Editorial

વિશ્વમાં ઘટી રહેલી મોંઘવારીને કારણે ભારતના શેરબજારોમાં ઉછાળો

જેણે છેલ્લા કેટલાક સમયથી આખા વિશ્વને ધમરોળ્યું હતું તેવી મોંઘવારી ઘટવાના આસાર મળી રહ્યા છે. અમેરિકામાં સપ્ટેમ્બરમાં જે મોંઘવારીનો દર 8.2 ટકા હતા તો ઘટીને હાલમાં 7.7 ટકા થઈ જવા પામ્યો છે. ગુરૂવારે આ કારણે જ અમેરિકાના માર્કેટોમાં ભારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 3 ટકા વધ્યો હતો. જ્યારે નાસ્ડેકમાં 6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકાની સરકાર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તેમાં મોંઘવારીનો દરમાં ઘટાડો દેખાયો હોવાથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે વ્યાજનો દર વધી રહ્યો હતો તેમાં હવે બ્રેક લાગશે.

જો મોંઘવારીનો દર હજુ ઘટશે તો આગામી દિવસોમાં વ્યાજના દરોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. અમેરિકામાં મોંઘવારીમાં થયેલા ઘટાડાની અસર સીધી ભારતમાં જોવા મળી રહી છે. અમેરિકામાં અગાઉ વ્યાજદર વધ્યો હતો તો ભારતમાં પણ વ્યાજદર વધારવામાં આવ્યો હતો. આ કારણે હવે અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો થશે તો ભારતમાં પણ વ્યાજનો દર ઘટી શકે છે. અમેરિકામાં ઘટેલી મોંઘવારીની અસર શુક્રવારે ભારતના શેરબજારોમાં જોવા મળી હતી. શુક્રવારે ભારતના શેરબજારો ઉછળ્યા હતા.

વિશ્વમાં આ મોંઘવારીની સ્થિતિ કોરોનાને કારણે ઉદ્દભવી હતી. કોરોનામાં વિશ્વભરમાં લોકડાઉનને કારણે ઉત્પાદનોને મોટો ફટકો પડ્યો હતો. કોરોના બાદ યુક્રેન અને રશિયાના યુદ્ધએ વિષમ પરિસ્થિતિ ઊભી કરી હતી. છેલ્લા આઠેક માસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની અસર ક્રુડના સપ્લાય પર પડતાં આખા વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જોકે, હવે યુદ્ધ ધીમું પડી જવાની સાથે તેની અસરો પણ ધીમેધીમે ઓછી થઈ જતાં હવે વિશ્વ ફરી તેજી તરફ પ્રયાણ કરી રહ્યું છે. વિશ્વમાં જે મોંઘવારી ઘટી રહી છે તેણે ભારત માટે પણ આશાનું કિરણ દેખાડ્યું છે.

ભારતમાં મોંઘવારીએ ભારે માઝા મુકી હતી. ત્યાં સુધી કે વ્યાજના દરોમાં બેથી ત્રણ ટકાનો સીધો વધારો જોવા મળ્યો હતો. નાના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ હતી અને અનેક જગ્યાએ નોકરીઓમાં કાપ મુકાવા માંડ્યો હતો. ભારતમાં નાણાકીય તરલતા ઘટી જવા પામી હતી અને તેની સીધી અસર વેપાર-ધંધા પર દેખાવા માંડી હતી. આમ તો ભારતમાં છેલ્લા આઠેક વર્ષથી ધંધા-રોજગારની સ્થિતિ બગડી છે. જે મોટા વેપારીઓ છે તે વધુને વધુ કમાઈ રહ્યા છે પરંતુ નાના વેપારીઓની હાલત ધીરેધીરે બગડી રહી છે. અનેક દુકાનો તેમજ ધંધાકીય સંસ્થાઓ બંધ થવા માંડી હતી. મંદીમાં મોંઘવારી વધતાં ડબલ માર પડવા માંડ્યો હતો.

ડોલરની સામે રૂપિયો વધુને વધુ તૂટતા વિદેશી હુંડિયામણ પર પણ તેની મોટી અસર દેખાતી હતી. જોકે, હવે કોરોના તેના અંતિમ સ્ટેજ પર હોવાની સાથે અમેરિકા સહિતના યુરોપના દેશોમાં ધીરેધીરે તેજી દેખાવા માંડતા મોંઘવારી ઘટી રહી છે અને તેને કારણે ભારતમાં પણ મોટો ફાયદો થશે. ભારતમાં જે રીતે શુક્રવારે શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે તે ભારતમાં સુધરી રહેલી સ્થિતિ તરફ નિર્દેશ કરી રહી છે. ભારતમાં વ્યાજના દરો વધતાં લોનધારકોનો હપ્તો વધી જવાની સાથે સમયગાળો પણ વધી જવા પામ્યો હતો. અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, હવે સ્થિતિ સુધરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં મોંઘવારી વધુને વધુ ઘટશે અને તેને કારણે ભારત સહિત વિશ્વમાં ફરી પ્રગતિ જોવા મળશે.

Most Popular

To Top