Comments

લોકસભાની ચૂંટણીઓ ક્યા મુદ્દે લડાશે? વિકાસના નામે લડવી કે અન્ય મુદ્દે?

ટૂંક સમયમાં ભારતની આગામી લોક્સભા માટે ચૂંટણીની જાહેરાત થઇ જાશે અને રાજકીય પક્ષો પોતપોતાના મુદ્દા એજન્ડા સાથે મેદાને પડશે.વર્ષ ૨૦૧૯ માં પુલવામા હુમલા પછી પાકિસ્તાનપ્રેરિત આતંકવાદ વિરુદ્ધ જુવાળ દેશભરમાં હતો અને પછી ભારતીય વાયુસેનાએ જે પરાક્રમ બતાવ્યું તેણે પ્રજાના જુસ્સાને ઓર વધારી દીધો. ભારતીય જનતા પાર્ટીએ અહીં સત્તા દ્વારા લેવાયેલા મક્કમ નિર્ણય માટે જાતે પીઠ થાબડવાનું શરૂ કર્યું હતું તો કોંગ્રેસે સમયસર ચૂપ રહીને ડહાપણ બતાવ્યું,સાથે સાથે પોતે પણ ભૂતકાળમાં પાકિસ્તાન સાથે યુદ્ધ કરી ચૂકી છે તે ગૌરવગાથા ગાવી શરૂ કરી.

રાજકીય પાર્ટીઓનો જોમ અને જુસ્સો જોતાં એવું લાગવા માંડ્યું કે બસ, હવે આગામી ચૂંટણીના પ્રચારનો મુદ્દો રામ મંદિર હશે કે રાષ્ટ્રપ્રેમ હશે કે નબળો વિપક્ષ હશે, પણ એક વાત નક્કી કે અગત્યના મુદા્ હાંસિયામાં ધકેલાઈ જાશે.રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વાતાવરણ ધીમું પડી ગયું હોય તેમ લાગે છે અને જોશ ચાલુ રહ્યો છે પણ આવેગ ઠંડો પડી ગયો છે. સોશ્યલ મિડિયા તથા ચેનલો પર જુસ્સો ઓછો થવા સાથે જ વાતાવરણ ઠંડુ પડવા લાગ્યું છે અને હવે જો ચૂંટણી જાહેર થશે તો ચૂંટણી પ્રચારમાં માત્ર રામ મંદિર છવાયેલું નહિ રહે એવું આ તબક્કે લાગી રહ્યું છે.

ભારત માટે આતંકવાદ માથાનો દુખાવો છે જ. હમણાં તે ધીમો પડ્યો છે. જો કે આ આતંકવાદને નાથવાના પ્રયાસો મોંઘા પણ ખૂબ પડે છે. વર્ષે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા સંરક્ષણનો ખર્ચ છે. આટલા રૂપિયા ખર્ચ્યા પછી પુલવામા જેવા હુમલા રોકાતા નથી અને રોજબરોજ બે જવાન શહીદ જેવા સમાચારો તો આવ્યા જ કરે છે એટલે આપણો આ ખર્ચ ઘટવાની હાલ કોઈ સંભાવના નથી માટે ચૂંટણી સમયે કઈ સરકાર આતંકનો વધુ સારી રીતે સામનો કરી શકે તેમ છે તે પ્રજાએ વિચારવું જ રહ્યું. મતદાન કરતી વખતે દેશના મહત્ત્વના મુદ્દા અને તે માટે રાજકીય પાર્ટીઓનો દૃષ્ટિકોણ સમજવો જરૂરી હોય છે. આતંકવાદ જેવી સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવો પડે અને આ માટે લાંબા ગાળાના સંયમિત પગલાં રાજકીય ડીપ્લોમસી આંતર રાષ્ટ્રીય રાજનીતિ બધું જ ભેગું થાય તો જ આ સમસ્યા ઉકલે એવી છે. ભારતની પ્રજાએ આ મુદ્દો સાવ ભૂલવા જેવો નથી પણ આપણા રોજિંદા મુદ્દાઓ પણ વિકરાળ થતા જાય છે.

