Business

જુનો ધંધો બંધ કરી દીધો છે હવે જુનું પેમેન્ટ ભૂલી જાવ, આવું સાંભળતા જ સુરતના વેપારીની હાલત…

સુરતઃ મગોબ ખાતે લેન્ડ માર્ક એમ્પાયરમાં શ્યામાશ્રી ક્રીએશનના વેપારી સાથે હરિયાણા અંબાલાના ગર્ગ પિતા અને બે પુત્રોએ કાપડનો માલ ખરીદી ૧૯.૬૩ લાખનું પેમેન્ટ નહી ચુકવી કાપડ દલાલ સાથે મળી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • હરિયાણા અંબાલામાં ગર્ગ પિતા-પુત્રોએ સુરતના વેપારીને ૧૯.૬૩ લાખનો ચુનો ચોપડ્યો

પરવટ પાટીયા ખાતે સ્વાસ્તીક પાર્ક મોડેલ ટાઉનમાં રહેતા ૩૩ વર્ષીય આશીષ ભગવાનીલાલ જૈન મગોબમાં લેન્ડ માર્ક એમ્પાયર ખાતે મીતેશભાઇ અગ્રવાલના શ્યામાશ્રી ક્રીએશનમા મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૨૦ સપ્ટેમ્બર માં અર્પીત ઘોત્રાએ કાપડ માર્કેટમાંથી માહીતી મેળવી આશીષને ફોન કરીને “ હું અંબાલાની કાપડ માર્કેટમાં વાહેગુરૂ એજન્સી નામે કાપડ દલાલી કામ કરૂં છું, મારી પાસે સારી વેપારી પાર્ટીઓ છે જે સુરતની કાપડ માર્કેટમાંથી મારી જવાબદારીથી કાપડનો માલ મોકલે છે, જેઓને હુ સમયસર પેમેંટ પણ કરાવી આપું છું. તમે મારી વેપારી પાર્ટીઓને માલ મોકલો પેમેન્ટની જવાબદારી મારી રહેશે’, તેમ કહ્યું હતું.

આશીષને આ કાપડ દલાલ પર વિશ્વાસ આવતા તેમના કહેવાથી ગર્ગ પિતા-પુત્રોને માલ મોકલ્યો હતો. આર.સી.સી. ટ્રાન્સપોર્ટ મારફતે બન્ને ભાઇઓની અલગ અલગ ફર્મથી એક જ દુકાન ચલાવતા અક્ષીતકુમાર ગર્ગ તે ગર્ગ ટ્રેડર્સના નામથી તથા સુમીત ગર્ગ તે એ-વન સૂટ એન્ડ સાડીના માલિક જે બન્ને ફર્મના વહીવટદાર તેમના પિતા સુરેશ ગર્ગ દુકાન પ૨ બેસતા હતા. અક્ષીતકુમારની ફર્મ ગર્ગ ટ્રેડર્સમા ફેબ્રુઆરી ૨૦૨૧ થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ૩૬.૬૦ લાખનો કાપડનો માલ આપ્યો હતો. જેમાંથી ટુકડે ટુકડે ૨૦.૦૭ લાખનુ પેમેન્ટ ચુકવી આપી બાકીના ૧૭.૫૩ લાખનું આજદિન સુધી ચુકવ્યું નથી. તથા તેના ભાઇ સુમીત ગર્ગની ફર્મમાં વર્ષ ૨૦૨૦ થા ૨૦૨૧ સુધીમાં કુલ ૬.૧૮ લાખનો કાપડનો માલ આપ્યો હતો જેમાંથી ૪.૦૮ લાખનું પેમેન્ટ ચુકવી બાકી રહેલા ૨.૦૯ લાખની ઉઘરાણી કરતા પૈસા આપ્યા નથી.

બંને ભાઈઓ પાસેથી લેવાના ૧૯.૬૩ લાખ આજદિન સુધી ચુકવ્યુ નથી. તેમના સરનામે જતા દુકાનનું નામ બદલી નાંખી નવા નામથી ધંધો ચાલુ કરી જુનો ધંધો બંધ કરી દીધો હોવાની ખબર પડી હતી. બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે ગર્ગ બંધુઓએ ” અમારો જુનો ધંધો બંધ કરી દીધો છે, અમારી સાથે નવા ધંધામા કામ કરો અને જુના કાપડના પેમેન્ટ ભુલી જાઓ” તેમ કહ્યું હતું. પુણા પોલીસે કાપડ દલાલ અને ગર્ગ પિતા તથા બંને પુત્રોની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top