Sports

IPL-2022 નો આજથી પ્રારંભ: બે વર્ષ બાદ ભારતીય પ્રેક્ષકો સ્ટેડિયમમાં લાઈવ મેચનો આનંદ ઉઠાવી શકશે

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 15મી સિઝન 26 માર્ચ એટલે કે શનિવારથી શરૂ થવા જઇ રહી છે. આ વખતે આઈપીએલમાં બે નવી ટીમ (New Teams) લખનૌ અને ગુજરાતની એન્ટ્રી થઈ છે. પ્રથમ મેચ મુંબઈના (Mumbai) વાનખેડે સ્ટેડિયમમાં છે. તમામ મેચ મહારાષ્ટ્રમાં (Maharashtra) જ રમાશે. ભારતમાં ઉજવવામાં આવતો આ ક્રિકેટનો (Cricket) સૌથી મોટો તહેવાર છે. આઈપીએલ દરમિયાન કોવિડના તમામ નિયમોનું પણ પાલન કરવામાં આવશે અને કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. આ વર્ષ આઈપીએલ માટે એટલે પણ ખાસ છે કારણ કે લોકો સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ શકશે. કોવિડના જોખમથી સુરક્ષિત રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે 25 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી છે. આ સાથે જ ખેલાડીઓને બાયો બબલમાં પણ રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેમને કોવિડના ખતરાથી દૂર રાખી શકાય.

  • 25મી માર્ચ શનિવારથી IPL-2022નો પ્રારંભ, આ વર્ષે બે નવી ટીમો પણ રમશે
  • અમદાવાદ ટાઈટન્સ અને લખનૌની ટીમ ઉમેરાતા 10 ટીમો વચ્ચે આઈપીએલની ટ્રોફી માટે મુકાબલો
  • બે મહિના સુધી ચાલશે ક્રિકેટ કાર્નિવલ, કુલ 74 મેચો રમાશે

ગયા વર્ષે IPL 2021ની ફાઇનલ મેચ CSK અને KKR વચ્ચે રમાઈ હતી. આ વર્ષે પ્રથમ મેચ પણ આ જ બે ટીમો વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. ચેન્નાઈની ટીમ ટાઈટલ જાળવી રાખવા માટે નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાની આગેવાનમાં મેદાનમાં ઉતરશે. કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજા સામે 14-14 મેચ રમશે. ગ્રુપ સ્ટેજમાં કુલ 70 મેચ રમાશે. ત્યાર બાદ ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચો રમાશે. ગ્રુપ સ્ટેજની મેચો પુણેના એમસીએ સ્ટેડિયમ. મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાડવામાં આવનાર છે. 65 દિવસમાં તમામ 10 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ 5 વખત ટાઈટલ જીતનારી મુંબઈની ટીમ ગ્રુપ-Aમાં છે જ્યારે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમને ગ્રુપ-Bમાં રાખવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં પણ આ બંને ટીમો વચ્ચે 2 મેચ રમાશે. IPLની ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે.

IPL 2022નું ટાઇમ ટેબલ

ગ્રુપ A: મુંબઈ ઈન્ડિયન્સ (MI), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG).
ગ્રુપ B: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT)

ખાસ વાત તો એ છે કે આ વખતે ફેન્સ પણ સ્ટેડિયમમાં જઈને IPLનો રોમાંચ માણી શકશે. હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર્શક ક્ષમતાના માત્ર 25 ટકા ચાહકોને જ મંજૂરી છે. મળતી માહિતી મુજબ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ દર્શકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. કોરોનાના કેસમાં ઘટાડાને કારણે એવી અપેક્ષા છે કે વધુ સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં આવી શકશે. વાનખેડેમાં વર્તમાન નિયમો અનુસાર લગભગ 10 હજાર પ્રશંસકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવી શકશે. ગયા વર્ષે IPL 2021ની વિજેતા ટીમ CSK હતી. જો કે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલના સૌથી વધુ ટાઇટલ એટલે કે 5 વાર જીત્યા છે.

Most Popular

To Top