Dakshin Gujarat

લાંચના રૂપિયાથી જલસા કરવા માંગતા પાલોદ પોલીસ ચોકીના પીએસઆઈની દિવાળી બગડી

સુરત: પોલીસ બેડામાં ભ્રષ્ટ્રાચારનો સડો ખૂબ ઊંડે સુધી પેસી ગયો છે, ત્યારે આરોપીને હેરાન નહીં કરવા બદલ રૂપિયા 50 હજારની માતબર રકમની લાંચ માંગનાર પોલીસકર્મી ઝડપાયો છે.

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે કોસંબા પોલીસ સ્ટેશનની પાલોદ પોલીસ ચોકીનો પોલીસ સબ ઈન્સ્પેક્ટર 50 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો છે. ઇ.પી.કો.કલમ 406,420 ના ગુનાના આરોપી ને હેરાન પરેશાન નહીં કરવા બદલ પીએસઆઈ (PSI ) જશમતભાઇ ખાતાભાઇ મુળીયાએ લાંચ માગી હોવાનું બહાર આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આગળની તપાસ હાથ ધરી છે.

એસીબીએ જણાવ્યું હતું કે લાંચ લેતા ઝડપાયેલા જશમત મૂળિયા (ઉં.વ.51) વર્ગ-3 પાલોદ પોલીસ ચોકી કોસંબા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓ બી-1/501, શીવાંજલી દ્રીમ, સિગ્નેટ મોલની સામે કામરેજ ખાતે રહે છે. ઘટના 9 મી નવેમ્બરના રોજની છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇ.પી.કો.કલમ 406, 420ના ગુનાની તપાસમાં ફરીયાદીને હેરાન પરેશાન નહી કરવા માટે પીએસઆઈ જસમતે રૂપિયા 50 હજારની લાંચ માંગી હતી.

વધુમાં જણાવ્યું હતું કે ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય જેથી એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને લઈ ACB એ લાંચનુ છટકુ ગોઠવી હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ 50 હજાર સ્વીકારતા PSI ને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. વધુમાં જણાવ્યુ હતું કે, આરોપી PSIને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી તરીકે કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી અને સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી,
મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરાઈ હતી.

Most Popular

To Top