Columns

લક્ષ્મીજી કરવીરમાં અને વિષ્ણુજી વૈંકટાચલ પર્વત પર ધ્યાનસ્થ

લક્ષ્મીદેવીએ કહ્યું, ‘હે પ્રભુ! આપ તો 14 ભવનના અધિપતિ છો. 33 કરોડ દેવદેવતાઓના સ્વામી છો અને બ્રાહ્મણ ઋષિ વૈકુંઠમાં આવીને તમારા પર લાતપ્રહાર કરે છે અને તમે એની પાસે ક્ષમા – યાચના કરીને એના પગ દબાવો છો! એટલા અસમર્થ છો તમે? તમે તો લીલા કરનારા સૂત્રધાર છો. મને સમજાવવા માટે અનેક નાટકો કરશો પણ હવે હું તમારા નાટકમાં ફસાઇ જવાની નથી. જે બ્રાહ્મણના કારણે આપણા વચ્ચે વિવાદ નિર્માણ થયો, જે બ્રાહ્મણના લીધે આપણામાં રોષ અને અલગ થવાના વિચારો આવ્યા તે ઋષિને તમારે શિક્ષા કરવાની હતી ત્યારે તમે એની જ સેવા કરી છે. તો હું અહીંથી જાઉં છું અને શાપ આપું છું કે જે બ્રાહ્મણના કારણે આપણામાં અંતર પડવાનું છે તે બ્રાહ્મણ વર્ણના લોકો ભૂલોકમાં પરમ દરિદ્ર થઇને જન્મ લેશે અને પોતાની વિદ્યા વેચીને જીવન ચલાવશે અને વૈકુંઠમાંથી સડસડાટ નીકળી ગયાં. તે ભૂલોકમાં કરવીર ક્ષેત્ર કોલ્હાપુરમાં તપસ્યા કરવા બેસી ગયા.

વૈકુંઠમાંથી લક્ષ્મીજી જતાં રહ્યાં તો વૈકુંઠ વેરાન બની ગયું. સુખ – ચેન ઊડી ગયું. વૈકુંઠવાસીઓએ વિષ્ણુને પ્રાર્થના કરી કે ‘હે પ્રભુ! આપ ત્વરિત લક્ષ્મીજીને લઇ આવો.’ દુ:ખી વિષ્ણુ ભગવાન લક્ષ્મીને શોધવા ભૂલોકમાં ગયા. સર્વત્ર ફર્યા અને જંગલ, પર્વતો ખૂંદી વળીને તિરુપતિ પ્રાંતમાં (આંધ્રમાં) તિરુમાલા ક્ષેત્રમાં જ્યાં શ્રી આદિવરાહ સ્વામીનું મંદિર છે, ત્યાં આમલીના ઝાડ પાસે સાપના રાફડામાં જઇને લક્ષ્મીજીનું ધ્યાન ધરીને ધ્યાનસ્થ થયા.

અને નારદમુનિએ બ્રહ્મલોકમાં બ્રહ્માજીને કહ્યું હે પિતાશ્રી વૈકુંઠથી લક્ષ્મીજી ગુસ્સે થઇને કરવીરમાં તપ કરવા બેસી ગયાં અને શ્રી વિષ્ણુ એમની શોધમાં ભૂલોકમાં જ તિરુમાલા ક્ષેત્રમાં સર્પના રાફડામાં લક્ષ્મીજીનું ધ્યાન ધરીને ધ્યાનસ્થ બન્યા છે. શ્રીહરિને ભૂલોકમાં અવતાર લેવાની વાત તો રહી ગઇ પણ હવે તેમને અન્ન – પાણી આપવાની વ્યવસ્થા કરવી જોઇએ. ત્યારે બ્રહ્માજી બોલ્યા, ‘હે પુત્ર નારદ! તમે ભૂલોકમાં લક્ષ્મીજીને મળો અને વાત સમજાવો. હું કૈલાસ પર જઇને શ્રી મહાદેવને મળું છું.’
બ્રહ્માજી મહાદેવને વિષ્ણુ અને લક્ષ્મીજી વચ્ચેની કલહની વાત કરે છે અને હાલ બંને ભૂલોકમાં છે તો શ્રી વિષ્ણુને સહાય કરવા માટે હું ગાય બનીશ અને તમે વાછરડું બનો. આપણે ત્યાં દૂધ આપીને વિષ્ણુજીનું રક્ષણ કરીશું અને બંને ભૂલોકમાં ગયા.

