National

જય જગન્નાથ : આ વર્ષે પણ ભક્તોને રથયાત્રામાં ભાગ લેવા પર પ્રતિબંધ

ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ ભક્તોને રથયાત્રામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રથયાત્રા કોરોના પ્રોટોકોલોનાં કડક પાલન સાથે માત્ર પુરીમાં યોજાશે. સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) પી કે જેનાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જારી કરવામાં આવેલી સુપ્રીમ કૉર્ટ (Supreme court)ની તમામ માર્ગદર્શિકાનું આ પ્રસંગે પાલન કરવું પડશે.

તેમણે જણાવ્યું કે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા પુરીમાં ભક્તો વિના યોજાશે. વહીવટીતંત્રે રાજ્યના અન્ય ભાગોમાં પણ આ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. એસઆરસીએ જણાવ્યું હતું કે, માત્ર પસંદ કરેલા કોરોના નેગેટિવ અને રસી લીધેલા સેવકોને ‘સ્નાન પૂર્ણિમા’ સ્નાન કરવાની વિધિ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવિત્ર નગર પર કરફ્યુ લગાવવામાં આવશે. તેમજ ગયા વર્ષ લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો અમલમાં રહેશે. શ્રદ્ધાળુઓ ટેલિવિઝન અને વેબકાસ્ટ્સ પરથી કાર્યક્રમને લાઈવ નિહાળી શકશે તે નોંધીને અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, નવ દિવસીય આ ઉત્સવ તેના સમયપત્રક પ્રમાણે શરૂ થશે અને લગભગ 500 જેટલા સેવકોને રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદમાં રથયાત્રા અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે- વિજય રુપાણી

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, એ સારી વાત છે. આગામી અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે આ વખતે રથયાત્રા કાઢવામાં આવશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી, પરંતુ યોગ્ય સમયે નિર્ણય લેવાશે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી 12મી જુલાઈના રોજ રથયાત્રાનો પર્વ હોવાથી રથયાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવશે કે કેમ? તેને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગત વર્ષે કોરાની સ્થિતિને જોતાં સાર્વજનિક રીતે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. પરંતુ મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઇ હતી. પરંપરાગત રીતે ધાર્મિક વિધિ મુજબ સવારમાં મંદિરના મહંત અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ ગણતરીના લોકોની હાજરીમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઇ હતી. આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના સંદર્ભમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાને લઈને તૈયારીઓ તેમજ આગામી દિવસોની સ્થિતિને જોતા રથયાત્રા કેવી રીતે યોજવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Most Popular

To Top