Columns

જિંદગીને ફરીથી જીવો

વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનના એક મિત્ર સંગીતકાર હતા. છેલ્લા ઘણા વખતથી તે સંગીતકાર મિત્ર નિરાશાની ગર્તામાં ધીમે ધીમે ધકેલાઈ રહ્યા હતા.જીવનમાં એક સાથે ઘણી મુશ્કેલીઓ હતી…એનો સામનો કરવામાં તેઓ સારું સંગીત રચી શક્તા ન હતા;અને સારું સંગીત ન રચી શકવાને કારણે તેઓ વધુ ને વધુ નિરાશ થતાં જતાં હતા.આ નિરાશાજનક પરિસ્થિતિમાંથી નીકળવા માટે કોઈ ઉપાય મળતો ન હતો સંગીતકારની પત્ની આઇનસ્ટાઇન પાસે આવી અને તેમના મિત્રની મદદ કરવા વિનંતી કરી.

આઇનસ્ટાઇન બીજે દિવસે પોતાના મિત્રને મળવા ગયા અને પોતાની સાથે પાર્કમાં ચાલવા લઇ ગયા.થોડીવાર સુધી સંગીતકાર મિત્ર કઈ બોલ્યા નહિ પછી અચાનક પોતાની એક પછી એક બધી તકલીફો અને મુશ્કેલીઓ મિત્રને કહેવા લાગ્યા. આઇનસ્ટાઇને શાંતિથી મિત્રને વચ્ચે ટોક્યા વિના તેની બધી વ્યથા સાંભળી.ઘણી વાતો કહ્યા બાદ સંગીતકાર મિત્રે કહ્યું, ‘દોસ્ત તું તો બહુ હોશિયાર છે.તો કૈંક રસ્તો બતાવ;આ દશામાંથી બહાર નીકળવા મારી મદદ કર.’આઇનસ્ટાઇન બોલ્યા, ‘દોસ્ત,હું તારી મદદ કરવા જ આવ્યો છું અને તે જ કરી રહ્યો છું.’

સંગીતકાર મિત્રને કઈ સમજાયું નહિ તે બોલ્યો, ‘મિત્ર, તું તો ક્યારનો ચુપ છે; હું જ મારી વ્યથા કહી રહ્યો છું અને તું કઈ બોલ્યા વિના ચુપચાપ સાંભળી રહ્યો છે.તે ક્યાં કોઈ રસ્તો બતાવ્યો??’આઇનસ્ટાઇને કહ્યું, ‘મારી પાસે સૌથી પહેલો રસ્તો છે કે તું તારા મનની નાની મોટી વ્યથા ચિંતા દુઃખ બોલી નાખ;કહી નાખ એટલે તારા મનનો ભાર ઓછો થઇ જાય.અને તું મને પોતાનો ગણી તારી તકલીફો કહી રહ્યો છે એટલે હું ચુપચાપ સાંભળી રહ્યો છું જેથી તારા મનનો ભાર ઓછો થઇ જાય.હવે સાંભળ બીજો રસ્તો છે આ રસ્તાથી વિરોધી રસ્તો એટલે સતત મુશ્કેલીઓ અને તકલીફો વિષે ન વિચારો અને બધા પાસે તેના ગાણા ન ગાવ સમજાયું.’મિત્ર આઇનસ્ટાઇનની બે વિરોધાભાસી પણ સાચી વાત સમજી ગયો.

આઇનસ્ટાઇન આગળ બોલ્યા, ‘જો દોસ્ત તું નિરાશામાંથી જાતે બહાર આવવા માંગીશ તો જ આવી શકીશ.માટે મનને તૈયાર કર.નવેસરથી જીવવાનું શરુ કર.પાયાથી રીયાઝ શરુ કર,વર્તમાનપત્ર અને સમાચારો ન વાંચ,નકારાત્મક વિચારો અને તેવી વ્યક્તિથી દુર રહે, સમાન શોખ અને વિચારોવાળા મિત્રોને મળ,ગમતું વાંચન કર,પ્રકૃતિને નજીકથી જો,સૂર્યોદય, સુર્યાસ્ત,વહેતા ઝરણા અને ખીલતા ફૂલો નો આનંદ લે,નાના બાળકો પ્રાણીઓ સાથે રમ,કસરત કર,ધ્યાન કર,અને સંગીતમાં નવું સર્જન રોજ કર.જીવન ફરીથી જીવવા જેવું લાગશે.’આઇનસ્ટાઇનની સલાહે મિત્રના જીવનને નવી દિશા આપી.મિત્રો, આજના મહામારીના કપરા સમયમાં આઇનસ્ટાઇનની આ સલાહ અનુસાર આપને બધારે વર્તવાની જરૂર છે.સતત નિરાશાજનક વાતો, ચિંતાજનક સમાચારો,અફવાઓથી દુર રહો.મનગમતું કરો.જીવન ફરી આનંદનો સૂર્ય ઉગશે તેનો વિશ્વાસ રાખો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top