Dakshin Gujarat

સુરત જિલ્લા LCB પોલીસ અને દારૂ ભરેલી કારના બુટલેગરો વચ્ચે થઈ પકડાપકડી અને..

હથોડા: (Hathoda) સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે કીમ ચાર રસ્તા નજીક દારૂ (Alcohol) ભરેલી કાર પકડવા માટે ઇશારો કરી કાર થોભાવવા જણાવતાં ઝડપાઈ જવાની બીકે દારૂ ભરેલી કારના ચાલકે કાર (Car) ઊભી રાખવાને બદલે એલસીબી પોલીસની કારને ટક્કર મારતાં અને પોલીસે પણ કારના ચાલકને પડકારી આખરે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કારના ચાલક સહિત બે જણાને ઝડપી પાડ્યા હતા.

  • કીમ ચાર રસ્તા નજીક પોલીસ અને દારૂ ભરેલી કારના બુટલેગરો વચ્ચે પકડાપકડી
  • ક્રેટા કારમાં ભાગી રહેલા બુટલેગરોએ એલસીબી પોલીસની ખાનગી કારને ટક્કર મારી
  • કારના ચાલક સહિત બે ઝડપાયા, 2 લાખનો દારૂ કબજે

ઘટનાની વિગત એવી છે કે, સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મોસાલી હથોડા કીમ ચાર રસ્તા થઈને દારૂ ભરેલી કાર રંગોલી ચોકડી તરફ જઈ રહી છે. જેથી સુરત જિલ્લા એલસીબી પોલીસ પોતાની જીજે 19 એમ 8224 નંબરની સ્કોર્પિયો ગાડી લઈને કીમ ચાર રસ્તા ખાતે વોચ ગોઠવતાં અને બાતમી મુજબની જીજે 16 ડીજી 2107 નંબરની ક્રેટા કાર આવતાં પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી કાર ઊભી રાખવાને બદલે ઝડપાઈ જવાની બીકે દારૂ ભરેલી કાર લઈ બુટલેગરોએ ભાગવાનો પ્રયાસ કરી એલસીબી પોલીસની સ્કોર્પિયો કારને ટક્કર મારી નુકસાન પહોંચાડી હાઇવે પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આખરે એલસીબી પોલીસે પણ ભાગી રહેલા કારચાલકને પડકારીને રૂપિયા સવા બે લાખનો ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપી પાડી કારના ચાલક પ્રિયલ દિનેશ પટેલ (ઉં.વ.૨૯) (રહે., કુંભારિયા, પટેલ ફળિયું, તા.પારડી જિ.વલસાડ) અને નરેશ મનોજભાઈ પટેલ (ઉં.વ.૨૭) (રહે., ગોયમા વાણિયાવાડ, તા.પારડી જિ. વલસાડ)ને ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાડી અટકાવવાનો પ્રયાસ કરતાં દારૂ ભરેલી કારના ચાલકે ભાગવાની લાયમાં હાઇવે પર ગોઠવેલા બેરિકેડને પણ તોડી નાંખી નુકસાન કર્યું હતું. પરંતુ આખરે ઝડપાઈ ગયા હતા. કીમ ચાર રસ્તા પર આ બનાવ બનતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં.

આ ઘટનામાં ક્રેટાને શૈલેષ ઉર્ફે સેમ પટેલ તથા તેનો માણસ સુમિત કાળા કલરની ટાટા નેક્ષોન કારથી પાયલોટિંગ કરી રહ્યા હોવાનું જણાયું હતું. એલસીબીએ કીમ ચાર રસ્તાથી અમદાવાદથી મુંબઇ જતા રોડ પર આવી બ્રિજના છેડે નાકાબંધી કરી હતી. આ બનાવમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. જ્યારે પાઇલોટિંગ કરી રહેલી ગાડીનો ચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો. ક્રેટા કારમાંથી પોલીસે રૂપિયા ૨,૦૯,૩૦૦ની કિંમતની દારૂની કુલ ૧૩૬૧ બોટલ કબજે લીધી હતી. આ કેસમાં પોલીસે શૈલેષ ઉર્ફે રમેશ પટેલ (રહે મોટી વાંકલ, નાની દમણ) અને માલ મંગાવનાર એક અજાણ્યા ઇસમ તેમજ પાયલોટિંગ કરનાર વગર નંબરની ટાટા નેક્ષોન કારનો ચાલક સુરેન્દ્ર ઉર્ફે શૈલેષ ઉર્ફે સેમ ઉર્ફે રમેશ પટેલ તથા સુમિત (રહે., દમણ) સામે ગુનો નોંધી તપાસ આદરવામાં આવી છે.

Most Popular

To Top