SURAT

સુરતના અનેક લોકોના દર્દની સારવાર કરનાર ‘હકીમચીચી’ વાલા ચાચા શેખ અબ્દુલ હકીમનું નિધન થયું

સુરત: (Surat) સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી હકીમ ચીચી (Hakim Chichi) પેઢીના શેખ અબ્દુલ હકીમ હકીમચીચીવાલા ચાચાનું નિધન (ઈન્તેકાલ) થયું છે. મર્હૂમનો જનાજો શુક્રવારે સાંજે 4 કલાકે હકીમ ચીચી ફાર્મસી રાણીતળાવથી લઈ જવામાં આવનાર છે. તેમના જનાજાની નમાઝ મસ્જીદે મકબરામાં પઢવામાં આવનાર છે. જાતિ-ધર્મના ભેદભાવ વિના હસતા ચહેરે સુરત, દક્ષિણ ગુજરાત સહિત દૂર દૂરથી આવતા બિમાર દર્દીઓની સારવાર કરવા માટે તેઓ જાણીતા હતા. વહેલી સવારથી તેમની હકીમ ચીચી ફાર્મસી રાણીતળાવની બહાર લોકો લાઈન લગાવીને ઉભા રહી જતા હતા. મુર્હૂમ અબ્દુલ હકીમ હકીમ ચીચી વાલા સાહેબની ખોટ સુરત શહેર ક્યારેય નહીં પુરી શકે.

સુરતના મુસ્લિમ સમાજ માટે આજની સવાર આઘાતજનક રહી હતી. શહેરના ખૂબ જ જાણીતા અને સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા હકીમ ચીચીવાલા ચાચા શેખ અબ્દુલનું આજે સવારે દુ:ખદ નિધન થયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બિમાર હતા. તેઓને સુગરની તકલીફ રહેતી હતી. છેલ્લાં કેટલાંય સમયથી તેઓએ તેમના પુત્ર મોહમ્મદ કાસીમ હકીમને હકીમચીચી ફાર્મસીની જવાબદારી સોંપી દીધી હતી. છતાં ક્યારેક બિમારીથી પીડાતા લોકોની સારવાર તેઓ કરતા હતા. આજે સવારે તેઓનું 84 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન થયું છે. ચાચાના ઈન્તેકાલથી તેમના પરિવાર સહિત સુરત શહેરનો મુસ્લિમ સમાજ શોકમાં સરી પડ્યો છે. સુરત શહેર ના ખૂબ જ જાણીતાં નામાંકિત હકીમ તરીકે ખુબ મોટું નામ ધરાવતાં હોવા છતાં અને પહેલાથી જ પ્રખ્યાત હોવા છતાં કોઇપણ જાતના લેશ માત્ર અભિમાન વગર ગરીબ હોય કે તવંગર સહિત કોઈપણ ન્યાય કે જાત ના ભેદભાવ વગર દરેક વ્યક્તિની સાથે ખુબજ નમ્રતા પૂર્વક સાદગી અને પ્રેમપૂર્વક આદર આપી તેમનુ દીલ જીતી લઈ તેમનું દુઃખ અને દર્દ દુર કરવાની તેમની આગવી શૈલી અને કળા હતી.

1932માં હકીમ ચીચી ફાર્મસીની શરૂઆત થઈ હતી

સુરતના રાણીતળાવ વિસ્તારમાં 1932થી હકીમચીચી ફાર્મસી ચાલી રહી છે. હાલમાં ચોથી અને પાંચમી પેઢી ફાર્મસીમાં કામ કરી રહી છે. પહેલાં હકીમ મોહમ્મદ કાસીમ હકીમચીચી યુનાની દવા આપતા હતા. ત્યાર બાદ તેમના દીકરા શેખ મોહમ્મદ અને છેલ્લે શેખ અબ્દુલ હકીમ હકીમચીચીની દવા આપતા હતા. શેખ અબ્દુલ હસતા ચહેરે લોકોની સારવાર કરવા માટે જાણીતા હતા. તેઓ ક્યારેય કોઈને નિરાશ કરતા નહીં.

ગીક્રસમ્રાટ સિકંદરે તૈયાર કરેલી યુનાની પદ્ધતિથી હકીમચીચીમાં ઉપચાર કરવામાં આવતો હતો

તેઓ વિશેષ પ્રકારની યુનાની દવાથી દર્દીઓની સારવાર કરતા હતા. ગ્રીકસમ્રાટ સિકંદર ભારત આવ્યો ત્યારે તે આર્યુવેદથી પ્રભાવિત થયો હતો. ગ્રીસ પરત ફર્યા બાદ તેણે પ્રખર વૈદો પાસે ઔષધવિજ્ઞાનનું એક અતિમૂલ્યવાન પુસ્તક યુનાની ફાર્માકોપિયા તૈયાર કરાવ્યું હતું. ગ્રીસ દેશનું એક નામ યુનાન પણ છે. ઈસવી સન 460માં યુનાનની ઉપાચરપદ્ધતિ શરૂ થઈ હતી. આર્યુવેદ વડે ઉપચાર કરનારને જૈમ વૈદ કહેવામાં આવે તેમ યુનાની ચિકિત્સાશાસ્ત્ર મુજબ સારવાર કરનાર હકીમ તરીકે ઓળખાય છે. યુનાનીનો જન્મ ગ્રીસમાં થયો હતો પરંતુ તેનો વિકાસ ઈરાન-ઇજિપ્તમાં થયો હતો. વર્તમાન વિકાસમાં આરબો-મુસ્લિમોનો ફાળો રહ્યો છે. સુરતની હકીમચીચી ફાર્મસીમાં 1932થી યુનાની દવાથી દર્દીઓની સારવાર કરવામાં આવતી રહી છે.

Most Popular

To Top