Latest News

More Posts

વ્યારા: વ્યારા, સોનગઢમાં કોતરોમાં દબાણોથી પાણીના વહેણની દિશા બદલાતાં લોકો પૂરનો સામનો કરવા મજબૂર થયા છે. ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઊંઘમાં જ પૂર આવે તો પાણીમાં લોકોની ઘરવખરીની સામગ્રી તો ઠીક પોતે પણ તણાઇ જાય તેવી દહેશત ઊભી થઇ છે. આવી મોટી હોનારતને ટાળવા પાણી વહે એ પહેલા તંત્રે અહીં પાળ બાંધવી જરૂરી છે. ગત રોજ વ્યારામાં નવ ઇંચ અને સોનગઢમાં પોણા આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં કોતરોમાં દબાણને લીધે ફરી પૂરની સ્થિતિનો સામનો કરતાં લોકોએ પોતાની ઘરવખરીની સામગ્રી બચાવવા રાત્રિના ઉજાગરા કરવા પડ્યા હતા.

સોનગઢમાં ભારે વરસાદને કારણે તાપી કોમ્પ્લેક્સના બિલ્ડરે કોતરમાં દબાણ કરી બનાવેલી સેફ્ટી વોલનું ધોવાણ થયું છે. ત્યારે અહીં ખાડાખરાબીની જગ્યામાં બાંધકામની પરવાનગી આપી કોણે? સોનગઢમાં કોતરો પર બિલ્ડરોનો કબજો કેવી રીતે થયો? વારંવાર પૂરનો સામનો કરતાં લોકો હવે તંત્રને જ સવાલો પૂછતા થયા છે.

કોતરો અને ખાડાખરાબીની જગ્યાઓ બિલ્ડરો-ભૂમાફિયાઓએ પચાવી તેની ઉપર સોસાયટી, બહુમાળી ઇમારતો તેમજ છૂટાછવાયાં દબાણ કરી દેતાં છેલ્લાં ચારેક વર્ષથી વ્યારા અને સોનગઢમાં કોતરમાં પાણીનું વહેણ બદલાતાં નીચાણના વિસ્તારોમાં ભયાનક પૂર આવી રહ્યું છે. ગરીબોની ઘરવખરીને પણ નુકસાન થતાં ચોમાસામાં તેઓને માથે જોખમ તોળાઈ રહ્યું છે. દબાણ બાબતે પાલિકા સહિતના વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું, પણ હજુ સુધી કોતર કે સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવા કે પગલાં ભરવાની તંત્રને ફૂરસદ મળી નથી. અહીં દબાણ સમિતિની દબાણ બાબતે ચૂપકીદી પણ શંકાના દાયરામાં આવી છે.

ગતરોજ શુક્રવારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વ્યારામાં ૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાલોડ અને ઉચ્છલમાં ૪-૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કુકરમુંડામાં દોઢ ઇંચ, જ્યારે ડોલવણમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓ તેમજ નાળામાં પાણીની ભરપૂર આવક થતાં વ્યારાના કાનપુરા વાઘઝરીથી ધમોડી રોડ બંધ કરાયો હતો. જ્યારે વાલોડ તાલુકાના ધમોદલા બંગલી ફળિયાનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

  • 24 કલાકમાં પડેલો વરસાદ
  • વ્યારા-8.70 ઇંચ
  • સોનગઢ-7.24 ઇંચ
  • વાલોડ-3.38 ઇંચ
  • ઉચ્છલ-3.66 ઇંચ
  • નિઝર-3.03 ઇંચ
  • કુકરમુંડા-1.53 ઇંચ
  • ડોલવણ-1.10 ઇંચ
To Top