Columns

મમતા બેનરજીના વિશ્વાસુ પાસેથી ૨૨ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬ ના નવેમ્બરમાં દેશમાં નોટબંધી જાહેર કરી ત્યારે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ કાળાં નાણાંના દૂષણને ડામવાનો છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની કેબિનેટમાં નંબર ત્રણનું સ્થાન ધરાવતા પાર્થ ચેટરજીની પ્રેમિકા ટી.વી.સ્ટાર અર્પિતા મુખરજીના ઘરેથી પકડાયેલી ૨૧. ૯૦ કરોડ રૂપિયાની ચલણી નોટોનો ડુંગરો જોઈને લાગ્યા વિના રહેતું નથી કે રાજકારણમાં કાળાં નાણાંની બોલબાલા અંકુશમાં લેવામાં નોટબંધી નિષ્ફળ ગઈ છે.  અર્પિતાના ઘરેથી રોકડ રકમ ઉપરાંત ૭૬ લાખ રૂપિયાનાં આભૂષણો ઉપરાંત વિદેશી ચલણી નોટોની થપ્પીઓ પણ મળી આવી હતી.

પાર્થ ચેટરજીના ઘરેથી એક ડાયરી મળી આવી હતી, જેમાં અર્પિતા મુખરજીના ઘરેથી મળી આવેલા કાળાં નાણાંનો હિસાબ રાખવામાં આવ્યો હતો. ઇડી દ્વારા પાર્થ ચેટરજીની અને અર્પિતા મુખરજીની ધરપકડ કરવામાં આવી છે. પાર્થ ચેટરજી જ્યારે પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાન હતા ત્યારે તેમણે સ્કૂલનાં શિક્ષકોની ભરતીમાં ગોબાચારી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. કહેવાય છે કે મુખ્ય પ્રધાન મમતા બેનરજીની જાણકારી સાથે આ કૌભાંડ કરવામાં આવ્યું હતું; પણ પાર્થ ચેટરજીની ધરપકડ પછી મમતાએ તેમની સાથેનો છેડો ફાડી કાઢ્યો છે.

મમતા બેનરજીના કાર્યકાળમાં શારદા અને નારદા જેવાં અનેક કૌભાંડો થયાં હતાં, જેમાં તેમની નજીકના નેતાઓ જેલમાં ગયા હતા. શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટરજી અગાઉ ૩,૦૦૦ કરોડ રૂપિયાના આઈ-કોર ચીટ ફંડ કૌભાંડમાં પણ સંડોવાયેલા હતા. એક વીડિયોમાં તેઓ આઈ-કોરના સ્ટેજ ઉપર હાજર થઈને તેના અધ્યક્ષ અનુકુલ મૈતીના વખાણ કરી રહ્યા હતા. શાસક તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય ડેરેક ઓબ્રિયાન દ્વારા આચરવામાં આવેલા શારદા કૌભાંડમાં પણ પાર્થ ચેટરજીનું નામ ચમક્યું હતું. પાર્થ બેનરજી અને અર્પિતા મુખરજી વચ્ચે લગ્નબાહ્ય સંબંધો પણ છે. તેમના દ્વારા ભાગીદારીમાં ભૂખંડ પણ ખરીદવામાં આવ્યો છે.

સરકારી સ્કૂલોમાં શિક્ષકની નોકરી મેળવવા માટે બેકાર યુવાનો તગડી લાંચ આપવા તૈયાર થઈ જતાં હોય છે. પાર્થ ચેટરજી ૨૦૧૪ થી ૨૦૨૧ દરમિયાન પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાન હતા ત્યારે તેમના નાક હેઠળ શિક્ષક ભરતી કૌભાંડ થયું હતું. તેમના મળતિયાઓ દ્વારા પાત્રતા ન ધરાવતા ઉમેદવારો પાસેથી પણ તગડી લાંચ લઈને તેમને નોકરીઓની લહાણી કરવામાં આવી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે શિક્ષણ ખાતાના રાજ્ય પ્રધાન પરેશ અધિકારીએ પોતાની પુત્રીને પણ ગેરલાયકાત છતાં શિક્ષકની નોકરી અપાવી હતી. આ કૌભાંડમાં જે કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયેલા હતા તેમણે પણ પોતાનાં અંગુઠાછાપ સગાંઓને નોકરી અપાવી દીધી હતી. તેને કારણે શિક્ષક બનવાની યોગ્યતા ધરાવતા પણ નોકરી મેળવવામાં નિષ્ફળ ગયેલા હજારો ઉમેદવારો હતાશ થઈ ગયાં હતાં. તેમાંના ચારે કોલકાતા હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. અરજદારો વતી શિક્ષણ પ્રધાન પરેશ અધિકારીની પુત્રીનો કિસ્સો પણ ટાંકવામાં આવ્યો હતો. કોલકાતા હાઈ કોર્ટે શિક્ષણ પ્રધાનની પુત્રીની નિમણૂક રદ કરી  હતી.

પાર્થ ચેટરજી મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે, પણ ભ્રષ્ટાચાર કરીને તેમણે કરોડો રૂપિયાની મિલકતો ભેગી કરી છે. ૨૦૨૧ માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે કુલ ૧.૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આજની તારીખમાં તેમની પાસે કોલકાતાના પોશ વિસ્તારમાં સાત ફ્લેટો છે, જેની કિંમત ૫૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. અર્પિતા મુખરજીના જે ફ્લેટમાંથી કાળું નાણું પકડાયું તે ફ્લેટ પણ પાર્થ ચેટરજીએ તેને ગિફ્ટ આપ્યો હતો. અર્પિતા મુખરજી ટી.વી. સિરિયલો ઉપરાંત બંગાળી અને ઉડિયા ફિલ્મોમાં કામ કરી
ચૂકી છે.

