Madhya Gujarat

ડાકોરમાં આમલકી એકાદશીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટ્યાં

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવીહતી.  એકાદશીના પાવન પર્વે ગજરાજ (હાથી) ને બદલે સુતપાલ, સોનાની પાલખી તેમજ અશ્વ ઉપર શ્રીજી ભગવાનની સવારી કાઢવામાં આવી હતી. જોકે, ગજરાજ પર શ્રીજીની સવારીની  પરંપરા અનુસરવામાં ન આવતાં શ્રધ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે. જય રણછોડના નાદે નગરની ગલીઓ ગુંજી ઉઠી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દરેક તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી પરંપરા મુજબ કરવામાં આવે છે. જોકે, છેલ્લાં બે વર્ષ દરમિયાન મંદિરમાં ઉજવાતાં કેટલાક તહેવારો-ઉત્સવોને કોરોનાનું ગ્રહણ લાગતાં વર્ષો જુની પરંપરાઓ તુટી હતી.

જોકે, હવે કોરોનાની વિદાય બાદ સરકાર દ્વારા દરેક તહેવારો, ઉત્સવો તેમજ મેળાવડા કરવાની છુટ આપી હોવાથી આ વર્ષે ડાકોર મંદિરમાં ફાગણી પૂનમનો મેળો ધામધુમથી ઉજવવામાં આવનાર છે. જોકે, બીજી બાજુ તંત્ર દ્વારા ફાગણી પૂનમ પૂર્વે શ્રી રણછોડરાયજી મંદિરમાં ઉજવવામાં આવતાં આમલકી એકાદશીના પર્વ દરમિયાન હાથી ઉપર શ્રીજીની સવારી કાઢવાની મંજુરી આપવામાં આવી નહતી. તંત્રની મંજુરી ન મળવાને કારણે આમલકી એકાદશીના પાવન પર્વે ગજરાજને બદલે સુતપાલ, સોનાની પાલખી તેમજ અશ્વ ઉપર શ્રીજીની સવારી નીકળી હતી. મંદિરમાં સાંજે ઉત્થાપન આરતી બાદ અબીલ-ગુલાલની છોળો વચ્ચે શ્રીજી ભગવાનની વાજતે-ગાજતે સવારી નીકળી લાલબાગ પહોંચી હતી. જ્યાં આરતી-પુજા કર્યાં બાદ શ્રીજી ભગવાનને ફાગુવાની સામગ્રીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બાદમાં પરંપરા મુજબ શ્રીજીની સવારી શ્રી લક્ષ્મીજી મંદિર જઈ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નિજમંદિર પરત ફરી હતી. શ્રીજીની સવારીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ જોડાયા હતા.

Most Popular

To Top