ભ્રષ્ટાચાર લાગલગાટ વધી જ રહ્યો છે. નોટબંધી ભુલાઈ ગઈ છે. કેશલેસ વધતું જાય છે પણ લોકો જોઈ રહ્યા છે કે મોટી હોસ્પીટલનાં બીલ, સ્કૂલોની ફી,મકાનોની ખરીદી, ઓછી રકમના દસ્તાવેજ આ બધું જ ચાલી રહ્યું છે. બધે જ રોકડે ચુકવણી થાય છે. લોકો માત્ર સિનેમાની ટીકીટ લાઈટનાં બીલ કે ફોનનાં બીલ કેશલેસ ચૂકવી રહ્યા છે એટલે ભ્રષ્ટાચાર મુદ્દે ભારતનો ઉચ્ચ મધ્યમ વર્ગ જ હજુ બહુ ચાલાકીથી વરતી રહ્યો છે. રસ્તા પરના પોલીસ હપ્તાથી માંડીને ઓફિસોમાં લાંચ સુધીની ઘટનાઓ ઘટી નથી. ઉલટાની રકમ વધી છે ત્યારે આપણે ભ્રષ્ટાચારમુક્ત ભારતની જે વાત કરીએ તે નર્યો દંભ લાગે છે.

ભારતમાં આગામી ચૂંટણીમાં સામાન્ય પ્રજાએ પોતાના ખરા આર્થિક વિકાસ માટે વોટ કરવા જેવો છે જ્યાં તેને સત્તામાં આવનારા પક્ષ પાસે બાંહેધરી માંગવાની છે કે તે આપણને પુરા પગાર સાથેની નોકરી આપશે. સારી ગુણવત્તાવાળું અને વાજબી કિંમતે શિક્ષણ આપશે તથા સરળતાથી પ્રાપ્ત આરોગ્ય સેવા આપશે. હાલ સામાન્ય માણસની ૮૦% આવક આ પાયાની સુવિધાઓ પાછળ વપરાઈ જાય છે. માટે આપણે ખાનગીકરણના રવાડે ચડ્યા પછી તમામ સામુહિક સેવાનું ખાનગીકરણ કર્યું છે અને સરકારી તંત્રને નબળું પાડ્યું છે. તેને સુધારે એવી સરકારની જરૂર છે.

દેશને રોજગારી માટે પ્રવચનોની નહિ, પણ યોગ્ય નીતિની જરૂર છે. ફુગાવાને કાબૂમાં રાખવો સારી વાત છે, પણ અત્યંત વધી ગયેલા ભાવોને નીચે લાવવા તે ચેલેન્જ છે.આધુનિકીકરણના આવેશોમાં લોકો ગામડાં છોડી રહ્યાં છે અને ખેતીમાં હવે કોઈને રસ નથી. ખેડૂત ખરા અર્થમાં મારી રહ્યો છે માટે નવી બજાર વ્યવસ્થા સાથે તાલ મળે એવી ખેતીની નીતિ લાવનારા રાજકીય પક્ષની આપણને તાતી જરૂર છે, જે ખેતીમાં લોકોનું ભારણ ઘટાડે, વળતર વધારે અને ખેતીને સન્માનજનક સ્થાન આપે.

ભારતમાં વધતી વસ્તી સાથે આર્થિક સુવિધાઓ એટલે આંતર મૂડી માળખાની સુવિધાઓ વિકસાવવી જરૂરી છે. અત્યારે આ સુવિધાઓ મોટાં શહેરોમાં જ વિકસી રહી છે. આગામી ચૂંટણીમાં આપણે આપણા નેતાઓને પૂછી લેવું પડશે કે તમે આ માટે કયો માસ્તર પ્લાન બનાવ્યો છે.ટૂંકમાં ધાર્મિક સ્થળોમાં સુવિધાઓ,પાકિસ્તાનને સીધું કરવું કે રાષ્ટ્રીય આવકનો આંકડો ઊંચો આવવો તે મહત્ત્વની વાત હોવા છતાં એ એક માત્ર મુદ્દો નથી, જે આપણે મત આપવા માટે પ્રેરિત કરે. આપણે બીજા મુદ્દાઓ પણ વિચારવાના રહેશે.નેતાઓ ધ્યાન ભટકાવે તો પણ આપણે તો ધ્યાન રાખીશું જ.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top