Columns

તમારી સેક્સ લાઈફને નુકસાન કરતી આદતો

સેક્સ કરવું તે એક કલા છે. સેક્સ લાઇફને ઇન્જોય કરવા માટે ઘણી ખરાબ આદતો છોડવી ખૂબ જ જરૂરી છે. આપણું ખાવું-પીવું અને રોજબરોજની જિંદગીમાં જે પણ કરીએ છીએ એની અસર આપણી સેક્સ લાઈફ પર પડતી હોય છે. ઘણી બધી વાર ખરાબ આદતોના કારણે અને વ્યસનોને કારણે ઈન્દ્રિયમાં નપુંસકતા અનુભવાતી હોય છે. સતત અને વારેઘડી લિંગના ઉત્થાનમાં તકલીફનો સામનો કરવો પડે તો તે ચિંતાજનક ગણી શકાય. શિશ્નોત્થાનની સમસ્યાની જો યોગ્ય સારવાર ના કરાય તો તેનાથી તમારું જાતીય જીવન જોખમમાં મુકાઈ જાય છે.

દર પાંચમાંથી એક પુરુષમાં આ સમસ્યા હોવાનું મનાય છે અને વધતી ઉંમર સાથે આ સમસ્યા વધુ વકરે છે. જો કે તેનો અર્થ એ નથી કે ઉંમર વધે એટલે તમારી સેક્સ લાઈફનો અંત આવી ગયો. હવે નપુંસકતાની સારવાર કોઈ પણ ઉંમરે શક્ય છે. ડાયાબિટીસ, મેદસ્વિતા, સ્મોકિંગ, દારૂ પીવાની લત તથા હાઈપર ટેન્શન જેવી બીમારીઓ અને આદતોથી ગ્રસ્ત લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. દવા કે શસ્ત્રક્રિયાથી શિશ્નોત્થાનની સમસ્યા શક્ય હોવાનું આપણે જાણીએ છીએ. ખરાબ આદત તમારી સેક્સ લાઈફને નુકસાન પહોંચાડી શકે છે. જો યોગ્ય સમયે ખરાબ આદતો નહીં સુધારો તો તમારી સેક્સ લાઈફ ખરાબ થઈ શકે છે. એવી કઈ ખરાબ આદત છે જે સેક્સ લાઈફને નુકસાન કરી શકે છે ? મિત્રો ચાલો આપણે આજે જાણીએ કે તમારી કઈ આદતો છે જે તમારી સેક્સ લાઈફને નુકસાનકારક થઇ શકે છે.

અયોગ્ય આહાર ખાવાની ટેવ
જો તમે જંકફૂડ ખાવાના શોખીન હશો તો તમે તમારા શરીરમાં અઢળક માત્રામાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ તથા સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ ઠાલવી રહ્યા છો. આ પ્રકારનો ખોરાક લેવાથી શરીરમાં તમારા લોહીનો પ્રવાહ ધીમો પડે છે અને જાતીય સુખ માણવાની તમારી ક્ષમતા પર અસર થાય છે. જંકફૂડ ખાવાનું બંધ કરી રોજિંદા આહારમાં વધુ પ્રમાણમાં ફળ, શાકભાજી તથા સૂકોમેવો, કઠોળ તથા ટોફુનું પ્રમાણ વધારો. બોનસઃ તંદુરસ્ત આહાર લેવાથી સેક્સ માટેની તમારી ઊર્જામાં નોંધપાત્ર વધારો થાય છે.

વધતાં વજન પ્રત્યે બેદરકારી
શું તમારું વજન સામાન્ય કરતાં વધારે હોય તેમ લાગી રહ્યું છે? થોડાક કિલો વજન ઉતારવાથી બેડરૂમમાંની તમારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે, ખાસ કરીને પુરુષોમાં. એક અભ્યાસ અનુસાર 40 કે તેથી વધારેની કમર ધરાવતા પુરુષોને પાતળી કમર ધરાવતા પુરુષોની તુલનાએ શિશ્નોત્થાનની સમસ્યા થવાનું જોખમ વધારે રહે છે.

