Latest News

More Posts

પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી : ABVPનો વિરોધ

અસરકારક સુધારા કરવામાં નહીં આવે તો કડક આંદોલનાત્મક પગલાં લેવા મજબૂર થશે :

( પ્રતિનિધી )વડોદરા,તા.20

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અંગે સતત ઉદ્ભવતા ગંભીર પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામા આવી હતી.

એમ.એસ.યુનિવર્સીટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે, એબીવીપીના વેદ ત્રિવેદીની આગેવાની હેઠળ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી.

ખાસ કરીને ગર્લ્સ વોશરૂમની અત્યંત નાજુક, અશુદ્ધ અને અપૂર્ણ સ્થિતિ, પાણીની અછત તેમજ નિયમિત સફાઈના અભાવને કારણે વિદ્યાર્થિનીઓને પડતી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું હતું. ઉપરાંત આર્ટ્સ ફેકલ્ટીના સમગ્ર પરિસરમાં સફાઈની વ્યવસ્થા ખોરવાઈ જવાથી સર્જાતી ગંદકી અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી.

વેદ ત્રિવેદી દ્વારા જણાવાયું હતું કે, મહત્વપૂર્ણ મુદ્દાઓમાં આર્ટ્સ ફેકલ્ટીમાં સ્ત્રી-પુરુષ વિદ્યાર્થીઓને શૌચાલયોની ઉપલબ્ધતા ઓછી હોવી, શૌચાલયોમાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી, વિદ્યાર્થીઓ માટે પાર્કિંગ સુવિધાની અછત અને પાર્કિંગ સ્થળોની અનિયમિત સફાઈ, અસામાજિક તત્વો દ્વારા મર્યાદિત વિસ્તારોમાં અયોગ્ય પાર્કિંગ, વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થામાં ખામી, ફેકલ્ટી વિસ્તારમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ અને બિનજરૂરી ઉગેલી ઝાડી લીલોતરીની સફાઈના અભાવ સહિત અનેક મુદ્દાઓ ખૂબ જ ગંભીર છે.

છતાં પણ આ પૈકીના એકેય મુદ્દે કોઈ સકારાત્મક પગલાં તંત્ર દ્વારા લેવામાં નહિ આવતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. એબીવીપીએ મેનેજમેન્ટને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો તાત્કાલિક અને અસરકારક સુધારા કરવામાં નહીં આવે તો કડક આંદોલનાત્મક પગલાં લેવા મજબૂર થશે.

To Top