What’s Hot

More Posts

   The Latest

Most Popular

સુખદ ઉકેલ તરફ: “દૂધ ઉત્પાદકોના હિતમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્રની કવાયત તેજ.”

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ‘બરોડા ડેરી’ની આગામી ચૂંટણીને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી મતદાન માટેના ઠરાવો બાબતે ઊભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે આજે વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી દ્વારા બંને પક્ષોને સાંભળીને લોકશાહી ઢબે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે હેતુથી, કેટલીક દૂધ મંડળીઓ (જેવી કે આતુના મુવાડા, ધોરાકૂવા, જેસર વગેરે) દ્વારા રજૂ કરવામાં આવેલા ઠરાવોની ચકાસણી કરવામાં આવી રહી છે. મંડળીના સભ્યો અને પ્રમુખો દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોને વહીવટી તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આજે બપોરે યોજાયેલી બેઠકમાં ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી, જેથી સાચા અને કાયદેસરના ઠરાવોને માન્ય રાખી શકાય.
ચૂંટણી અધિકારીની નિમણૂક બાદ હવે પ્રક્રિયા વેગ પકડી રહી છે. ડેરીના સભ્યોની જાગૃતિને કારણે વહીવટી તંત્ર પણ દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. જી. બી. સોલંકીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સંસ્થાની છબી જાળવી રાખવા અને નિયમ મુજબ કામગીરી કરવા માટે તમામ વિગતો ચૂંટણી અધિકારીને સુપરત કરી દેવામાં આવી છે.
ડેરી સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના હિતમાં, ચૂંટણી અધિકારી અને ડેરીના MD દ્વારા આવેદનપત્રો સ્વીકારીને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ જ છે કે દરેક દૂધ મંડળીનો સાચો અવાજ અને મત ચૂંટણી સુધી પહોંચે.
બરોડા ડેરીની આ ચૂંટણી પ્રક્રિયા જે રીતે વહીવટી તંત્ર દ્વારા હેન્ડલ કરવામાં આવી રહી છે, તેનાથી સહકારી ક્ષેત્રમાં શુદ્ધતા અને પારદર્શિતા જળવાઈ રહેશે તેવી આશા સેવાઈ રહી છે.

અમારી પ્રાથમિકતા કોઈને અન્યાય ન થાય : ઉપપ્રમુખ

​”તંત્ર દ્વારા બંને પક્ષોની વાતો સાંભળવામાં આવી છે. જે કંઈ પણ પ્રક્રિયા થશે તે સંપૂર્ણપણે કાયદાકીય મર્યાદામાં અને પારદર્શક રીતે થશે. કોઈ પણ સભ્યને અન્યાય ન થાય તે અમારી પ્રાથમિકતા છે.”
જી બી સોલંકી ઉપપ્રમુખ

To Top