Charchapatra

નેટવર્કની સમસ્યાનો છે ઉપાય?

મોબાઈલ કંપનીઓ ભલે  ગમે તેટલા દાવા કરે, પરંતુ નેટવર્કની બાબતમાં વાસ્તવિકતા કંઈ જુદી જ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં ડીજીટલ ઈન્ડિયાના આગ્રહી રહ્યા છે અને પોતાના ભાષણમાં ડીજીટલ ઈન્ડિયાની વાત કરે છે. છતાં દેશના અંતરિયાળ એરિયામાં નેટવર્ક ખોટકાય છે એ હકીકત છે. વિશ્વનું સૌથી સારામાં સારું નેટવર્ક કોરિયાનું રહ્યું છે. ભારતમાં હજુ પણ ઈન્ટરનેટની સ્પીડ ઓછી રહી છે. નબળા નેટવર્કને કારણે મોબાઈલ પર અગત્યનાં કામો થઈ શકતાં નથી તેમ જ ઘણો  સમય વેડફાઈ જાય છે.

ગામડાંઓમાં તેમ જ ઘરમાં તો નેટવર્ક પકડાતું જ નથી. દેશમાં નેટવર્કના ઝડપી સુધારા માટે દેશના ટેલિકોમ મંત્રીએ તેમ જ ટેલિકોમ ખાતાએ ઝડપી ખાસ પગલાં ભરવાં જોઈએ. કારણ કે નબળા નેટવર્કને કારણે અવારનવાર સરકારી ઓફીસ તેમ જ બેંકોનાં કામકાજ કેટલીક વાર ઠપ થઈ જાય છે. એક અખબારી અહેવાલ મુજબ ઈન્ટરનેટની સ્પીડ બાબતમાં આપણો ભારત દેશ નેપાળ, પાકિસ્તાન જેવા દેશોથી પણ પાછળ છે. માટે દેશમાં અને ખાસ કરીને ગામડાંઓમાં નેટવર્કમાં સુધારો થાય અને ઘરમાં બેઠા બેઠા પણ વાતચીત તેમ જ અન્ય કામ થઈ શકે તે રીતે ઈન્ટરનેટ સુધારવું  જોઈએ, જે સૌના ફાયદામાં રહેશે.
નવસારી           – એચ.એસ.દેસાઈ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top