છે.

અન્ય માન્યતા અનુસાર રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન કાંતારની ઝાડીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવાય છે. તે સમયે ઋષિઓએ શિતલ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવતા તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી. ઋષિ મુનિઓએ સ્નાન કરી રામને આશીર્વાદ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો.

સમય જતા જલધારાના સ્થાને કુંડનું નિર્માણ થયું, જે ‘સૂર્ય કુંડ’ ના નામથી ઓળખાય છે. આજે પણ આ સૂર્ય કુંડ અસ્તિત્વ ધરાવે છે. તાપીપુરાણમાં ભગવાન સૂર્યનારાયણે કાંતારેશ્વર મંદિરનું માહાત્મ્ય વર્ણવ્યું છે. સુરતના આ સૌથી પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા પ્રચલિત છે. કંતારેશ્વર મહાદેવ મહાદેવમાં સ્થાનિકોને અતૂટ શ્રદ્ધા છે. અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.

To Top