Charchapatra

રાષ્ટ્રીયકૃત બેન્કોનાં સેવાનિવૃત્ત કર્મચારી/અધિકારીઓનાં નિવૃત્તિ વેતનની સુધારણા

તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૩ અને તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૩ ના ‘ગુજરાતમિત્ર’માં ઉપરોક્ત વિષય પર અનુક્રમે શ્રી સુરેન્દ્ર દલાલ અને શ્રી રાજેન્દ્ર કર્ણિકનાં ઊંડા ચિંતનવાળાં ચર્ચાપત્રો રજૂઆત પામ્યાં અને આ ચર્ચાપત્રીની સ્મૃતિ પ્રમાણે કદાચ આ પહેલા પ્રસંગો છે કે જેમાં કોઈ મુદ્રિત માધ્યમમાં આ વર્ષોથી સળગતા પ્રશ્નને વાચા મળી. માટે ‘ગુજરાતમિત્ર’ અભિનંદનનું અધિકારી બન્યું છે. આ બાબતમાં આ લેખકની માન્યતા એવી છે કે ચાલુ સેવામાંનાં કર્મચારીઓની જ્યારે જ્યારે વેતન સુધારણા થઈ છે તે ચાલુ દ્વિપક્ષી કરારની સમાપ્તિની તારીખ બાદ ઘણા લાંબા સમય બાદ જ થતા અને અમલી બનતા હોય છે જેથી જેટલા લાંબા સમયના સુધારેલા વેતન અને મળેલા વેતનના તફાવત પર યુનિયન ૧ % લેખે લેવી કહો કે ડોનેશન કહો, ઉઘરાવતા જ આવ્યા છે, જેમાંથી નેતાઓની મુસાફરી અને તે સાથેનાં રોકાણના ખર્ચાઓ અને કાર્યાલય ખર્ચા વગેરે નીકળી શકે.

માટે જેટલી દ્વિપક્ષી કરારમાં ઢીલ થાય તેટલી લેવી કે ડોનેશનમાં મળતી રકમ મોટી થાય. જેને કારણે સેવાકર્મીના આવકવેરાના સ્લેબ પણ વધુ કરના દાયરામાં આવી જાય છે અથવા અગાઉનાં વર્ષોના આવકવેરાના સુધારા સાથેનાં રિટર્ન ફરી ફાઈલ કરવા પડે છે જેની આવક વેરાના વકીલને વધારાની ફી ચૂકવવાનો વારો આવે છે. હવે સેવાનિવૃત્તને તો નિવૃત્તિ સાથે જ ચાલુ કર્મચારી/અધિકારીઓના સંઘો પણ સામાન્ય સભ્ય તરીકે નિવૃત્ત જ કરતા હોય છે (અપવાદ ઉચ્ચ કક્ષાના યુનિયન નેતા) .

માટે જો યુનિયન સેવા નિવૃત્તના લાભ માટે લડે તો લેવી કે ડોનેશન તો સેવા નિવૃત્તનાં મંડળો લઈ જાય તો ચાલુ કર્મચારી સંઘના નેતા તે સહન કરવા તૈયાર નથી માટે નિવૃત્તિ વેતન સુધારણાને અટવાવીને ફક્ત તેના ભોગે ફક્ત વેતન સુધારણા જ કરાવો અને નિવૃત્તને મોટા પ્રીમિયમવાળા સ્વાસ્થ્ય સુરક્ષા વીમામાં ઉતારી ચાલુ કર્મચારી /અધિકારીને મફત સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજના પૂરી પાડો. માટે એક વિચાર એવો જરૂર આવે કે જો સેવા નિવૃત્તનાં મંડળો અત્યાર સુધીનાં નિવૃત્તિ વેતનનો જે તફાવત મળવાપાત્ર થાય તેના પર લેવી પોતે નહીં લેતાં, ચાલુ સેવાકર્મીઓનાં મંડળોને ફાળવશે તો કદાચ આ વર્ષોથી સળગતા પ્રશ્નને ફકત સુધારણા જ નહીં, પણ તફાવત સહિત જલ્દીમાં જલ્દી તેઓ ઉકેલી નાખે.
નાનપુરા સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top