Madhya Gujarat

ડાકોરના ગોમતી તળાવમાં બોટીંગ મુદ્દે પાલિકાનું ભેદીમૌન

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરની સામે પવિત્ર ગોમતી તળાવ આવેલું છે. આ તળાવમાં છેલ્લાં ઘણાં સમયથી બોટીંગનો વિવાદ ચાલી રહ્યો છે. તેમછતાં બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ ઉપર પાલિકાતંત્ર રહેમનજર દાખવી રહ્યું છે. જેને પગલે બોટીંગનો લ્હાવો માણવા માટે આવતાં સહેલાણીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યાં છે. ત્યારે, આ મામલે ડાકોરના જીતેશભાઈ સેવક નામના એક જાગૃત નાગરીકે પાલિકાના ચીફઓફિસર અને વહીવટદારને લેખિત રજુઆત કરી, કરારભંગ અને નિયમોનો છેડેચોક ભંગ કરતાં બોટીંગ એજન્સીના કોન્ટ્રાક્ટરો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે.

આ રજુઆતમાં જણાવ્યું છે કે, ડાકોરની પવિત્ર ગોમતી તળાવમાં બોટીંગ માટેનો ઈજારો લેનાર કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના સાથે કરેલ કરારનો ભંગ કરી ગેરકાયદેસર રીતે રાત્રીના સમયે પણ બોટીંગ ચાલુ રાખી, સહેલાણીઓના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમ મુજબ ગોમતી તળાવની સફાઈ પણ કરવામાં આવતી નથી. જેને પગલે તાજેતરમાં જ એક દિવ્યાંગ તળાવના પાણીમાં ખાબક્યો હતો. તે વખતે બોટીંગ એજન્સી પાસે કોઈ તરવૈયો પણ ન હતો કે આ દિવ્યાંગને ડુબતો બચાવી શકાય તેવા સાધનો પણ ઉપલબ્ધ ન હતાં. ત્યારે આવી ગંભીર બેદરકારી ધરાવતાં બોટીંગ એજન્સીના સંચાલકો સામે દિન-3 માં યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. તેમછતાં જો પાલિકાતંત્ર દ્વારા આ બોટીંગ એજન્સીના સંચાલકો વિરૂધ્ધ કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અરજદારે 14 એપ્રિલ બાદ ગોમતી તળાવમાં જળસમાધિ લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જેને લઈ પાલિકાતંત્ર દોડતું થયું છે.

Most Popular

To Top