Dakshin Gujarat

નવસારીમાં પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ, તસ્કરોએ એકસાથે ત્રણ સ્થળે ધાપ મારી

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં તસ્કરોએ છેલ્લા થોડા દિવસોથી તરખાટ મચાવી રહ્યા છે. જિલ્લામાં એક પછી એક ચોરી (Theft) કરી તસ્કરોએ પોલીસની (Police) ઉંઘ હરામ કરી નાંખી છે. આજે જિલ્લામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ચોરીના બનાવ નોંધાતા તસ્કરો પોલીસને ખુલ્લે આમ ચેલેન્જ આપી રહ્યા છે.

  • નવસારીના એક ઘરમાંથી 3 મોબાઈલ, રોકડા તેમજ બેંકનો ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ, બીજા ઘરમાંથી સોનાના દાગીના મળી 4.21 લાખની મત્તા ચોરાઈ
  • વિજલપોરના બંધ ઘરમાં પણ તસ્કરો હાથ ફેરો કરી ગયા
  • ખુલ્લેઆમ ચેલેન્જ આપી પોલીસની ઊંઘબગાડતા તસ્કરો

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં તસ્કરો બેફામ બની તરખાટ મચાવી રહ્યા છે. હાલમાં વિજલપોર વિસ્તારમાં હાલમાં ચોરીઓ થઇ રહી છે. વિજલપોરમાં રામનગર પાસેની દુકાનમાંથી અને મારૂતીનગરમાં ઘરમાંથી મોબાઈલની ચોરી થઇ હતી. તસ્કરો જિલ્લામાં એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે.

આજે નવસારીમાં 2 અને વિજલપોરમાં 1 જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે. નવસારી એસ.ટી. ડેપોથી પ્રજાપતિ આશ્રમ તરફ જતા રોડ ઉપર ચારપુલ ખાતે આવેલી અંકુર મેડીકલની બાજુમાં આવેલા સાદીકમિયા બચુમિયા શેખના ઘરમાંથી 48 હજાર રૂપિયાના 3 મોબાઈલ, 15 હજાર રૂપિયા રોકડા તેમજ બેંકનો ક્રેડીટ કાર્ડ, એટીએમ કાર્ડ સહિતની અન્ય પુરાવાઓ ચોરી થયા હતા.

જ્યારે નવસારી જયશંકર પાર્ટી પ્લોટ પાસે પુષ્પવિહાર સોસાયટી રાધે રેસીડન્સીમાં રહેતી વિદ્યાબેન સતીષભાઈ પંચાલના ઘરેથી 17,850 રૂપિયાનું 3.200 ગ્રામનું નાનું મંગલસૂત્ર, 1,34,150 રૂપિયાનું 26.060 ગ્રામનું મોટુ મંગલસૂત્ર, 67,700 રૂપિયાની 12.450 ગ્રામનું સોનાની ચેઈન, 25 હજાર રૂપિયાનું 4.910 ગ્રામનું એક જોડી સોનાના ટોપ, 11,550 રૂપિયાની 1.94 ગ્રામની 2 સોનાની વીટી, 600 રૂપિયાની સોનાની બુટ્ટી, 95,250 રૂપિયાનું 17.520 ગ્રામનું સોનાનું કડું અને 69,300 રૂપિયાનું અલગ-અલગ ડીઝાઇનવાળા ડાયમંડ અને સોનાના પેન્ડલ મળી કુલ્લે 4,21,400 રૂપિયાની મત્તા ચોરાઈ હતી. આ સિવાય વિજલપોરના રામજીપાર્ક સોસાયટીમાં બંધ ઘરમાં પણ તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.

રવિવારથી આજ સુધીમાં ચોરીની 5 ઘટના
ગત રવિવારથી લઈ હમણાં સુધીમાં નવસારીમાં 2 ચોરી અને વિજલપોરમાં 3 ચોરીઓ મળી કુલ 5 ચોરી થઇ ચુકી છે. ચોરટાઓના તરખાટથી નવસારી જિલ્લાની પોલીસની ઉંઘ હરામ થઇ છે. ચોરટાઓ એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. જોકે હાલમાં ચોરટાઓએ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડી છે. ત્યારે હવે પોલીસ ચોરટાઓને પકડી ચોરીનો સિલસિલો અટકાવે એ જરૂરી બન્યું છે.

Most Popular

To Top