શરાબનું વધુ પડતું સેવન
વાઈન કે બિયરના વધુ પડતાં સેવનથી તમારી શારીરિક ક્ષમતા પર અસર થાય છે જેની અસર તમારી કામેચ્છા પર પડે છે. શરાબના વધુ પડતાં સેવનને કારણે પુરુષોની સમાગમની ક્ષમતા પર નકારાત્મક અસર થાય છે.
ધૂમ્રપાનની આદત
ધૂમ્રપાનથી તમારા આરોગ્ય પર થતી નુકસાનકારક અસરોની યાદી ઘણી લાંબી છે, આ ઉપરાંત તે તમારી કામેચ્છાને પણ મારી નાખે છે. તમાકુમાં રહેલા રસાયણો લોહીના પ્રવાહ સાથે ભળવાને કારણે ખાસ કરીને પુરુષોમાં જાતીય સમસ્યાઓ સર્જાય છે.

સતત તણાવમાં રહેવું
સતત તણાવ અને ચિંતા તમને દરેક રીતે થકવી નાખે છે. જ્યારે તમે તમારા શરીરને તણાવના અંતઃસ્રાવોથી લાંબા સમય સુધી ભરી રાખો છો ત્યારે તે તમારી તંદુરસ્તી પર માઠી અસર સર્જે છે અને સેક્સ માણવાની તમારી ઇચ્છાઓને હણી નાખે છે. તમને કઈ વસ્તુની ચિંતા રહ્યા કરે છે અથવા કયા કારણોસર તમે સતત તણાવગ્રસ્ત રહો છો તે શોધી તેને દૂર કરવાના ઉપાયો અંગે વિચારો. આ ઉપરાંત તણાવમાંથી રાહત મેળવવા રોજ બગીચામાં ચાલવા જવાની, યોગના વર્ગોમાં જોડાવાની કે તમારા મનગમતા કોમેડી શો જોઈ નિયમિત હસવાની ટેવ પાડવી જોઈએ.

જૂની સ્ટાઈલને વળગી રહેવું
ઘણી વાર બીબાંઢાળ સેક્સ કંટાળાજનક બની રહે છે. ઘણી વાર આ પ્રકારે સમાગમ માણવાથી કોઈ આનંદની કે ચરમસીમાના સુખની અનુભૂતિ થતી નથી. આવી પરિસ્થિતિઓ ટાળવા માટે સમાગમની નવી પોઝિશન ટ્રાય કરો, નવી જગ્યાએ કે નવા સમયે સેક્સ માણો.

નવપરિણીત માટે પ્રથમ રાતની ટીપ્સ
પ્રશ્ન :
ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. મારે સેક્સ અંગે અમુક સવાલો છે. શું લગ્નની પ્રથમ રાત્રે સેક્સ કરવો શક્ય છે? સેક્સ કેવી રીતે અને કેટલી વાર એક રાતમાં કરવો જોઈએ? મારા જેવા નવપરિણીત માટે કોઈ ટીપ્સ હોય તો પણ આપવા વિનંતી.
ઉત્તર : લગ્નજીવનની પ્રથમ રાત્રી કેવી રીતે વીતે છે તેના ઉપર ભવિષ્યના સુખી દાંપત્ય જીવનનો પાયો બંધાય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનની કદાચ આ સૌથી નાજુક અને સંવેદનશીલ રાત્રિ છે. પ્રથમ સમાગમની શરૂઆત કેવી રીતે હોવી જોઈએ તે માટે માર્ગદર્શન માંગતા યુવાનોને, કપલોને મારી પહેલી સલાહ એ છે કે પ્રથમ રાત્રે ગમે તેટલો કામવેગ અને કામોત્તેજના અનુભવતા હો તો પણ ધીરજ, ગંભીરતા અને કોમળતાપૂર્વક વર્તન કરવું જોઈએ કારણ કે તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો તેના ઉપર તમારા સમગ્ર દાંપત્યજીવનની મધુરતાનો આધાર છે.

