Columns

મહિલા કુસ્તીબાજોની ન્યાયનીમાંગણી સામે તેમના સ્વમાનને જમીન પરચત્તુંપાટ પાડી તેની પર મરાયા મુક્કા

દિલ્હી- આપણા દેશનું પાટનગર ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે અને રહેવું જ જોઇએ પણ માળું કમનસીબે છેલ્લા કેટલાક વખતથી ત્યાંથી જેટલી તીવ્રતામાં સારા સમાચાર આવે છે એનાથી વધુ તીવ્રતાથી ખરાબ સમાચાર પણ આવે છે. એક તરફ વીરસાવરકરના જન્મદિવસે (ખબર નહીં શા કારણે આ જ દિવસની પસંદગી થઇ) નવા સંસદનું ઉદઘાટન થયું એમાં રાજદંડ વાળી ચર્ચાઓ ચાલી એમાં કંઇ પણ સાચું-ખોટું વાયરલ થયું તો બીજી તરફ 16 વર્ષની છોકરીની લોકોની અવર-જવર હોય એવી જગ્યાએ ગોઝારી હત્યા થઇ. આ બધા સમાચારોની સમાંતર એક બીજી ઘટના ચાલે છે અને એ છે કુસ્તીમાં ભારતનું નામ રોશન કરનારી મહિલા પહેલવાનો- કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનની. જાતીય સતામણીની ફરિયાદ કરનારી ભારતની શાન ગણાતી આ મહિલા પહેલવાનો સાથે દિલ્હી પોલીસે બેહૂદું વર્તન કર્યું, તેમના આ દેખાવો અંગે જાત-ભાતના પ્રતિભાવો આવ્યા કરે છે. દિલ્હી – આપણા દેશની રાજધાનીમાં મહિલાઓ સલામત નથી અને આ આજકાલની વાત નથી, આ જ દિલ્હીનો મિજાજ છે.

કોઇ પણ ખેલાડી માટે અગત્યનું શું હોય? પોતાના દેશ માટે પદક જીતવા. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું નામ વિજેતા તરીકે બોલાય એટલે આખા દેશમાં જુસ્સો ભરાય. આ જુસ્સા માટે જેમણે લોહી-પાણી એક કર્યા છે એવી કુસ્તીબાજ મહિલા ખેલાડીઓના ચહેરા પર આજે ગર્વ નહીં પણ નકરી પીડા છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંઘે તેમની સાથે કરેલી જાતીય સતામણીની વાત જાહેર કરી તેનો વિરોધ કરી, તેની ધરપકડની માંગ કરી ભારતની આ વિજેતા મહિલા ખેલાડીઓ ન્યાય માંગી રહી છે.

કિસાન આંદોલનના સમર્થકોએ પણ તેમની સાથે જોડાવાની જાહેરાત કરી છે. 1 મહિનાથી આ દેખાવો ચાલી રહ્યા છે. નવા સંસદ ભવનની સામે આ ખેલાડીઓએ મહિલા પંચાયત ભરવાનું નક્કી કર્યું – જે તેમના અહિંસક દેખાવોનો જ હિસ્સો હતો પણ નાગરિક તરીકેના તેમના અધિકાર પર પોલીસની હિંસાનો મુક્કો પડ્યો અને તેઓ આ દેખાવો ન કરી શક્યા. શું એક દેશ તરીકે ભારત આ ક્યારેય પણ સ્વીકારી શકશે કે તેના ગર્વનું કારણ બનનારી આ છોકરીઓના આ હાલ કરવામાં કોઇને પણ બે આંખની શરમ ન નડી? ચેમ્પિયન્સને ઘસડીને લઇ જવાયા એવું સમાચારોમાં વાંચીને કોઇનું પણ રુંવાડું ફરકતું નહીં હોય?

સંગીતા ફોગટ, બબીતા ફોગટ – આ બહેનો પર બનેલી ફિલ્મ ‘દંગલ’ જોઇને ભલભલા લોકોને જાણે પોતાની દીકરીઓની કિંમત સમજાવા માંડી હતી પણ અત્યારે તો રાષ્ટ્રનું નામ રોશન કરી ચૂકેલી આ ખેલાડી દીકરીઓ જે પોતાની આબરૂ સાથે થયેલી સતામણી અંગે સવાલ કરી રહી છે તેમની કિંમત બે કોડીની પણ ન રહી. એક અગત્યના મુદ્દા પર સવાલ ઉઠાવવા જાહેરમાં ખડી થયેલી આ મહિલા ખેલાડીઓની હાલત પણ એવી જ થઇ જેવી કોઇ પણ સાધારણ નાગરિકની થઇ હોત અથવા થતી હોય છે. વિરોધ પ્રદર્શન કરનારાઓની હાલત આજની લોકશાહીમાં કફોડી ને કફોડી જ થતી જાય છે.

ભારત ખેલકૂદમાં – ક્રિકેટ સિવાયની રમતોમાં પાછળ રહ્યો છે-ના વાક્યને બદલનારા, દેશી રમતોમાં કાઠું કાઢનારા આ ખેલાડીઓ માટે સારી સવલતો નથી હોતી, તેમણે સગવડને નામે અનેક જાતના સમાધાનો કરવા પડે છે એવા સમાચાર કંઇ નવા નથી. શારીરિક અને માનસિક બળનો ઉપયોગ કરીને પોતાના ખેલમાં જીતનારા આ કુસ્તીબાજોને વિરોધ-પ્રદર્શને નહીં પણ તેમની સાથે જે વહેવાર થયો છે એ ઘટનાએ માનસિક રીતે કેટલા તોડી નાખ્યાં હશે તેની તો કલ્પના માત્રથી પણ કંપારી છૂટી જાય છે.

