Madhya Gujarat

ફાગવેલના વિકાસમાં યાત્રાધામ બોર્ડ દ્વારા અન્યાય

કઠલાલ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગયા શનિવારના રોજ મળેલી બેઠક બાદ ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડ મંજૂર કર્યા હતા. જો કે, ખેડા જિલ્લાના ફાગવેલ ખાતેના ભાથીજી મહારાજના મંદિરનો સમાવેશ ન કરાતા ક્ષત્રિય સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખેડા જિલ્લામાં વિવિધ હિન્દુ ધર્મના ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં ગળતેશ્વર ઉંટકંઠેશ્વર સહિત ફાગવેલ ખાતેના ભાથીજી મંદિરનો ધાર્મિક સ્થળોના વિકાસમાં સમાવેશ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ અને શ્રદ્ધાંળુંઓમાં ભારે રોષ ફેલાયો છે.

મુખ્યમંત્રીની ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડની જાહેરાત બાદ સોશિયલ મીડિયા સહીત લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ગૌરક્ષાની પ્રેરણા આપતાં ફાગવેલ ધામની અવગણના કરવામાં આવી હોવાનો શૂર ઉઠ્યો છે. જ્યારે ઇતિહાસ પ્રમાણે ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે અને મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય પણ છે.

લોક કથા મુજબ ભાથીજી ક્ષત્રિય કુળના રાઠોડ વંશમાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે ભાથીજીના લગ્ન કંકુબા સાથે થઈ રહ્યાં હતાં અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના રાજાએ ગામના ગૌમાતા (ગાય) પર કબજો કર્યો હતો. ભાથીજીએ પોતાના લગ્નના ચાલુ ફેરા છોડી પોતાની તલવાર લઈ ઘોડે ચઢ્યા હતા. તેમણે લડાઈ કરી રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી હતી. પરંતુ લડાઈ દરમિયાન તેમનું માથું તેમના ધડથી કપાયું અને તેઓનું ધડ લડ્યું હતું.

અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરાવવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઈતિહાસને લઈ કઠલાલના ફાગવેલ ખાતેના વીર ભાથીજી મહારાજના મંદિરે શ્રદ્ધાંળુંઓ પોતાની આસ્થાઓ સાથે રોજે રોજ આવતા હોય છે. ફાગવેલને પણ વિકાસ બોર્ડ દ્વારા આવરી લઈ ગ્રાન્ટ ફાળવવમાં આવે તેવી માંગ ઉઠી છે. હાલના તબક્કે સમાવેશ ન થતા સમગ્ર મામલે ભાથીજીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

ફાગવેલને પ્રાધાન્ય આપવું જોઈએ
પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, હું ધારાસભ્ય હતો ત્યારે અનેક વખત સરકારમાં ફાગવેલ મંદિરના વિકાસ માટે રજુઆતો કરી છે. ફાગવેલને પ્રાધાન્ય આપવુ જોઈએ. ક્ષત્રિયોનું લાગણીશીલ મંદિર ગણવામાં આવે છે. ફાગવેલનો ઘણા સમયથી વિકાસ નથી થતો. સરકારે ખરેખર આવું ન કરવું જોઈએ, ફાગવેલને મહત્વ આપી વિકાસ માટે પૈસા ફાળવવા જોઈએ.

સરપંચ પાસે કામોની વિગતો માંગી છે
શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભારતસિંહ પરમારએ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા ફાગવેલનો સમાવેશ કરવામાં આવશે. સરપંચ પાસે વિકાસના કામોની વિગતો માંગી છે. ફાગવેલ ગ્રામ પંચાયતે ગ્રાન્ટની માંગણી કરી છે. તેમજ વધુ વિગત માટે સરપંચનો સંપર્ક સાધવા જણાવ્યુ હતું.

અગાઉ ગ્રાન્ટ પાસ થઈ હતી, પરંતુ ટ્રસ્ટ પૈસા ભરી શક્યુ નહોતુ
ફાગવેલ ગ્રામ પંચાયતના સરપંચના પતિ બુધાજી રાઠોડે જણાવ્યું હતું કે, અગાઉ વિકાસ બોર્ડમાંથી 1.20 કરોડ જેટલી ગ્રાન્ટ પાસ થઈ હોવાનો પત્ર આવ્યો હતો. જેમાં ટ્રસ્ટ 20% પૈસા ભરે તો ગ્રાન્ટ મળે તેમ હતી. પરંતુ ટ્રસ્ટ દ્વારા પૈસા ન ભરવામાં આવતા ગ્રાન્ટ મળી ન હતી. ઉપરથી દોઢ માસ અગાઉ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત પાસે વિકાસના કામોનું લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top