Latest News

More Posts


છોટાઉદેપુર:

છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી બદલે સિલેક્શન પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ, મંત્રી સહિતના મોટાભાગના હોદ્દાઓ માટે સર્વસંમતિથી સમજૂતી સધાઈ હતી. જોકે પ્રમુખ પદ માટે સહમતિ ન બનતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.

પ્રમુખ પદની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુખદેવભાઈ પી. રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ. રાઠવા અને ભાવસિંહભાઈ ડી. રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 83 મત પડ્યા હતા, જેમાંથી 3 મત રદ જાહેર થયા હતા. મતગણતરી બાદ રમેશભાઈ એ. રાઠવાને 46 મત પ્રાપ્ત થતાં તેઓ સતત બીજી વખત પ્રમુખ તરીકે વિજયી બન્યા હતા.

આ ચૂંટણીમાં અન્ય તમામ હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે પઠાણ ફિરોઝખાન એ., મંત્રી તરીકે મલેક સલીમભાઈ એસ., ખજાનચી તરીકે ઠાકોર કિશોરીબેન એ. તથા એલ.આર. તરીકે રાઠવા રીટાબેન જે.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ નવનિર્વાચિત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

To Top