Latest News

More Posts

રાજયમાં વરસાદી (Rain) મૌસમ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદે જમાવટ કરી છે. પોરબંદરમાં રવિવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફક્ત ચાર કલાકમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે રવિવારે દ્વારકાના ખંભાળિયામાં 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે. રવિવારે 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. ખંભાળિયાના નગરગેટ, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણીની નદીઓ વહેતી થઈ હતી. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં રવિવારે વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વરસાદી સીઝનનો પહેલો વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. દ્વારકાના ભાણવડ તાલુકામાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના કુંભારવાળા વિસ્તારમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, દાહોદ, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, કચ્છ, દ્વારકામાં વરસાદ થશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 17 થી 22 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન ફૂંકાશે અને સારો વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે.

To Top