Editorial

ભારત કે ઈન્ડિયાની પળોજણમાં પડ્યા વિના શાસકો-વિપક્ષો લોકોની તકલીફો સમજશે તો દેશની પ્રગતિ થશે

દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઈન્ડિયા. અતિક્ષુલ્લક મુદ્દે દેશમાં હાલમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ સહિતના વિપક્ષો લડી રહ્યા છે. રાજા ભરત પરથી દેશનુ નામ ભારત થયું હતું. જો કે, ઈન્ડિયા શબ્દ પણ ઘણો જૂનો છે. એવું માનવામાં આવે છે કે સિંધુ નદી પરથી ઈન્ડિયા શબ્દ આવ્યો હતો. સિંધુ નદી ભારતના અનેક પ્રદેશોમાંથી પસાર થઈને બાદમાં પાકિસ્તાન જતી હતી. સિંધુ નદી પરથી શબ્દ આવ્યો શિંધદેશ.

જોકે, આરબો જ્યારે બોલતા ત્યારે તેઓ ‘સ’ શબ્દને બદલે ‘હ’ શબ્દ હોલતા હતા. જેને કારણે તેઓ સપ્તસિંધુને હપ્તહિંદુ કહેવા લાગ્યા. જેને પગલે સિંધ પ્રાંત હિંદ પ્રાંત બની ગયો. 2500 વર્ષ પહેલા જ્યારે પર્શિયન કિંગે હિંદને ઈન્ડિયા તરીકેની ઓળખ આપી હતી. જ્યારે ગ્રીક આવ્યા ત્યારે તેઓ ‘હ’ શબ્દને બદલે ‘આ’ કે ‘ઈ’ શબ્દ બોલતા હતા અને તેને કારણે ઈંદુ, ઈન્ડસ કે ઇન્ડિકા શબ્દ પ્રચલિત થયો હતો.

આજે પણ સિંધ નદીને ઈન્ડસ નદી તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે જ જ્યારે ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે ભારતનું નામ શું રાખવું તે મુદ્દે દેશની બંધારણસભાના સભ્યો વચ્ચે ભારે દલીલો થઈ હતી. જ્યારે બંધારણનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેમાં ઈન્ડિયા શબ્દ હતો જ નહીં. 4થી નવેમ્બર, 1948ના રોજ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડો. આંબેડકર દ્વારા બંધારણ રજૂ કરાયું ત્યારે તેમા ઈન્ડિયા શબ્દ નહોતો પરંતુ બાદમાં બંધારણસભાના સભ્યો દ્વારા ખૂબ વિચાર-વિમર્શ કરવામાં આવ્યા બાદ એક વર્ષને અંતે બંધારણમાં ઈન્ડિયા શબ્દ ઉમેરવામાં આવ્યો હતો.

18મી સપ્ટેમ્બર, 1949ના રોજ ડો.આંબેડકર દ્વારા બંધારણના મુસદ્દામાં સુધારો કરવામાં આવ્યો ત્યારે તેમાં પહેલી કલમ એવું કહેવાયું કે ઈન્ડિયા, જે ભારત છે તે રાજ્યોનું સંઘ હશે. તે સમયે બંધારણ સભાના સભ્ય એચવી કામથે બંધારણની પહેલી પંક્તિ સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ભારત શબ્દને યોગ્ય સન્માન મળવું જોઈએ. બંધારણ સભાના અન્ય સભ્યો શેઠ ગોવિંદદાસ, કમલાપતિ ત્રિપાઠી, કલ્લુર સુબ્બા રાવ, રામ સહાય અને હરગોવિંદપંતે ભારત શબ્દ માટે ભારે દલીલો કરી હતી.

ત્યાં સુધી કહ્યું હતું કે, ઈન્ડિયા શબ્દ ન તો પ્રાચીન છે અને ન તો તે ભારતીય સંસ્કૃતિમાંથી ઉતરી આવેલો શબ્દ છે. વેદમાં પણ આ શબ્દ નથી. શેઠ ગોવિંદદાસે કહ્યું હતું કે, ભારત શબ્દ વેદ, ઉપનિષદ, બ્રાહ્મણો અને મહાભારત તેમજ પુરાણોમાં પણ જોવા મળે છે. ઘણી ચર્ચા-વિચારણા બાદ ભારત શબ્દને યોગ્ય સન્માન આપવા માટે ભારતના બંધારણની શરૂઆતમાં જ લખવામાં આવ્યું કે ઈન્ડિયા એટલે ભારત. દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઈન્ડિયા, તે મુદ્દે બંધારણસભામાં ચાલેલી માથાકૂટ બાદ પણ અનેક વખત વિવાદો થયા છે.

છેક સુપ્રીમ કોર્ટ સુધી પિટિશનો કરવામાં આવી છે. તાજેતરમાં જ્યારે જી-20 સંમેલનના આમંત્રણો આપવાના હતા ત્યારે રાષ્ટ્રપતિના કાર્ડમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત અને વડાપ્રધાન મોદીના કાર્ડમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત લખવામાં આવ્યું હતું. જેને પગલે ભારત અને ઈન્ડિયા શબ્દનો મોટો વિવાદ સર્જાયો છે. વિપક્ષો પોતાના ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખે કે મોદી સરકાર દેશનું નામ ભારત રાખે, ખરેખર જરૂરી એ છે કે શાસક અને વિપક્ષ દ્વારા દેશની જનતાની શું મુશ્કેલીઓ છે તે સમજવામાં આવે. જે દિવસે નાગરિકોની તકલીફોને સમજી જશે તે દિવસે રામરાજનો પ્રારંભ થશે તે નક્કી છે.

Most Popular

To Top