Business

‘લોનના હપ્તા નહીં વધે’, રિઝર્વ બેન્કના આ નિર્ણયના લીધે લોનધારકોને હાશકારો થયો

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ત્રણ દિવસીય મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ (MPC મીટિંગ)માં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે અને આ વખતે પણ કેન્દ્રીય બેંકે લોન લેનારા ગ્રાહકોને મોટી રાહત આપી છે. જો કે તહેવારોની આ સિઝનમાં રેપો રેટમાં ઘટાડો કરવા અંગે સરકારે જે આશા આપી હતી તે ચોક્કસપણે તૂટી ગઈ છે.

દેશમાં ફુગાવાનો દર નિર્ધારિત મર્યાદાથી ઉપર હોવા છતાં પોલિસી રેટ એટલે કે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. એટલે કે લોનની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સતત ચોથી વખત છે જ્યારે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેપો રેટ 6.50% પર સ્થિર રાખ્યો
હાલમાં રેપો રેટ 6.50 ટકા છે. નિષ્ણાતો પહેલેથી જ તે સ્થિર રહેવાની અપેક્ષા રાખતા હતા. ગત વર્ષે સેન્ટ્રલ બેંકે ચરમસીમાએ પહોંચી ગયેલા ફુગાવાના દરને અંકુશમાં લેવા માટે આ દરમાં એક પછી એક અનેક વખત વધારો કર્યો હતો. મે 2022માં રેપો રેટ 4 ટકા હતો, જે ફેબ્રુઆરી 2023 સુધીમાં 6.50 ટકા પર પહોંચ્યો હતો. જો કે ત્યારપછી તેને યથાવત રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારત વિકાસનું એન્જિન બન્યું છે.

ફુગાવાનો દર ચિંતાજનક
જો દેશમાં ફુગાવાના દરની વાત કરીએ તો તે RBI દ્વારા નિર્ધારિત રેન્જની બહાર રહે છે. ગયા જુલાઈ 2023ની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર (CPI) 7.44 ટકાના સ્તરે હતો જે ઓગસ્ટ મહિનામાં ઘટીને 6.83 ટકા પર આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંકે દેશમાં મોંઘવારી દરને 2 થી 6 ટકાની રેન્જમાં રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.

6માંથી 5 સભ્યો નિર્ણયની તરફેણમાં છે
MPC મીટિંગના પરિણામોની જાહેરાત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે 6.50 ટકા પર અકબંધ છે. MPCના છમાંથી પાંચ સભ્યો તેને સ્થિર રાખવાના નિર્ણયની તરફેણમાં હતા. રેપો રેટ સિવાય MSF રેટ 6.75 ટકા અને SDF રેટ 6.25 ટકા પર યથાવત છે. રિઝર્વ બેંકનું ‘વિથડ્રોવલ ઓફ એકોમોડેશન’નું વલણ અકબંધ છે. આરબીઆઈ ફુગાવાને લક્ષ્યની અંદર રાખવા માટે પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top