Vadodara

ચીકુની વાસવાળા 35 પાર્સલમાંથી 3.33 લાખના દારૂનો જથ્થો મળ્યો

વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન ખાતે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે. ત્યારે રેલવે એલસીબીના જણાવ્યા મુજબ સાંજના સમયે જે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. જેથી આ દરમિયાન ઇલેકટ્રીક ગુડસ લખેલા કેટલાક પાર્સલ લીકેજ જણાયા હતા અને તેમાંથી ચીકુની વાસ આવતી હતી. જેને પગલે એલસીબી પીઆઈ વીરેન્દ્ર આહીરની ટીમને પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

બાન્દ્રા-ભૂજ સ્પેશિયલ ટ્રેન બપોરે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા બાદ રેલવે પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. દરમિયાન પાર્સલ ઓફિસમાં પાર્સલોનું લોડિંગ અને અનલોડિંગ કામ કરતો કોન્ટ્રાક્ટર દિપસિંગ શિવનાથસિંગ ભદોરીયા રહે.સ્વામી વિવેકાનંદ હાઇટ્સ, લક્ષ્‍મીપુરારોડ, ગોરવા ટ્રોલીમાં થર્મોકોલના બોક્સો લઇને જતો હતો ત્યારે એક બોક્સમાંથી લિકેજ થયેલું પ્રવાહી બહાર પડયું હતું અને અંદરથી આલ્કોહોલની વાસ આવતા પોલીસને શંકા ગઇ હતી.પોલીસે તપાસ કરતાં દારૂની બોટલો મળી હતી.આ સાથે જ પોલીસે દિપસિંગની અટકાયત કરી હતી અને થર્મોકોલના 35 બોક્સો કબજે કરી તપાસ કરતાં દરેક બોક્સમાં દારૃ અને બીયરની બોટલો મળી હતી .પોલીસે રૂ.3.33 લાખ કિંમતની 2484 બોટલો કબજે કરી હતી. આ પાર્સલ મોકલનારમાં મુંબઇના તિમિર નામના શખ્સનો ઉલ્લેખ હતો તેમજ લેનારમાં પણ તેનું જ નામ હતું.પોલીસે ખરેખર દારૃ કોણે મોકલ્યો તેમજ કોને મંગાવ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

૬ દિવસના રિમાન્ડ મેળવાયા
આ કામના ગુનાના આરોપીને કોર્ટમાં રજુ કરતા તેના દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેથી કોર્ટે તેના ૬ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેથી આ ગુનામાં વધુ તપાસ કરવા માટે બોમ્બે અને અમદાવાદ ખાતે આરોપીને સાથે રાખીને વધુ તપાસ કરાશે. – એફ.એ.પારગી, વડોદરા રેલ્વે પી.આઈ.

Most Popular

To Top