લગ્નની પ્રથમ રાત્રે સેક્સ કરવું કે ના કરવું તેવો તો કોઈ ચોક્કસ નિયમ નથી. આપ ચોક્કસ લગ્નજીવનની પ્રથમ રાત્રે મધુરજની માણી શકો છો પણ બને ત્યાં સુધી પ્રથમ રાત્રે સમાગમ ટાળવો જોઈએ કારણ કે લગ્નની દોડધામમાં આપ અને આપના સાથી, બંને ખૂબ જ થાકી ગયેલ હોય શકો છો. સેક્સનો મહત્તમ આનંદ ફ્રેશ અને પ્રફુલ્લિત મને માણવાથી જ મળે છે એટલે પ્રથમ રાત્રે પતિપત્ની ભલે સાથે સૂવે પરંતુ સમાગમ કરવાની તક મળતા વેંત જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરુની જેમ તૂટી ન પડે તે અત્યારે જરૂરી છે. જેમ સુરાનો નશો અને આનંદ ધીરે ધીરે પીવામાં આવે છે તે જ રીતે સુંદરીની સુંદરતાને માણવાની મજા પણ ધીરે ધીરે જ આવે છે.

સેક્સ કેટલી વાર માણો છો તે અગત્યનું નથી પરંતુ કેવી રીતે કરો છો તે વધારે મહત્ત્વનું છે. તમે એક રાતમાં 4 વાર સંબંધ બાંધો પરંતુ તમને સંતોષ ના મળે અથવા તમારા સાથીને સંતોષ ના મળે તો મારી દ્રષ્ટિએ આવા સમાગમનો કોઈ જ અર્થ નથી પરંતુ જો કોઈ પુરુષ એમ કહે કે હું અઠવાડિયામાં એક જ વાર સેકસ કરું છું પરંતુ મને પણ પૂરતો સંતોષ મળે છે અને મારા પત્નીને પણ પૂરતો સંતોષ મળે છે. હું એને 100માંથી 100 માર્ક આપીશ કારણ કે સેક્સ એ આનંદ અને સંતોષ માટે આપણે કરતા હોઈએ છીએ પરંતુ જ્યાં આનંદ અને સંતોષ ના હોય તેવા સેક્સનો કોઈ જ મતલબ હોતો નથી.

મારો કહેવાનો મતલબ છે સેક્સની અંદર કોન્ટીટી નહીં પણ ક્વોલિટી અગત્યની છે. લગ્નજીવનની શરૂઆતમાં પુરુષમાં પ્રથમ રાત્રીએ શિશ્નનું ઉત્થાન બરાબર થશે કે કેમ એનો ભય સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે સ્ત્રીમાં પ્રથમ વખતની પીડાનો ભય મુખ્ય હોય છે. દરેક પુરુષોએ વિરાટ કોહલીને યાદ રાખવો જોઈએ. 2-4 મેચમાં એ શૂન્ય રનમાં આઉટ થાય તો એનો મતલબ એવો ખરો કે હવે એ ક્યારેય ફરી સેન્ચ્યુરી નહીં બનાવી શકે? હમણાં જ રમાયેલ વર્લ્ડ કપ પહેલાં એ ઘણી બધી મેચોમાં રન બનાવી શક્યો ન હતો પરંતુ વર્લ્ડ કપમાં એણે રનનો ઢગલો કરી દીધો હતો.

તે જ રીતે પુરુષ ને 2-4 ઇન્દ્રિયમાં ઉત્તેજના ના આવે કે તે ફેલ થઈ જાય એનો મતલબ એ નથી કે એ નપુંસક થઈ ગયો. માટે આવી થોડા સમયની નિષ્ફળતાથી ચિંતિત ના થવું. સ્ત્રીઓએ પણ એ યાદ રાખવું કે પૂરતા ફોર પ્લે પછી દુખાવો થોડી ક્ષણ પૂરતો જ હોય છે અને તે દરેક વખતે થતો નથી. મિત્રો અને બહેનપણી પાસેથી સાંભળેલી વાતોથી પૂર્વાનુમાન બાંધવાથી દૂર રહો અને તમારા જીવનસાથી સાથે નિકટતા અને આત્મીયતા કેળવવાની સર્વશ્રેષ્ઠ કોશિશ કરો. પ્રથમ અમુક દિવસના સમાગમના આધારે તમારા સાથી માટે કાયમનો અભિપ્રાય ના બાંધી દો. કુશળ ડ્રાઇવર બનવા માટે પ્રેક્ટિસ અનિવાર્ય છે. તે જ રીતે યોગ્ય પ્રેમી બનવા માટે સમય આપવો પડે. લગ્નજીવનને સફળ બનાવવા માટે એકબીજાને રિસ્પેક્ટ આપો, સમય આપો અને ધીરજ રાખવી પણ એટલી જ જરૂરી છે.

Most Popular

To Top