Dakshin Gujarat

નજીવી રકમની લેતી-દેતીના મામલે આમોદના કુરચણ ગામે મિત્રોનો મિત્ર ઉપર હુમલો

ભરૂચ: આમોદના કુરચણ ગામે (Kurchan Village) ઉછીના લીધેલા રૂ.800ની લેનદેન મુદ્દે યુવાન પર ૩ જણાએ હુમલો (Attack) કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે આમોદ પોલીસમથકે (Police) ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમોદના કુરચણ ગામે આવેલી નવી નગરી ખાતે રહેતા અરવિંદભાઈ વેચાણભાઈ વસાવાએ ગામમાં રહેતા કનુભાઈ રણછોડભાઈ પટેલ પાસેથી એક મહિના પહેલાં રૂ.800 ઉછીના લીધા હતા. દરમિયાન તેઓ ગામમાં રહેતાં જગદીશના ઘરે અન્ય મિત્રો સાથે બેઠા હતા. એ વેળા ગામમાં જ રહેતાં કોકીલા મંગળભાઈ વસાવા, હિતેન દિનેશભાઈ વસાવા તેમજ દિનેશ ડાહ્યાભાઈ વસાવા તેમની પાસે આવ્યાં હતાં.

રૂપિયાની માંગણી કરવા સાથે તેને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો
તેમણે જણાવ્યું હતું કે, કનુભાઇ પાસેથી તેં રૂ.800 લીધા હતાં તે હવે તારે મને આપવાના છે. જેથી અરવિંદભાઈ તેમને જણાવ્યું હતું કે, કનુભાઇએ તેમને કહ્યું છે કે આ રૂપિયા એમના સિવાય અન્ય કોઇને તારે આપવાના નથી. તેમ છતાં દિનેશ વસાવા ઉશ્કેરાઇ જઇ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવા સાથે તેને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો.
આ મામલો ગરમાતાં દિનેશનું ઉપરાણું લઇ કોકીલા મંગળભાઈ વસાવા તેમજ હિતેન દિનેશભાઈ વસાવાએ પણ તેમના પર હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી.

તું બચી ગયો છે, ફરી મળીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી
આજુબાજુના લોકોએ તેમને વધુ મારથી બચાવ્યા હતા. જતા જતા એ ઈસમોએ કહ્યું કે, આજે તો તું બચી ગયો છે, ફરી મળીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે આમોદ પોલીસમથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top