Sports

IPL 2023: પંજાબ કિંગ્સે KKRને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 7 રનથી હરાવ્યું

IPL 2023ની પોતાની પ્રથમ મેચમાં (Match) પંજાબ કિંગ્સે કેકેઆર (KKR)ને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 7 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 191 રન બનાવ્યા હતા. ત્યાર બાદ જ્યારે KKRની ટીમે 16 ઓવર બાદ 146 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારપછી મેચ વરસાદના (Rain) કારણે રોકાઈ ગઈ હતી જેના કારણે ડકવર્થ-લુઈસ નિયમ લાગુ પડ્યો હતો. પંજાબ કિંગ્સ માટે ઘણા સ્ટાર ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.

પંજાબ કિંગ્સ માટે ઓપનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રભસિમરન સિંહે 23 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન શિખર ધવને 40 રનની ઇનિંગ રમી હતી. ભાનુકા રાજપક્ષે કેટલાક મોટા સ્ટ્રોક ફટકાર્યા અને તોફાની અડધી સદી ફટકારી. તેણે 50 રનનું યોગદાન આપ્યું જેમાં પાંચ ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. રાજપક્ષેએ કેપ્ટન ધવન સાથે બીજી વિકેટ માટે 86 રન જોડ્યા હતા. પંજાબ કિંગ્સની ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી પરંતુ તે 200 રન સુધી પહોંચી શકી નહોતી. યુવા જીતેશ શર્માએ 21 રન બનાવ્યા હતા. અંતમાં સિકંદર રઝાએ 16 રન અને સેમ કરને 2 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનોના કારણે જ પંજાબ કિંગ્સ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.

આ સાથે જ KKR તરફથી ટિમ સાઉદીએ 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી, ઉમેશ યાદવ અને સુનીલ નારાયણને 1-1 વિકેટ મળી હતી. KKR તરફથી કોઈ પણ સ્ટાર બેટ્સમેન અજાયબી કરી શક્યા નહીં અને ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર મનદીપ સિંહ માત્ર 1 રન બનાવીને અર્શદીપ સિંહ દ્વારા આઉટ થયો હતો. આ પછી અંકુલ રોય પણ શાનદાર પ્રદર્શન કરી શક્યો નહીં અને માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ વેંકટેશ અય્યર અને સુકાની નીતિશ રાણાએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રાણાએ 24 રન બનાવ્યા હતા. આ સાથે જ અય્યરે 34 રનનું યોગદાન આપ્યું હતું. અંતે આન્દ્રે રસેલે જીતની આશા જગાવી હતી પરંતુ તે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો ન હતો. રસેલે 35 રન જ બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સેમ કરન, નાથન એલિસ, સિકંદર રઝા અને રાહુલ ચાહરને 1-1 વિકેટ મળી હતી. પંજાબ કિંગ્સના બોલરોએ પણ ખૂબ જ સારી બોલિંગ કરી હતી જેના કારણે કેકેઆરના બેટ્સમેન મોટા સ્ટ્રોક મારી શક્યા ન હતા. ઋષિ ધવને પંજાબ કિંગ્સ માટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ભાનુકા રાજપક્ષેની જગ્યા લીધી હતી. જ્યારે કેકેઆરમાંથી વરુણ ચક્રવર્તીની જગ્યાએ વેંકટેશ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top