Charchapatra

હવે બરવાળા!

આઝાદીના 75 મા વર્ષે ગાંધીજીના ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો અને ગુજરાતમાં નશાબંધીના કાયદાનો ભંગ કરનારની ખેર નથી એવી એક વાર ફરીથી ઘોષણા થઈ. સાચી વાત છે. ઝેરી દારૂના  વેપારીઓને જાહેરમાં ઠાર મારવા જોઈએ એવી લાગણી થાય પણ એની માહિતી આપનારને જાહેરમાં માર મારવામાં આવે અથવા મારી નાખવામાં આવે એવી ફરિયાદ થાય ત્યાં જેને દારૂ નથી પીવો એવાં લોકો દારૂબંધી જિંદાબાદ બોલીને ઘરમાં સૂઈ જાય છે. બાકીના ઘુઘરા જેવા થઈને ગમે ત્યાં સૂઈ જાય છે. ગુજરાતના દારૂબંધીના નાટકને જોઈને બધાને હસવું આવે છે અને રડવું પણ આવે છે કે,  મુઠ્ઠીભર ભ્રષ્ટાચારીઓ ગુજરાતની સાડા છ કરોડની વસ્તીને શું સમજે છે?! 

પણ તેઓ પ્રશ્ન પણ નથી કરી શકતા કારણ કે તેમના શાસકો પોણિયાની જ્ઞાતિમાં આવે કે ભ્રષ્ટાચારીઓની તે હજી નક્કી થઈ શકતું નથી. સંનિષ્ઠ લોક પ્રતિનિધિઓનું આ લોકો કંઈ ઉપજવા દેતા નથી. દારૂબંધીના નામે અબજોનો ગેરકાયદે ધંધો ચાલે છે એવું કહીએ તો પોલીસ   પૂછવા આવે કે ક્યાં ચાલે છે અમને બતાવો. પોલીસ નેત્રહીન છે?! એવો પ્રશ્ન કરનાર ચરણહીન થઈ જાય તેને બદલે આવો પ્રશ્ન કરનાર પણ જાતે જ નેત્રહીન બની જાય છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો સારી રીતે અમલ થાય છે એવું તો પેલા ગાંધીજીના ત્રણ વાંદરા પણ કહે છે તો ના કહેનાર આપણે કોણ?! લીંબુઉછાળ સમય માટે મને રાજ મળે તો પહેલું કામ દેશમાં દારૂબંધીનું કરું એવું કહેનાર ગાંધીજીના પેલા લીંબુનું શરબત કરી ભ્રષ્ટાચારીઓ પી ગયા છે. તો હવે આપણે ભાગે શું ?!
સુરત     – સુનીલ રા.બર્મન     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top