નારદે લક્ષ્મીને કહ્યું કે તમારી શોધમાં શ્રી હરિ સર્પના રાફડામાં લક્ષ્મી લક્ષ્મીનું ધ્યાન ધરીને ભૂખ્યા – તરસ્યા જીવન ગાળી રહ્યા છે. ત્યારે લક્ષ્મીજી બહુ જ દુ:ખી બનીને મહાદેવનું સ્મરણ કરે છે. મહાદેવ પ્રગટ થાય છે. લક્ષ્મીનું સાધારણ સ્ત્રીનું રૂપ જોઇને બ્રહ્માજીને પાયારણ કરે છે. વાત જાણીને બ્રહ્માજી કહે છે, ‘દેવી! હું ગાય અને મહાદેવ વાછરડું બનશે. તમે ગોપી બનીને અહીંના રાજા ચોલને અમને વેચી દો. અમે દૂધ પાઈને શ્રી હરિનું રક્ષણ કરીશું. લક્ષ્મીદેવી ગાય અને વાછરડાને રાજા ચોલને વેચીને ફરી કરવીરમાં તપસ્યા કરવા નીકળી જાય છે.

ચોલ રાજાનો ગાયોનો સેવક ભરવાડ રોજ અન્ય ગામો સાથે નવા ગાય- વાછરડાને વેંકટાચલ પર્વત પરના જંગલમાં ચરવા લઇ જાય છે. ત્યારે નવી ગાય અને વાછરડું દોડીને જ્યાં વિષ્ણુ ભગવાન સાપના રાફડામાં બેઠા છે, ત્યાં દૂધની ધારા છોડે છે અને અંદર ભગવાન વિષ્ણુ તૃપ્ત થાય છે પણ રાજાને ત્યાં દૂધ જતું નથી તો રાણી સાહેબા ભરવાડને ખખડાવે છે. કાલે નવી ગાયનું દૂધ આવવું જ જોઇએ. બીજે દિવસે ભરવાડ નવી ગાય પર નજર રાખે છે, તો ગાય સાપના રાફડામાં દૂધની ધારા વહાવે છે. આ દૃશ્ય જોઇને ભરવાડ હાથમાં કુલ્હાડી લઇને ગાયને મારવા આવે છે અને કુલ્હાડીથી મારવા જાય તો ભગવાન વિષ્ણુજી ભરવાડને રોકે છે પણ કુલ્હાડીનો ઘા વિષ્ણુજીના માથે લાગે છે. લોહી વહેવા લાગે છે.

આ જોઇને ભરવાડને મૂર્છા આવીને પડી જાય છે અને વિષ્ણુજી પણ બેહોશ અવસ્થામાં પડી જાય છે. લોહીના છાંટા ગાય પર પડે છે. બ્રહ્માજી જે ગાયના રૂપમાં હતા તે રાજા ચોલના દરબારમાં ગયા. રકતના છાંટાવાળી ગાય જોઇને ગાયની પાછળ રાજા વૈંકટાચલ પર્વત પર આવ્યા. બેહોશ પડેલા ભરવાડને જોયો. રડવાનો અવાજ સાંભળીને વિષ્ણુ પાસે ગયા અને જોયું તો માથામાંથી લોહી નીકળતા શ્રી હરિને જોયા અને કહ્યું, ‘હે ભદ્ર! આપ કોણ છો? અહીં કયાંથી આવ્યા છો? તમારા પર આ દારુણ સંકટ કેમ આવ્યું? અમારો સેવક ભરવાડ પણ બેહોશ કેમ છે? અજાણતામાં થયેલ ભૂલ માટે ક્ષમા કરો.’ રાજાના વચનો સાંભળીને શ્રી હરિએ નેત્ર ખોલ્યા અને રાજાને કહ્યું…
(ક્રમશ:)

Most Popular

To Top