National

કેરળમાં બે મહિલાઓનું અપહરણ કરી બલિ ચઢાવી, આરોપી યુગલે મહિલાઓનું માંસ ખાધું

કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં એક ઘરની અંદરથી બે મહિલાઓના વિકૃત મૃતદેહ મળી આવ્યા હતા. કાળા જાદુને (Black Magic) કારણે આ હત્યાઓ કરવામાં આવી હોવાની આશંકા છે. તેઓને આ ઘરમાં દફનાવવામાં આવી હતી. આ મહિલાઓનું મિત્રતાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી બલિ આપવામાં આવી હતી. પોલીસને શંકા છે કે આરોપી દંપતીએ બલિ આપ્યા બાદ મહિલાઓનું માંસ (Couple Ate Meat) પણ ખાધું હતું. આરોપી દંપતી ભગવાલ સિંહ અને તેની પત્ની લૈલા પથાનમથિટ્ટા જિલ્લાના અરનમુલા પાસેના તેમના ઘરમાં મસાજ સેન્ટર ચલાવતા હતા. તેઓનો એજન્ટ મોહમ્મદ શફી સપ્ટેમ્બરમાં બંને મહિલાઓને ઘરે લઈ આવ્યો હતો. જ્યાં દંપતી દ્વારા તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કાળા જાદુના પ્રકરણમાં ‘માનવ બલિ’ની શક્યતા છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આજે ત્રણેય આરોપીઓને એર્નાકુલમની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેયને 26 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. તેમની સામે માનવ બલિનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણ આરોપીઓમાં એજન્ટ મોહમ્મદ શફી અને ભગવાલ સિંહ અને તેની પત્ની લૈલાનો સમાવેશ થાય છે. તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે આ કેસના મુખ્ય આરોપીએ આરોપી દંપતીને કહ્યું હતું કે તેઓ માનવ માંસ ખાઈને કાયમ યુવાન રહેશે. જેને કારણે દંપતીએ આ કૃત્ય કર્યું હતું.

મૃતદેહના ટુકડા કરી દાટી દીધા
પોલીસના જણાવ્યા અનુસાર બદમાશોએ પહેલા મહિલાઓની હત્યા કરી અને પછી તેમના મૃતદેહના ઘણા ટુકડા કરી તિરુવલ્લા પાસેના એક મકાનમાં દાટી દીધા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કાળા જાદુના કારણે આ મહિલાઓની બલિ આપવામાં આવી હતી. આરોપીઓએ પૈસા માટે અને વધુ ધનવાન બનવા માટે પૂજા કરી હતી. બલિ માટે આ મહિલાઓ સાથે મિત્રતા કરી હતી અને પછી અપહરણ કરીને બલિ આપી હતી. મૃતકોની ઓળખ કદવંથરાના રહેવાસી પદમમ (52) અને કાલડીના રહેવાસી રોસિલી (50) તરીકે થઈ છે. બંને 26 સપ્ટેમ્બરથી ગુમ હતા.

શફી મુખ્ય આરોપી, વૈજ્ઞાનિક તપાસમાંથી કડીઓ મળી
કોચીના પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ કહ્યું કે અમે પહેલા શફીની પૂછપરછ કરી હતી પરંતુ તેની પાસેથી કોઈ સુરાગ મળ્યો ન હતો. અમે વૈજ્ઞાનિક તપાસના આધારે જ સ્થળ પર પહોંચ્યા. શફી જ મુખ્ય કાવતરાખોર અને આરોપી છે. તપાસ દરમિયાન ગુમ થયેલી બંને મહિલાઓના ફોન એજન્ટ મોહમ્મદ શફી પાસે મળી આવ્યા હતા. આ પછી જ્યારે તેની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી ત્યારે અપહરણ અને બલિનો મામલો સામે આવ્યો.

પૈસા અને પ્રસિદ્ધિના મોહમાં કર્યું આવું કામ
ગઈકાલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી દંપતી અને એજન્ટ શફીએ તંત્ર-મંત્ર પૂરો કરીને પૈસા અને પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં આ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર શફી બંને મહિલાઓને લાલચ આપી આરોપીના ઘરે લઈ ગયો હતો. જ્યાં બલિ આપ્યા બાદ તેમને દફનાવવામાં આવ્યા હતા. આરોપી ભગવંત સિંહ અને તેની પત્નીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેઓ મૃત મહિલાઓનું માંસ પણ ખાધું. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી મહિલા લૈલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે અને તેના પતિએ પૈસા માટે ધાર્મિક વિધિના નામે ઘરની અંદર અને દિવાલો પર મહિલાઓનું લોહી છાંટ્યું. આ પછી તાંત્રિક શફીના કહેવા પર મહિલાઓના મૃતદેહને રાંધવામાં આવ્યા હતા અને તાંત્રિકના કહેવા પર તેને ખાધું પણ હતું. એટલું જ નહીં આરોપીઓએ આ સમયગાળા દરમિયાન કાળા જાદુ સાથે સંબંધિત ઘણી પુસ્તકો પણ વાંચી હતી.

જાવડેકરે આ ઘટનાને અમાનવીય ગણાવીને ડાબેરી સરકાર પર આકરા પ્રહારો કર્યા
માનવ બલિદાનની આ ઘટના માટે ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કેરળની ડાબેરી મોરચાની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આ ઘટનાને અમાનવીય ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વધી રહ્યા છે. આ ઘટના માત્ર મહિલા વિરોધી નથી પરંતુ પડદા પાછળ સીપીઆઈ(એમ)ના કાર્યકરો અને કટ્ટરપંથીઓ હોઈ શકે છે. આ કૃત્યને ‘બર્બર’ ગણાવતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે પથ્થર યુગનો ગુનો છે. ગુંડાગીરીને પ્રોત્સાહન આપવાના કારણે આવું બન્યું છે. આ છે ડાબેરી સરકારનું અસલી ચરિત્ર.

Most Popular

To Top