Madhya Gujarat

નડિયાદની એમ. કે. પટેલ શાળાને રૂા.૭૫ હજારનો દંડ

નડિયાદ: રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ રાજ્યકક્ષાએથી પસંદ પામેલાં ૮ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપનાર નડિયાદની ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ કે પટેલ શાળાને રૂ.૭૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. નડિયાદમાં આવેલ ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ કે પટેલ પ્રાથમિક શાળામાં ચાલુ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ પ્રવેશ માટે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે, શાળા સંચાલકો દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી.

સન ૨૦૨૧-૨૨ માં આરટીઈ હેઠળ રાજ્યકક્ષાએથી પસંદ પામેલા ૮ વિદ્યાર્થીઓને પણ શાળામાં પ્રવેશ આપવામાં ન આવતાં મામલો ગરમાયો હતો. શાળા સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી મનમાની વિરૂધ્ધ આ આઠેય વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. આ રજુઆત ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ધોરણે શ્રીમતી એમ કે પટેલ પ્રા.શાળા સામે પગલાં ભરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાકીદ કરી હતી.

જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સરકારી જોગવાઈ મુજબ શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ ન આપનાર ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ કે પટેલ પ્રાથમિક શાળાને રૂ.૭૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. આ અંગેની નોટીસ શાળા સંચાલકોને મોકલી દંડની રકમ ૧૦ દિવસમાં ભરવા જણાવાયું છે. જો નિયત સમયમર્યાદામાં શાળા દ્વારા દંડની રકમ ભરવામાં નહી આવે તો નિયમોનુસાર શિક્ષાત્મક પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે.

  • નરેન્દ્ર મોદી કે અમિત શાહ આવે તો પણ પ્રવેશ મળશે નહી તેવું વાલીઓને કહેવામાં આવ્યું હતું

નડિયાદની ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ કે પટેલ શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા પહોંચેલા ૮ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે શાળાના સંચાલકોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આવશે તો પણ તમારા બાળકોને પ્રવેશ મળશે નહી. શાળા સંચાલકોના આવા વર્તનથી રોષે ભરાયેલાં વાલીઓએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી શાળા સંચાલકોની શાન ઠેકાણે લાવી દીધી છે.

Most Popular

To Top