Gujarat

PM મોદી વર્ચ્યુઅલી ગુજરાતના 1 લાખ 31 હજાર 454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના 182 વિધાનસભાના ક્ષેત્રોમાં રૂ. 2,993 કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ લોકાર્પણ (E-Launch) અને ખાતમુહૂર્ત આવતીકાલે સવારે 11 કલાકે કરવામાં આવનાર છે.

  • આજે વડાપ્રધાન ૧,૩૧,૪૫૪ આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  • આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે પીએમ વર્ચ્યુઅલી સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. પીએમ આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના ૧૧૫ ગ્રામીણ મતવિસ્તાર અને ૬૭ શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો.

છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૩.૪૨ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૮.૨૮ લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૫.૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ ૯.૬૧ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી ૮.૨૮ લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યાર સુધીમાં કુલ ૧૪ જેટલા એવોર્ડ મળ્યા છે
વર્ષ-૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન, વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે ૩ એવોર્ડ, તેમજ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના ૩ લાભાર્થીને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૧૪ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top