Madhya Gujarat

કપડવંજનો હુંકાર : ટેકનિકલ સ્કુલ પુનઃ ધમધમતી કરો

કપડવંજ : ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ટેકનિકલ અભ્યાસક્રમો માટે ખૂબ જાણીતી શૈક્ષણિક સંસ્થા હાલમાં ભવ્ય ભૂતકાળ ગુમાવી ચૂકી છે. એક સમયે વિધાર્થીઓની ભરચક રહેતી સંસ્થાઓમા હાલમાં સુમસામ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 1951માં  કપડવંજની પી.એન. ટેકનીકલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. આ શૈક્ષણિક સંસ્થા છેલ્લા ચાર-પાંચ વર્ષથી સદંતર બંધ થઈ જવાથી કાટમાળમાં ફેરવાઈ રહી છે. કેમ્પસમાં આવેલ ત્રણ બિલ્ડીંગમાંથી એક બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થઈ ગયો છે અને બિલ્ડીંગ પણ જર્જરીત થઈ ગયું છે.

50 થી વધુ રૂમ ધરાવતી હાઈસ્કૂલમાં રહેલી અનેક મશીનરીઓ, બેંચીસો, ફર્નિચર, વાયરીંગ, બારી- બારણાં, પતરાં, કોમ્પ્યુટર, પંખા, લાઈટ વગેરે કાટમાળમાં ફેરવાઈ ગયા  છે. આઠ એકરમાં પ્રસરેલ સંકુલમાં ત્રણ બિલ્ડીંગ, બે વર્કશોપ, મોલ્ડિંગ વિભાગ, કેન્ટીન, સ્ટાફ ક્વાર્ટર્સ, શૌચાલય, પાણીની વ્યવસ્થા સાથે વિશાળ કેમ્પસ,  મોટું રમત-ગમતનું ખુલ્લું મેદાન ધરાવતી ખૂબ જ પ્રચલિત શૈક્ષણિક સંસ્થા ધમધમતી હતી. એક સમયે 700થી વધુ વિદ્યાર્થીઓથી ગુંજતી અને 75 થી વધુનો સ્ટાફ ધરાવતી આ સ્કૂલમાં હાલ એકમાત્ર પટાવાળા ફરજ બજાવે છે. ઇન્ચાર્જ આચાર્ય પી. કે. પટેલ દર સોમવારે હિસાબ – કીતાબ માટે આવે છે.

આ સંસ્થાની સ્થાપના સમયે દાતા પિતાંબરદાસ નંદલાલ પરીખના રૂપિયા એક લાખના દાનના કારણે સંસ્થાને તેઓનું નામ અપાયું હતું. ઉપરાંત કપડવંજના વતની એશિયન પેઈન્ટ્સવાળા સૂર્યકાંતભાઈ દાણીએ પી.એન.ટેકનીકલ હાઈસ્કૂલમાં ૧૯૮૩માં 7.50 લાખ રૂપિયાનું દાન આપી “શ્રીમતી કાંતાબહેન સૂર્યકાંત દાણી વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર” બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ પી. એન. ટેકનીકલ હાઇસ્કુલ ગુજરાતની અન્ય સરકારી હાઈસ્કૂલમાં ટોચ ઉપર પહોંચી હતી. અહીં આઈટીઆઈ સ્ટાફ મિત્રોની કાર્ય શિબીરો પણ યોજાઇ હતી. હજારો વિદ્યાર્થીઓએ અહીં ટેકનિકલ વિષયો સાથે અભ્યાસ કરી દેશ-વિદેશમાં કપડવંજનું નામ રોશન કર્યું છે. સંસ્થામાં સેવા આપનાર નિવૃત્ત શિક્ષકો રાષ્ટ્રીય તહેવારે સ્કૂલમાં ભેગા થઈ ધ્વજવંદન કરે છે. સાથે પોતાની સંસ્થાની આવી બદતર હાલત જોઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

મહીલા કોલેજ શરૂ કરવા માટે કપડવંજના શિક્ષણ પ્રેમીઓની માંગ
શિક્ષણ સંસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સગવડો ધરાવતી આ સરકારી ટેકનીકલ હાઈસ્કૂલ ફરી ગુંજતી થાય તેવી કપડવંજના જાગૃત નાગરિકોની માંગ છે. સમગ્ર ખેડા જિલ્લામાં એક પણ મહિલા પોલિટેકનિક ન હોવાથી અહીંયા જો મહિલા પોલિટિકલ કોલેજ, ફાર્મસી કોલેજ અથવા એન્જિનિયરિંગ કોલેજ શરૂ થાય તો કપડવંજ, કઠલાલ,ડાકોર, બાલાસિનોર,બાયડ સહિત નજીકના શહેરોની વિદ્યાર્થીનીઓને ઘર આંગણે શિક્ષણનો લાભ મળી શકે તેમ છે.

વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ સહિત વિવિધ વર્કશોપમાં તાલિમ મળતી હતી
ટેકનિકલ શિક્ષણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આ સ્કૂલના સુવર્ણકાળે આઈટીઆઈ એનસીવીટીના અભ્યાસક્રમો ફીટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, વેલ્ડર, ટીઈબીના અભ્યાસક્રમો ઇલેક્ટ્રિકલ વાયરીંગ એન્ડ જોઈન્ટિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ તથા શહેરની સી. એન. વિદ્યાલય, એમ. પી. મ્યુનિસિપલ, હાઇસ્કુલ, શારદા મંદિરના ધોરણ 8 – 9 – 10 ના વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને વર્કશોપનો અભ્યાસક્રમ કરતા હતાં. 

એન્જિનિયરિંગ ડિપ્લોમા કોલેજ દ્વારા  હાઈસ્કૂલ સંકુલનો પાંચ વર્ષ હંગામી ઉપયોગ
2013 થી 18 સુધી અહીંયા હંગામી ધોરણે ગવર્મેન્ટ પોલિટેકનિક, ખેડાની ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન સીવીલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગના 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. જે મહેમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જતાં ત્યાં સ્થળાંતર કરાઈ હતી.

Most Popular

To Top