Business

રોહિત શર્માની આ 2 મોટી ભૂલના લીધે ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નહીં

અમદાવાદ: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023નો (ICCODIWORLDCUP2023) અંત ભારતીય પ્રશંસકો માટે ખૂબ જ દુઃખદ રહ્યો છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (NarendraModiStadium) ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને (IndianCricketTeam) ઓસ્ટ્રેલિયા (Australia) સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 240 રન બનાવ્યા હતા. ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા આકાશ ચોપરા સહિત કેટલાક ક્રિકેટ એક્સપર્ટને લાગ્યું હતું કે ભારતીય બોલરો સરળતાથી ઓસ્ટ્રેલિયાને 241 રનના ટાર્ગેટ હાંસલ કરવા નહીં દેશે.

જ્યારે કાંગારૂ ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી અને જસપ્રીત બુમરાહ સાથે મોહમ્મદ શમીએ ભારતીય બોલિંગની કમાન સંભાળી ત્યારે આ જ વાત સાચી સાબિત થતી જોવા મળી હતી. શમીએ ડેવિડ વોર્નરને શિકાર બનાવ્યો હતો. ત્યાર બાદ બુમરાહે મિચેલ માર્શ અને સ્ટીવ સ્મિથને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને 47 રન પર ત્રીજો ઝટકો આપ્યો હતો.

આ તબક્કે એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ જીતી શકશે. પરંતુ આ પછી જ કેપ્ટન રોહિત શર્માએ એક ભૂલ કરી જેણે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનનું તમામ દબાણ દૂર કર્યું.

ખરેખર રોહિતે શમી અને બુમરાહ પાસે સતત 10 ઓવર સુધી બોલિંગ કરાવી હતી. ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ બંને તરફથી સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બોલિંગ આપી હતી. સ્પિનરોને હેડ અને લેબુશેન સારી રીતે રમ્યા અને 16 ઓવરમાં સ્કોર 3 વિકેટે 87 રન સુધી પહોંચાડ્યો હતો. મતલબ કે આ સમય દરમિયાન આ બંને કાંગારુ ખેલાડીઓએ પોતાના પરથી દબાણ સંપૂર્ણપણે દૂર કરી દીધું હતું.

બંને સ્પિનરો નિષ્ફળ રહ્યાં
બંને ભારતીય સ્પિનર્સને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો આસાનીથી રમ્યા. આ એ જ સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ પોતાના પરનું દબાણ દૂર કર્યું. સ્પિનર્સને સફળતા ન મળતા કેપ્ટન રોહિતે 17મી ઓવરથી મોહમ્મદ સિરાજને એટેકમાં લાવ્યો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. દબાણ દૂર થવાને કારણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ સિરાજની પ્રથમ 3 ઓવરમાં કોઈ વિકેટ આપ્યા વિના 16 રન બનાવી લીધા હતા. અહીં ફરી એકવાર રોહિતે ત્રણ ઓવર પછી સિરાજને હટાવી દીધો અને ફરીથી સ્પિનરોને બંને છેડેથી એટેકમાં લાવ્યો.

પરંતુ જોવાની વાત એ છે કે ત્યાં સુધીમાં કુલદીપે 6 ઓવરમાં 30 રન અને જાડેજાએ 4 ઓવરમાં 16 રન આપ્યા હતા. આ ઉપરાંત તેને કોઈ વિકેટ પણ મળી ન હતી. હવે જોવાની વાત એ છે કે રોહિતે ક્યાં ભૂલ કરી? ખરેખૅ જ્યારે રોહિતે પ્રથમ 10 ઓવર પછી શમી અને બુમરાહને હટાવ્યા ત્યારે સિરાજને એક બાજુથી બોલિંગ કરાવવી જોઈતી હતી.

બીજી બાજુથી જાડેજા કે કુલદીપનો ઉપયોગ થઈ શક્યો હોત. આ સાથે સિરાજ શમી-બુમરાહ દ્વારા બનાવેલા દબાણને આગળ વધારી શકાયું હોત. આવી સ્થિતિમાં વિકેટ લેવાની પૂરી આશા હતી. સિરાજની 4-5 ઓવર પછી શમી અથવા બુમરાહનો ઉપયોગ સ્પિનર ​​સાથે થઈ શક્યો હોત. આ રીતે, એક બાજુથી ઝડપી બોલરો અને બીજી બાજુથી સ્પિનરોને કામે લગાડીને કાંગારૂ બેટ્સમેનો પર દબાણ જાળવી શકાયું હોત.

ભારતીય કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ પીચને સમજી શક્યા નહીં
આ સિવાય ભારતીય ટીમે ઘણી મોટી ભૂલો કરી છે. નબળા ફિલ્ડિંગ, ફાઈનલના દબાણને સહન ન કરી શકવું, ઘરઆંગણાની ભીડ સામે સારું પ્રદર્શન કરવાનું દબાણ, વ્યૂહરચના અને આક્રમક બેટિંગ જેવા ઘણા પાસાઓ છે. પરંતુ હવે કેપ્ટન રોહિતની બે મોટી ભૂલો વિશે વાત કરી રહ્યો છે. આપણે એક ભૂલ ઉપર સમજી. જ્યારે બીજી મોટી ભૂલ પિચનું અંગેનું ખોટું અનુમાન રહ્યું હતું.

ફાઈનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ થોડી ધીમી અને સૂકી રાખવામાં આવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પિચને સમજી અને નિષ્ણાતોની સલાહની વિરુદ્ધ જઈને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ બાદ રોહિતે કહ્યું હતું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હોત. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે રોહિત અને ટીમ મેનેજમેન્ટ પિચને યોગ્ય રીતે સમજી શક્યા નહતા.

બીજી તરફ, કમિન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને જોસ હેઝલવુડની સાથે કટર અને ધીમી બોલિંગ દ્વારા ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. જ્યારે કાંગારુ ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યાં સુધીમાં પિચ સપાટ થઈ ગઈ હતી. આઉટફિલ્ડ પણ ઝડપી બની ગયું હતું. ઝાકળ પણ એક મોટું કારણ હતું જેના કારણે ભારતીયોને બોલિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

Most Popular

To Top