National

દશેરાના સરઘસમાં જતાં લોકોને ફૂલસ્પીડે દોડતી કારે ટક્કર મારી, લોકો હવામાં ફંગોળાયા

લખમીપુર ખેરીમાં ખેડૂતો પર મંત્રીના દીકરાએ કાર ચઢાવી દેવાની બનેલી હિંચકારી ઘટના જેવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. અહીંના જસપુરમાં શુક્રવારે સાંજે મોટો અકસ્માત થયો છે. એક ફૂલસ્પીડે દોડતી કારના ચાલકે દુર્ગા માતાની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલાં ભક્તોને કચડી નાંખ્યા છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 26થી વધુ લોકો ઈજા પામ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ચાલકને માર માર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

આ ઘટના જસપુરના પાથલગાંવ વિસ્તારમાં બની છે. જસપુરના એસપી વિજય અગ્રવાલના જણાવ્યા અનુસાર દશેરાનું સરઘસ પાથલગાંવથી નીકળી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની છે.  દુર્ઘટના લગભગ બપોરે દોઢ વાગ્યાની આસપાસ થઈ છે. તે સમયે પત્થલગામમાં 7 દુર્ગા પંડાલની મૂર્તિને વિસર્જન કરવા માટે લોકો નદીમાં લઈ જઈ રહ્યાં હતા કે અચાનક જ તેજ સ્પીડથી આવેલી કારે વિસર્જન માટે જતી ભીડ પર ગાડી ચઢાવી દીધી હતી. જે બાદ કાર સવાર ભાગી ગયો હતો.

આ દુર્ઘટનાને કારણે ગૌરવ અગ્રવાલ (21 વર્ષ)નામના યુવાનનું મોત થયું છે. જ્યારે બેંડ વગાડી રહેલા 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં બે લોકોને પકડવામાં આવ્યા છે.છત્તીસગઢના જશપુર જિલ્લામાં ગાંજાથી ભરેલી કારે 25 લોકોને કચડીને આગળ ધપી ગઈ હતી. આ દુર્ઘટનામાં 1નું મોત નિપજ્યું છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં 4ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. 

આખીય ઘટનાની તપાસ માટે એક કમિટી બનાવવાની ભલામણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના એએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો છે. સ્થાનિક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કારમાં ગાંજો ભરેલો હતો અને ચાલક પણ નશામાં હતો. પોલીસે કહ્યું કે, હાલમાં તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top