મહિલા પહેલવાનોના વિરોધને ટેકો મળ્યો છે, આંતરરાષ્ટ્રીય સ્પૉર્ટિંગ સંસ્થાઓએ આ બાબતની નોંધ લીધી છે જેમાં ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી અને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે પણ આ ઘટનાની નોંધ લીધી. આ બધું ચાલી રહ્યું છે પણ જેની તરફ જાતીય સતામણી કરવા માટે આંગળી ચિંધાઇ રહી છે તેવા બ્રિજભૂષણ સિંહની ધરપકડ પણ નથી થઇ રહી કારણ કે દિલ્હી પોલીસનું કહેવું છે કે તેની ધરપકડ કરવા જેવા કોઇ નક્કર પુરાવા હજી સુધી મળ્યા નથી. કેટલીક મહિલા કુસ્તીબાજોએ પોક્સો હેઠળ તેમની ધરપકડ થવી જોઇએ એમ કહ્યું હતું તો પોલીસે એમ શોધી કાઢ્યું કે જે મહિલા પહેલવાને ફરિયાદ નોંધાવી એ તો સગીરા હતી જ નહીં પણ તેના પિતાનો દાવો છે કે તે યુવતી સગીર છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે દેશના એક રાષ્ટ્રીય અખબારમાં મુખ્ય સમાચાર છે કે બ્રિજભૂષણે જાતીય માંગણી અને સતામણી કરી હોવાના કેસિઝ બે FIRમાં વિગતવાર નોંધવામાં આવ્યા છે. આપણે ત્યાં બિનજરૂરી ચીજોને બહુ ચગાવાય છે, આ જે થઇ રહ્યું છે તે બાબતને જેટલી ગંભીરતાથી લેવાવી જોઇએ એમાં આપણે, સત્તાધીશો, નાગરિકો બધા જ પાછા પડીએ છીએ. નવા સંસદભવનની બહાર મહિલા મહાપંચાયત ભરાત તો કદાત ઐતિહાસિક ગણાત કારણ કે પંચાયતોમાં મહિલાઓનું સ્થાન નામનું જ હોય છે. આ બહુ જ પિતૃસત્તાક ગોઠવણ હોય છે. પરંતુ દિલ્હી પોલીસે આ થવા ન દીધું. નવા સંસદ સાથે જેની સૌથી વધુ ચર્ચા થઇ એ જો સેંગોલ ન્યાયનું પ્રતીક હોય તો આ મહિલા કુસ્તીબાજોને માટે ન્યાય ક્યારે? આવી ઘટનાઓ થાય ત્યારે ‘બેટી પઢાઓ-બેટી બચાઓ’ અને મહિલા સશક્તિકરણના મુદ્દાઓ સાવ પોકળ લાગે.

વિરોધ કરવા ભેગી થયેલી આ મહિલાઓ મોટેભાગે સાધારણ પરિવારોની દીકરીઓ હોય છે, તેમની ઓળખ ઘડાય એ સાથે તે દેશને પણ ઓળખ આપે છે. દેશની દીકરીઓના અવાજ બહેરા કાને ન અફળાય એ માટે એક રાષ્ટ્ર તરીકે આપણે તેમને ન્યાય આપવો જ રહ્યો નહિતર રાજકીય પક્ષો વચ્ચે બંધારણ અને સંસદ અને ધર્મના અનર્થ રાજકારણમાં આપણે આપણા ગર્વના પદક પર ચઢી રહેલો કાટ જોવાનું ચૂકી જઇશું અને પછી વસવસો કરવાથી કંઇ નહીં વળે. ગર્વ કરવો હોય તો એ માટે કંઇ બચવું પણ જરૂરી છે.

બાય ધ વેઃ
આ કુસ્તીબાજો તેમના પદકો અને ચંદ્રકોને ગંગામાં વહેવડાવી દેવાના હતા, પછી તેમણે સરકારને મુદત આપીને કહ્યું કે આ મામલે જલદી જ કંઇ થવું જોઇએ. જગજીત સિંઘના અવાજમાં એક બહુ જાણીતી ગઝલ છે જે રજિંદરનાથ રાબહરે લખી છે, તેરે ખુશ્બૂ મેં બસે ખત મેં જલાતા કૈસે… આ ગઝલમાં વાત તો પ્રેમની જ છે પણ પ્રેયસીના પત્રો ગંગામાં વહેવડાવવાની વાત છે જેના કારણે ગંગાના પાણીમાં આગ લાગશે એવી કલ્પના કવિએ કરી છે. ભારતનું નામ રોશન કરનારી મહિલા કુસ્તીબાજોના સુવર્ણચંદ્રકો જો ગંગામાં વહ્યા હોત તો તેમાં દાવાનળ ફાટત કદાચ. વિકાસ અને સમૃદ્ધિની વાતોમાં રાચતા આપણે જે વાસ્તવિક મુદ્દાઓ છે તે અંગે કશું પણ નક્કર કરવામાંથી ચૂકી જઇએ છીએ અને જો આવું જ રહેશે તો આપણા માથા એક વાર નહીં અનેક વાર શરમના માર્યા ઝૂકી જશે અને ઝૂકવા જોઇએ.

Most Popular

To Top