Dakshin Gujarat Main

નવસારીમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ વેક્સિન નહીં મળતા લોકોમાં રોષ, રસી કેન્દ્રો પર પોલીસ બોલાવવી પડી

નવસારી: (Navsari) નવસારી જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વેક્સિનની અછત ઉભી થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી વેક્સિનેશન સેન્ટરો ઉપર પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવી લોકોને સમજાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશમાં અને રાજ્યમાં 100 ટકા વેકસિનેશન થાય તે માટેની જાહેરાતો કરવામાં આવે છે. ગુજરાત સરકાર પણ વેક્સિનેશન (Vaccination) માટે અભિયાન ચલાવી રહી છે. લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વેક્સિનેશનના પ્રથમ ચરણમાં 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન (Vaccine) આપવામાં આવી હતી. ત્યારબાદ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. હવે 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

  • કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૦૦ ટકા વેકસિનેશન માટેની જાહેરાતો હવામાં
  • વેક્સિન નહી મળતા નવસારીમાં લોકોનો હોબાળો
  • નવસારી જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વેક્સિનની અછત ઉભી થતાં લોકો અટવાયા

નવસારી જિલ્લામાં 27 થી વધુ વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લામાં વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવે છે. જે જથ્થો જિલ્લા આરોગ્ય વિભાગ વેક્સિનેશન સેન્ટરોને ફાળવે છે. ત્યારબાદ રજીસ્ટર્ડ થયેલા લોકોએ જે તે સેન્ટર પર જઇ વેક્સિન લેતા હોય છે. વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યુ છે. ઓનલાઇન વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનના ડોઝ ખુલતાની સાથે જ 2 મિનિટમાં રજીસ્ટ્રેશન ફુલ થઇ જાય છે. આજે નવસારી જિલ્લામાં હજારો લોકોએ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

જેથી લોકો વેક્સિનેશન સેન્ટરો ઉપર વેક્સિન લેવા પહોંચ્યા હતા. પરંતુ નવસારી જિલ્લાના તમામ સેન્ટરો ઉપર વેક્સિનની અછત ઉભી થઇ હતી. ખાસ કરીને જિલ્લાના નવસારી તાલુકો, જલાલપોર તાલુકો અને ગણદેવી તાલુકામાં વેક્સિનની સૌથી વધુ અછત ઉભી થઇ હતી. જેથી વેક્સિનેશન સેન્ટરો ઉપર પહોંચેલા લોકોને વેક્સિન નહીં મળતા તેઓ અકળાયા હતા. જ્યારે કેટલાક વેક્સિનેશન સેન્ટરોની બહાર વેક્સિન નહીં હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તો કેટલાક વેક્સિનેશન સેન્ટરો બંધ હતા. નવસારી નગરપાલિકા હાઇસ્કુલમાં લોકોને વેક્સિન નહી મળતા તેઓએ હોબાળો મચાવ્યો હતો. જેથી નવસારી ટાઉન પોલીસે નવસારી નગરપાલિકા હાઇસ્કુલે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડયો હતો.

રાજ્ય સરકારે વેક્સિનનો જથ્થો ફાળવ્યો ન હતો : સુજીત પરમાર
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી સુજીત પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રોજ 13,500 વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો હતો. ગત રોજ રાજ્ય સરકારે નવસારી જિલ્લામાં વેક્સિનનો જથ્થો ફાળવ્યો ન હતો. જેથી જિલ્લાના તમામ વેક્સિનેશન સેન્ટરો ઉપર વેક્સિનનો જે જથ્થો આપ્યો હતો. તેમાંથી લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આજે સાંજે જો સરકાર દ્વારા વધુ વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવશે તો આવતી કાલથી રાબેતા મુજબ તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.

Most Popular

To Top