National

ભડકાઉ ભાષણ આપવા મામલે આઝમ ખાનને ત્રણ વર્ષની કેદ

.

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાનને ભડકાઉ ભાષણ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. ગુરુવારે રામપુર કોર્ટે આઝમને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આઝમ ખાનને આઈપીસીના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 153-A, 505-A અને 125 હેઠળ દોષિત ઠેરવ્યા છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ મામલે તેઓને ત્રણ વર્ષની કેદની સજા આપવામાં આવી છે.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા આઝમ અખિલેશ સરકારમાં મંત્રી હતા જ્યારે તેમની સામે માત્ર એક જ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ આઝમ 80થી વધુ કેસમાં આરોપી છે. મળતી માહિતી મુજબ આઝમ અને તેના પરિવાર સામે ઉશ્કેરણીજનક ભાષણો આપવાના, લૂંટથી લઈને ચોપડી ચોરવા સુધીના 165 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, આઝમ ખાને મિલક કોતવાલી વિસ્તારના ખતનાગરિયા ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ જાહેર સભા દરમિયાન તેમના પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપ હતો કે તેમના નિવેદનથી બે વર્ગો વચ્ચે નફરત ફેલાઈ શકે છે. જેનો વીડિયો વાયરલ થયો હતો.

ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ વીડિયો ઓબ્ઝર્વેશન ટીમના ઈન્ચાર્જ અનિલ કુમાર ચૌહાણે મિલક કોતવાલી ખાતે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આઝમ વિરુદ્ધ IPCની કલમ 153-A, 505-A અને 125 રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસની સુનાવણી કર્યા પછી, MP-MLA (મેજિસ્ટ્રેટ ટ્રાયલ) નિશાંત માનની કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતાં.

Most Popular

To Top