Dakshin Gujarat

ઝઘડિયાની UPL કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ: ભૂકંપ જેવું કંપન: 3ના મોત: 4 લાપતા- 20 ઘાયલ

ઝઘડિયા: (Jhgadia) ઝઘડિયા જીઆઇડીસીના (GIDC) ગત રોજ રાત્રીના ૧:૩૦ વાગ્યાના અરસામાં યુપીએલ કંપનીના સીએમ પ્લાન્ટમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે વિસ્ફોટમાં ત્રણ માળના લોખંડના સ્ટ્રક્ચરના પ્લાન્ટમાં ભોયતળીયે વિસ્ફોટ (Blast) થતાં આખો પ્લાન્ટ કકડભૂસ થયો હતો. વિસ્ફોટ સમયે કામ કરતાં કંપનીમાં કંપનીના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી જિલ્લામાં ઠેર ઠેર શહેરોમાં તથા ગામડાઓમાં ધ્રુજારા કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ભૂકંપ આવ્યો હોય તેવું વાયુ વેગે પ્રસરી રહ્યું હતું, પરંતુ આ ધ્રુજારો ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં થયેલા વિસ્ફોટનો હતો.

  • આખો પ્લાન્ટ કકડભૂસ: કંપનીના સ્ટ્રક્ચરના એક ઈંચ જાડા અને પાંચ કિલો જેટલું વજન ધરાવતા પ્લેટના ટુકડા એક કિ.મી સુધી હવામાં ફંગોળાયા
  • પરિવારજનોના પુત્રો કંપનીની નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા તેમના પરિવારજનો વહેલી સવારે જ કંપની ખાતે ધસી આવ્યા
  • વિસ્ફોટ સમયે પ્લાન્ટમાં કંપનીના તથા કોન્ટ્રાક્ટના ૩૨ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા જેમાંથી 5 લાપતા
  • 20 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા

જે પરિવારજનોના પુત્રો કંપનીની નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા તેમના પરિવારજનો વહેલી સવારે જ કંપની ખાતે ધસી આવ્યા હતા પરંતુ કંપની સંચાલકો દ્વારા તેમને કોઈ આશ્વાસન કે કર્મચારીઓ બાબતે માહિતી આપવામાં આવી ન હતી. જેનો આક્રોશ કંપની સંકુલ ખાતે જોવા મળ્યો હતો. યુપીએલ કંપનીમાં વિસ્ફોટની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દુર્ઘટના વાળા પ્લાન્ટની મુલાકાત લઇ કંપની સંચાલકો પાસે માહિતી મેળવી હતી.

ધારાસભ્યને કંપની સંચાલકોએ આપેલી માહિતી મુજબ દુર્ઘટના સમયે સીએમ પ્લાન્ટમાં ૩૨ જેટલા કોન્ટ્રાક્ટના તથા કંપનીના કર્મચારીઓ ફરજ પર હતા, તે પૈકી પાંચ કર્મચારીઓ લાપતા હોવાનું કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું અને બાકીના બીજા કર્મચારીઓને ભરૂચ-અંકલેશ્વર તથા વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. વિસ્ફોટના પગલે કંપનીનો આખો લોખંડના પ્લાન્ટ ધરાશાયી થતા તેમાં કેટલાંક કર્મચારીઓ દબાયા હતા જે પૈકી કંપનીના એમ્પ્લોય (૧) વનરાજસિંહ ડોડીયા (રહેવાસી શુકલતીર્થ તાલુકો ભરૂચ) (૨) નેહલ મહેતા (રહેવાસી અવિધા તાલુકો, ઝઘડિયા)ના મૃતદેહો કાટમાળ નીચેથી મળી આવ્યા હતા.

સ્થાનિક લોકોનો રોષ આસમાને: કંપની ખાતે પોલીસ કાફલો ખડકી દેવાયો
પ્રચંડ વિસ્ફોટના કારણે સ્થાનિકોનો આક્રોશ આસમાને હતો જેથી ઝઘડિયા પોલીસ દ્વારા મોટો પોલીસ કાફલો યુપીએલ કંપની ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. કંપનીના કર્મચારીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો, કે આ પ્લાન્ટમાં અનેક વખત ગેસ ગળતરની સમસ્યા ઉદભવે છે અને સુરક્ષાના કોઈપણ સાધનો પુરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા નથી. હજી સુધી કંપની સંચાલકો દ્વારા વિસ્ફોટ થવાનું કારણ તથા ચોક્કસ ઇજાગ્રસ્ત અને મૃત્યુઆંક જણાવાયો નથી.

મૃત્યુ પામેલા કમનસીબો

(૧) વનરાજસિહ ડોડીયા, (૨) નેહલ મહેતા (3) કેતનકુમાર ગેવરીયા

ખોવાયેલા વ્યક્તિ

(1) કુવરલાલ કોમલ કાસડેકર, (2) મણિરામ સંતુલાલ ધિકરે, (3) કમલ લક્ષ્મણ પાનસે, (4) કુણાલ પટેલ

ઇજાગ્રસ્તોની યાદી

(૧) મંગેશ રાઠોડ (૨) નાગહ, (૩) રોશન કુમાર (૪) બાલવીર પાટીદાર, (૫) કૈલાશ પાટીલ (૬) દિપક ઠાકોર, (૭) રજનીશ (૮) અશોક શિવાકી, (૯) સ્મિત પાટીલ (૧૦) માંગીલાલ યાદવ, (૧૧) હિતેશ (૧૨) હાર્દિક પટેલ, (૧૩) ગીતાંશ પટેલ (૧૪) સુરેન્દ્ર પ્રતાપ, (૧૫) તેજસ બોરસે (૧૬) કુણાલ, (૧૭) પ્રદીપસિંહ (૧૮) હિતેશ પટેલ, (૧૯) નિલેશ બ્રિડ (૨૦) ભરત

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top