SURAT

રખડતા ઢોર પકડવા માટે હવે ઝોન સ્તરે જ પોલીસ બંદોબસ્ત મળશે : સીપીનો આદેશ

સુરત : રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે સરકારની જાટકણી કાઢીને હાઇકોર્ટ (High Cort) દ્વારા આ ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે. જેના પગલે સુરત મનપા (SMC) વિસ્તારમાં પણ રખડતા ઢોર સામેની કાર્યવાહી (Proceedings) કડક કરવા આયોજન ગોઠવાયું છે. જેમાં પોલીસ (Police) બંદોબસ્ત મહત્વનો હોય પોલીસ કિમશનર દ્વારા પ્રથમ વખત મનપાના દરેક ઝોન દીઠ ઢોર ડબ્બા પાર્ટીની કામગીરી સાથે પોલીસ બંદોબસ્ત માટે વિશેષ વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.મનપામાં માર્કેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર હર્ષદ કિનખાવાલાએ જણાવ્યું હતું કે, પોલીસ અને મનપા વચ્ચે થયેલી મીટીંગ સકારાત્મક રહી છે તેમજ પોલીસ કમિશનર દ્વારા દરેક ઝોન દીઠ નાયબ પોલીસ કમિશનરોને નોડેલ અધિકાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મનપા દ્વારા દરેક ઝોનમાં બે-બે સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે.

રાત્રિ દરમિયાન બે ટીમો રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે
જ્યારે રાત્રિ દરમિયાન બે ટીમો રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. મનપાની તમામ ટીમો સાથે દરેક ઝોનમાં 1-1 જુદી જુદી શિફ્ટમાં તૈનાત રહેશે જેથી મનપાના કર્મચારીઓ પર થતા હુમલા પર રોક લગાવી શકાય. ડેપ્યુટી કમિશનર હર્ષદ કિનખાબવાલાએ સંકલન બેઠક યોજીને ઝોન દીઠ પોલીસ વિભાગના ક્રમચારીઓ અને મનપાના માર્કેટ વિભાગ ટીમના કર્મચારીઓના નંબરો સહિતની વિગતો પોલીસ સાથે શેર કરી દીધી છે. આ મીટીંગની ફલશ્રૃતિએ છે કે અગાઉ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્ત માટે માંગણી કરવામાં આવતી હતી અને પોલીસ બંદોબસ્ત ઘણી વખત ઉપલબ્ધ થતો ન હતો. પરંતુ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલા ઓર્ડર મુજબ હવે મનપા દ્વારા થતી ૩ શિફટમાં કામગીરી દરમિયાન દરેક ટીમ સાથે રાઉન્ડ ધ કલોક પોલીસકર્મી તૈનાત કરવા સીપીએ આદેશ કર્યો છે.

મનપાને ઘણી રાહત થઈ રહેશે
વળી મનપાના અધિકારીઓએ હવે જે તે પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માટે લંબાવવું પડશે નહીં. મનપાની દરેક ટીમ સાથે ૧-૧ પોલીસકર્મી હાજર રહેવાથી કોઈ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે પણ મનપાને ઘણી રાહત થઈ રહેશે. એટલું જ નહીં, વધુ પોલીસ બંદોબસ્ત બાબતે જરૂરિયાત ઊભી થવાના કેસોમાં સીધા જે તે ઝોનના પોલીસ વિભાગના નોડલ અધિકારી-ડેપ્યુટી પોલીસ કમિશનરને જ સીધી જાણ કરવાની રહેશે.

Most Popular

To Top