Charchapatra

વ્યક્તિગત સમસ્યાઓનો હાહાકાર

છેલ્લા ચાર-પાંચ દિવસનાં પેપરોમાં વિચિત્ર ઘટનાઓ પ્રગટ થઈ ગઈ છે. એક સમાચારમાં તો થાણાના એક 52 વર્ષીય માણસે પોતાની પત્નીની હત્યા તો કરી, પણ તેના શરીરના ટુકડેટુકડા કરી નાંખ્યા અને કૂકરમાં રાંધવા મૂકી દીધા. પડોશીઓને કૂકરમાંથી નીકળતી મનુષ્યના માંસની દુર્ગંધ આવવા માંડી એટલે પોલીસને જાણ કરી.  એક ઘટનામાં હિતેશ ચાવડા નામના માણસ પત્ની સાથે ઘરકંકાસ થયા કરતો હતો. તેણી પોતાને પિયર ચાલી ગઈ. હવે આ માથાભારે માણસ કાર લઈ સાસરે ગયો, ત્યાં પોતાની બે સાળીઓને લાકડી અને પાઈપ વડે ફટકારી નાંખી, હવે તે ઘરે જવા નીકળ્યો એટલામાં તેના સસરા સામે આવ્યા. કાર અટકાવવાને બદલે જમાઈએ તો સસરા ઉપર જ કાર ચલાવી દીધી.

આને જમાઈ નહીં જમ કહેવાય. તીસરી ઘટનામાં પત્નીને 45 લાખ જોઈતા હતા અને વળી છૂટાછેડા પણ જોઈતા હતા! ગુંડાગીરીની પણ હદ હોય છે ને? હવે પત્નીનો બાપ જમાઈને ઘેર ગયો અને જમાઈના ઘરને જ આગ લગાડી દીધી! આ સસરો પણ જબરો કહેવાય ને? ચોરી પર શિરજોરી એ આનું નામ! જમાઈએ તો હવે એટલું જ કહેવાનું રહ્યું કે 45 લાખ તો ઘરમાં જ હતા, તમે સળગાવી દીધા, એ પાછા લાવો પછી બીજી વાત! ચોથી ઘટના વળી સૌથી વિચિત્ર છે. ભાજપના રાજકોટના મંત્રી સાહેબ કારમાં નીકળ્યા. તેને ટોયલેટ લાગી, જાહેર જાજરૂ પાસે ગયા, ટોયલેટના કર્મચારીએ એક બીજો માણસ ટોયલેટમાંથી નીકળ્યો એટલે ટોયલેટ બંધ કરી દીધું!

ખલાસ ભાજપીયા મહાશયનો પિત્તો ગયો. સામાન્ય માણસ રીકવેસ્ટ કરે કે ભાઈ જરા ખોલ ને, મને ઉતાવળ છે, પણ આ તો ઉપરથી ઉતરી આવેલો એટલે તકરાર કરી, મારામારી થઈ એમાં ભાજપવાળા મહાશય તો ભારે ગુસ્સામાં આવી ગયા, તેને ઠંડો પાડવા એક દુકાનદાર વચ્ચે પડ્યો તો આ તો કારમાંથી પીસ્તોલ કાઢી ફાયરીંગ કરવા લાગ્યો! બે રાઉન્ડ ફાયર તો કરી જ દીધા. આને દારૂનો નશો હતો એના કરતાં સત્તાનો નશો વધુ પડતો ચડી ગયેલો! ભાજપવાળાઓના મગજનો પારો હંમેશ ઊંચે રહેવા લાગ્યો! લોકો આજે પોતાના સવાલો શાંતિથી પતાવવા મથતા નથી. શોર્ટકટ ખોળે છે અને તેમાં મૂળ સમસ્યા તો ઉકેલાતી નથી. ઉલ્ટા બીજાં ગુનાહિત કૃત્યો કરી બેસે છે. આજે દેશનું વાતાવરણ ભાજપના નેતાઓએ તદ્દન બગાડી નાંખ્યુ છે અને જનતા પ્રશ્નોના નિરાકરણ માટે હિંસાનો આશરો લે છે. ટોયલેટ માટે ગોળીબાર. એ તો વિશ્વવિક્રમ જેવી ઘટના થઈ ગઈ! મોદીએ પણ શું નમૂના ભેગા કર્યા છે!
સુરત     – ભરત પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો પોતાના છે.

Most Popular

To Top