National

હેમંત સોરેનની ધરપકડ પર મમતા બેનર્જીએ કહ્યું- ભાજપ ચૂંટણી જીતવા માટે બધાને જેલમાં પુરી રહી છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta Benerjee) પોતાના સમકક્ષ એવા ઝારખંડના હેમંત સોરેનની (Hemant Soren) જમીન કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના એક દિવસ પછી ગુરુવારે આરોપ (Allegation) લગાવ્યો કે ભાજપ આગામી લોકસભા ચૂંટણી જીતવા માટે વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી રહી છે. બેનર્જીએ નાદિયા જિલ્લાના શાંતિપુરમાં એક જાહેર વિતરણ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે તો પણ તે તેમાંથી બહાર આવશે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે દરેકને જેલમાં પુરી રહી છે.

અમે ગઠબંધન ઇચ્છતા હતા પરંતુ કોંગ્રેસ તૈયાર નહોતી
મમતાએ જણાવ્યું કે તેમની પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા આતુર છે પરંતુ તેણે તેમની દરખાસ્તને ફગાવી દીધી. મમતાએ કહ્યું કે અમે ગઠબંધન ઈચ્છતા હતા પરંતુ કોંગ્રેસ તેના માટે તૈયાર ન હતી. ચૂંટણીમાં ભાજપને મદદ કરવા માટે તેમણે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે.

જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં EDએ 7 કલાકથી વધુની પૂછપરછ બાદ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા હેમંત સોરેન રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. સોરેન પોતાના ધારાસભ્યો સાથે રાજભવન ગયા હતા.

Most Popular

To Top