Madhya Gujarat

વડતાલમાં જલઝીલણી સમૈયાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ

આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ખાતે એક દિવસીય જલઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સવારે નીજમંદિરમાં શ્રીહરિ તથા મોંઘેરા મહેમાન બનેલા વિઘ્નહર્તા ગજાનની આરતી ઉતાર્યા બાદ વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં પધરાવ્યાં હતાં. આ પ્રસંગે વડતાલ તેમજ આસપાસના 45 ગામના હરિભક્તોની ભજન મંડળીઓએ ભજનની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય કરી દીધું હતું. મંદિરમાંથી બેન્ડવાજા, ડીજે, ઢોલ નગારા ત્રાંસા તથા ભજન મંડળીઓની રમઝટ વચ્ચે શ્રીહરિ તથા દુંદાળા દેવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વડતાલ ગોમતી કિનારે પહોંચી ત્યારે સમગ્ર વડતાલધામ અક્ષરધામ તુલ્ય ભાસતું હતું.

વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશીનું મોટું માહાત્મય છે. સંપ્રદાયના નાના – મોટા મંદિરોમાં આ જલ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. વડતાલમાં આશરે 192 વર્ષથી જલઝીલણી ઉત્સવ ઉજવાતો આવ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીના પગલે આ ઉત્સવ મંદિર પુરતો સમિતિ રાખવામાં આવ્યો હતો. વડતાલ મંદિરેથી બેન્ડવાજા, ડીજે અને ભજન મંડળીઓની સુરાવલી સાથે હજારો હરિભક્તો આ શોભાયાત્રામાં જોડાય છે. આ શોભાયાત્રામાં 45 જેટલા ગામોના હજારો ભાવિકો ઉમંગભેર ઉમટી પડે છે. ગોમતીજીના કિનારે પ્રથમ ઠાકોરજીની તથા ગણપતિને તૈયાર કરવામાં આવેલા સ્ટેજ પર સ્થાપિત કરી સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.

તેમની સાથે આ ઉત્સવના યજમાન પ્રદીપભાઈ રતિલાલ પટેલ (નૈરોબી)ના પરિવારના સભ્યો પણ જોડાયાં હતાં. બાદમાં ઠાકોરજી તથા વિઘ્નહર્તા ગજાનને શણગારેલ હોડીમાં બેસાડી નૌકાવિહાર કરાવવામાં આવ્યું હતું અને સંતો, પાર્ષદો, આગેવાન હરિભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. નૌકા વિહાર વેળા ભાવિકોને 15 મણ કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જ્યારે પાણીમાં તરતાં આવડતા સંતો તથા હરિભક્તો દ્વારા ગોમતી સરોવરમાં ડૂબકી લગાવી સ્નાન કરે છે. આ દૃશ્યો કિનારે ઉભેલા હરિભક્તોમાં આનંદ ઉપજાવે છે. સમગ્ર ઉત્સવનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top