Editorial

હિમાલય પર્વતમાળામાં માણસે વધારેલી પ્રવૃતિઓ હોનારતોનું જોખમ વધારી રહી છે

આ મહિનાની શરૂઆતમાં જ અમરનાથ યાત્રાના આરંભ ટાણે જ હિમાલય પર્વતમાળામાં અમરનાથ ગુફાની નજીક જ ભારે વરસાદને કારણે ઘોડાપુર અને પથ્થરો ધસી પડવા જેવી ઘટનાઓ બની જેમાં અનેક યાત્રાળુઓનાં મોત થયા તથા બીજા અનેક લાપતા બન્યા. આ ઘટના કંઇ પહેલી નથી. આના થોડા સમય પહેલા જ ઇશાન ભારતના પર્વતીય વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે પ૦થી વધુનાં મોત થયા હતા. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં અમરનાથ ગુફા નજીકના એક બેઝ કેમ્પના સ્થળે ઘોડાપુરને કારણે ૧૫ યાત્રાળુઓના મોત થયા હતા તો બીજા અનેક લાપતા થયા હતા.

જેમના સગડ મળ્યા નથી. ઉત્તર પૂર્વીય ભારત, કે જે વિશ્વનો છઠ્ઠા ક્રમનો ભૂકંપનું સૌથી વધુ જોખમ ધરાવતો પટો છે તેમાં એક મોટા ભૂપ્રપાતને કારણે હાલ થોડા સમય પહેલા ૩૦ જૂનના રોજ ટેરિટોરીયલ આર્મીના સૈનિકો, રેલવે કામદારો અને ગામવાસીઓ સહિત ૫૬ જણાના મોત નિપજ્યા હતા. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તથા ઇશાન ભારતમાં ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડવાની ઘટનાઓને કારણે ઘણા મહત્વના માર્ગો તાજેતરના સમયમાં અવરોધાયા છે. આવી વધી રહેલી ઘટનાઓ માટે નિષ્ણાતો હવામાન પરિવર્તનની સાથે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં માણસ દ્વારા પર્યાવરણ સાથે કરવામાં આવતા ચેડાઓને જવાબદાર ગણાવી રહ્યા છે. હવામાન પરિવર્તન અને બરાબર આયોજન વગરના માનવ હસ્તક્ષેપોને કારણે હિમાલયના જોખમી વિસ્તારમાં હોનારતોને વેગ મળ્યો છે જેના કારણે માનવ જીવન અને મિલકતોના નુકસાનમાં અનેક ગણો વધારો થયો છે એમ નિષ્ણાતો જણાવે છે.

હિમાલયના પર્વતો ભારે વરસાદ, ઘોડાપૂર, ભૂપ્રપાતો વગેરેનું જોખમ ધરાવતા આવ્યા છે. અહીં જોખમો વધારે હોવાનું એક કારણ એ પણ છે કે તેઓ પ્રમાણમાં નવા પર્વતો છે અને હજી તેમની ઉંચાઇમાં વધારો થઇ રહ્યો છે અને ભૂસ્તરની રીતે તેઓ ઘણા સક્રિય છે. હવામાન પરિવર્તને તેમનામાં જોખમી બાબતોનું એક નવું જ સ્તર ઉમેર્યું છે. તે એક બળ વધારનારું પરિબળ સાબિત થઇ રહ્યું છે અને ભૂપ્રપાતો, ઘોડાપૂર અને વાદળ ફાટવાની ઘટનાઓને વધુ હોનારતકારી બનાવે છે એમ સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલના સંકલનકાર હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું. પર્વતોના બટકણાપણામાં અવિચારી માનવ દખલગીરી – જેવી કે બંધો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટો, ધોરી માર્ગો, ખાણકામ, જંગલોનું ઉચ્છેદન, બાંધકામો, અનિયંત્રિત પ્રવાસન પ્રવૃતિઓ અને અનિયંત્રિત ધાર્મિક યાત્રાઓએ વધુ ઉમેરો કર્યો છે.

આપણી પાસે પર્યાવરણીય અસરોનું પ્રમાણિક વિશ્લેષણ નથી, કે નથી આપણે પર્વતોની ક્ષમતાનો ખયાલ રાખતા. હિમાલય માટે આપણી પાસે વિશ્વાસપાત્ર હોનારત વ્યવસ્થાપન પ્રણાલી પણ નથી એમ ઠક્કરે જણાવ્યું હતું. તેમની વાત બિલકુલ સાચી જણાય છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં જે રીતે વાહનોની અવર જવર પર્વતીય વિસ્તારોમાં ખૂબ વધી છે, ટુરિઝમને વેગના નામે હોટલોનું પ્રમાણ ખૂબ વધ્યું છે તેનાથી હિમાલયની નાજુક પર્યાવરણીય સમતુલાને ગંભીર અસર થઇ રહી છે. બંધો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટો છેલ્લા કેટલાક સમયમાં અવિચારી રીતે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં વિકસાવવામાં આવ્યા છે તે બાબત તો અહીં હોનારતોનું જોખમ ખૂબ વધારી રહી છે.
પર્વતીય વિસ્તારોમાં ફક્ત જીવલેણ હોનારતો જ વધી રહી નથી પરંતુ ભેખડો ધસી પડવાની, ઘોડાપૂરની અને ધરતીના ધોવાણની ઘટનાઓને કારણે પર્વતીય વિસ્તારોમાં ખેતીની જમીનને અસર થઇ રહી છે તેથી અન્ન સુરક્ષા પણ જોખમાઇ રહી છે એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
પ્રશ્ન એ છે કે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં બેફામ બાંધકામ પ્રવૃતિઓ થવા દેતા પહેલા, હાઇડ્રો પાવર પ્રોજેકટો નાખતા પહેલા સરકારે કોઇ નિષ્ણાતોની સલાહ જ નહીં લીધી નહીં હોય? હવામાન પરિવર્તનને કારણે હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને તેમાં માણસની અવિચારી પ્રવૃતિઓ નુકસાનમાં વધુ ઉમેરો કરે છે.
યંત્રોના ધમધમાટથી અને વાહનોની દોડાદોડીથી સર્જાતી ધ્રુજારીઓ પર્વતો પરના આમ પણ ઢીલા પડી ગયેલા વિશાળ શીલાઓને વધુ ઢીલી કરે છે અને ભેખડો ધસી પડવાનું અને પથ્થરો ગબડવાનું જોખમ ઓર વધે છે. અને વળી યંત્રો અને વાહનોથી થતું પ્રદૂષણ પર્યાવરણને જે નુકસાન કરે છે તે તો વધુ ગંભીર બાબત છે. હજી પણ ચેતી જવામાં આવે અને ભૂલો સુધારી લેવામાં આવે તો સારું છે નહીંતર પરિણામો ઓર ભયંકર આવી શકે છે.

Most Popular

To Top