પાર્થ ચેટરજીની પત્નીનું ૨૦૧૭ માં મરણ થયું તે પછી તેમણે તેની યાદમાં પાળેલાં પ્રાણીઓ માટેની હોસ્પિટલ બનાવી હતી. તેમનો એક ફ્લેટ તેમના પાળેલાં કૂતરાંઓ માટે ખરીદવામાં આવેલો છે. આ કૂતરાંઓની સાચવણી માટે બે માણસો રાખવામાં આવ્યા છે. આ ફ્લેટનું એસી ૨૪ કલાક ચાલુ રહે છે, કારણ કે કૂતરાંઓને એસીની આદત પડી ગઈ છે. પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજી કોલકાતાના પોશ બોલપુર વિસ્તારમાં પણ એક ફ્લેટની માલિકી ધરાવે છે. પાર્થ બેનરજી ૨૦૧૧ માં ચૂંટણી લડ્યા ત્યારે તેમણે ૭.૮ લાખ રૂપિયાની સંપત્તિ  જાહેર કરી હતી. આ મિલકત ૨૦૧૬ માં વધીને ૮૦ લાખ પર અને ૨૦૨૧ માં ૧.૧૫ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. દસ વર્ષના ગાળામાં જ તેમની સત્તાવાર સંપત્તિમાં પંદર ગણા જેટલો ચમત્કારિક વધારો
થયો છે.

પશ્ચિમ બંગાળમાં ઇ.સ.૨૦૧૩ માં શારદા કૌભાંડ બહાર આવ્યું તે પછી ૨૦૧૭ માં રોઝ વેલી ચીટ ફંડ નામનું કૌભાંડ બહાર આવ્યું હતું. સીબીઆઇના અંદાજ મુજબ આ કૌભાંડમાં રોકાણકારોના આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સલવાઇ ગયા હતા. રોઝ વેલી કૌભાંડ સાથે સંડોવાયેલા પશ્ચિમ બંગાળના શાસક પક્ષના બે સંસદસભ્યોની ધરપકડ કરવામાં આવી તેને પગલે કોલકાતામાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેમની ધરપકડ કરવામાં આવી તે સુદીપ બંદોપાધ્યાય લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના વડા હતા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના વિશ્વાસુ હતા. સુદીપ બંદોપાધ્યાય રોઝ વેલી કંપનીના વડા ગૌતમ કુંદુના ભાગીદાર હોવાનું મનાય છે. તેમણે પોતાની રાજકીય વગનો ઉપયોગ રોઝ વેલી કંપનીનો વેપાર વધારવા માટે કર્યો હતો.

સુદીપ બંદોપાધ્યાય પોતાનાં ભાષણોમાં રોઝ વેલી કંપનીની પ્રશંસા કરતા હતા, જેને કારણે લોકોએ તેમાં કરોડો રૂપિયા રોક્યા હતા. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના બે સંસદસભ્યો અને એક પ્રધાન શારદા કૌભાંડમાં ગિરફતાર થઇ ચૂક્યા છે. જ્યાં લોભિયાઓ હોય ત્યાં ધુતારા કદી ભૂખે મરતા નથી, પણ કાયમ જલસા કરે છે. આપણે બેન્કમાં કે પોસ્ટ ઓફિસમાં રૂપિયા વ્યાજે મૂકીએ તો વાર્ષિક નવ ટકાથી વધુ વ્યાજ મળતું નથી. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં કાર્યરત કેટલીક કંપનીઓ રિયલ એસ્ટેટમાં રોકાણના નામે વાર્ષિક ૧૫ થી ૪૦ ટકા જેટલું વ્યાજ આપવાનું પ્રલોભન આપે છે. પોતાના રૂપિયા ઝટપટ બમણા કરવાની લ્હાયમાં લોભિયાઓ તેમાં રોકાણ કરે છે અને કંપનીઓ ઊઠી જાય ત્યારે પોક મૂકીને રડે છે. ચીટ કૌભાંડમાં પકડાયેલાં મમતા બેનરજીના સાથીદારો હતા.

શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટરજીની ધરપકડ થયા પછી મમતા બેનરજીએ પોતાનો રાગ બદલી કાઢ્યો છે. અગાઉ તેઓ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરતા હતા કે તે વિરોધ પક્ષના નેતાઓને હેરાન કરવા માટે સેન્ટ્રલ એજન્સીઓનો દુરુપયોગ કરે છે. પાર્થ ચેટરજીની ધરપકડ પછી તેમણે તેમનો બચાવ કરવાનો જરાય પ્રયાસ નથી કર્યો, પણ જાહેરમાં કહ્યું છે કે જો તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. પાર્થ ચેટરજીની ધરપકડ થઈ તે પછી તેમણે પોતાના મોબાઇલ પરથી મમતાને ચાર વખત ફોન કર્યો હતો, પણ મમતાએ ફોન ઉપાડ્યો નહોતો. હવે મમતાએ તેમનો નંબર જ બ્લોક કરી કાઢ્યો છે. કહેવાય છે કે મમતા બેનરજીએ પોતાની જાતને બચાવવા માટે પાર્થ ચેટરજીને બલિનો બકરો બનાવી દીધો છે. જો પાર્થ ચેટરજી ઇડી સમક્ષ મમતાનાં રહસ્યો ઉજાગર કરવાની તૈયારી દર્શાવે તો મમતા બેનરજી તકલીફમાં મૂકાઈ શકે છે.  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top