Columns

શું પ્રાયોરીટી ડેટ પર સંતાનને વિઝા મળે ખરા?

જુલાબહેનના ભાઈ મહેન્દ્રકુમાર જેઓ અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરી ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકા ગયા હતા, ત્યાં દાખલ થતા ગ્રીનકાર્ડ મેળવ્યું હતું અને 3 વર્ષ બાદ અરજી કરીને અમેરિકાના સિટિઝન બન્યા હતા, એમણે એમની બહેન માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. 12 વર્ષ પહેલાં જ્યારે એ પિટિશન દાખલ કર્યું ત્યારે મંજુલાબહેનની મોટી દીકરી માધવી 16 વર્ષની હતી. નાનો દીકરો મયંક 14 વર્ષનો હતો. એ પિટિશનમાં મંજુલાબહેનના પતિ મુકેશભાઈ પણ એમના ડિપેન્ડન્ટ તરીકે દેખાડવામાં આવ્યા હતા.

પિટિશન એપ્રુવ્ડ તો 12 મહિનામાં જ થઈ ગયું પણ એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે એ પિટિશન કરન્ટ થાય એ જરૂરી હતું. વાર્ષિક કોટાના બંધનોના કારણે પિટિશનને કરન્ટ થતાં 12 વર્ષ લાગ્યાં. માધવી એ વખતે 28 વર્ષની થઈ ગઈ હતી. મયંકની વય 26 વર્ષની થઈ ગઈ હતી. જો માધવીના લગ્ન થઈ જાય તો એને ડિપેન્ડન્ટ વિઝા મળી ન શકે આથી માધવી અપરિણીત રહી હતી. એમના દીકરાએ પણ લગ્ન કર્યા નહોતા.

બન્ને બાળકોની ઉંમરમાંથી જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવ્યું અને જે દિવસે એ એપ્રુવ્ડ થયું એટલો 12 મહિનાનો સમય ‘ધ ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ હેઠળ બાદ મળ્યો. પણ આ બાદબાદી છતાં માધવીની ઉંમર 25 અને મયંકની 23 એટલે બન્ને 21 વર્ષ કરતાં વધુ ઉંમરનાં હતાં. આથી એ બન્નેને એમની મધર જોડે ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા આપવામાં ન આવ્યા.

અમેરિકા ગયા બાદ ભારતમાં રહી ગયેલાં સંતાનોને અમેરિકા કેમ બોલાવવા એની પૂછપરછ કરતાં મંજુલાબહેનની જાણમાં આવ્યું કે તેઓ એમનાં બન્ને સંતાનો, જેઓ અપરિણીત છે, એમના માટે ફેમિલી સેકન્ડ (B) પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. એમના પતિ જેમને પણ ગ્રીનકાર્ડ પ્રાપ્ત થયું હતું તેઓ પણ એમના સંતાનો માટે પિટિશન દાખલ કરી શકે છે. વધુમાં એમને એવું પણ જાણવા મળ્યું કે જે વ્યક્તિ પિટિશન દાખલ કરે એણે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવાની રહે છે.

મંજુલાબહેન હાઉસવાઈફ હતાં. એમના હસબન્ડ બિઝનેસમેન હતા આથી એમણે ઠરાવ્યું કે બન્ને સંતાનો માટે મુકેશભાઈ જ ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાના પિટિશનો દાખલ કરે. મુકેશભાઈએ બન્ને સંતાનો માટે પિટિશનો દાખલ કર્યા. એ એપ્રુવ્ડ થયા. 7 વર્ષ બાદ કરન્ટ પણ થયા ત્યાં સુધી એમના બન્ને સંતાનોએ લગ્ન ન કર્યા! થોડા દિવસમાં એ બન્ને સંતાનોના ઈમિગ્રન્ટ વિઝાના ઈન્ટરવ્યૂ હતા. અચાનક મુકેશભાઈને હાર્ટએટેક આવ્યો. એમના મૃત્યુની સાથે સાથે એમણે એમના 2 સંતાનો માટે જે ઈમિગ્રન્ટ વિઝાના પિટિશનો દાખલ કર્યા હતા, જે એપ્રુવ્ડ પણ થઈ ગયા અને કરન્ટ થયા હતા, એ પિટિશનો આપોઆપ રદબાતલ થઈ ગયા.

મંજુલાબેનને માથે આભ તૂટી પડ્યું. વર્ષોથી તેઓ એમના બન્ને સંતાનોને એમની સાથે અમેરિકામાં જોવા ઈચ્છતાં હતાં. આ કારણથી તો એમણે દીકરી-દીકરાના લગ્ન કર્યા નહોતા. માધવી અને મયંકે નાનપણથી અમેરિકાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. ડિઝની વર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો જોવાની ઝંખના હતી. ગ્રાન્ડ કેનિયન અને નાયગ્રાફોલ્સ જોવાની લાલસા કરી હતી, હાર્વર્ડમાં ભણવાની ઈચ્છા સેવી હતી, માધવીએ હોલિવૂડમાં અને મયંકે સિલિકોન વેલીમાં કામ કરવાના ઈરાદાઓ સેવ્યા હતા. આ બધાં જ સ્વપ્નાંઓ ભાંગીને ભૂક્કો થઈ ગયા.

માની જેમ આ બન્ને સંતાનો પણ ખૂબ હતાશ થઈ ગયાં. આ ત્રણેયમાંથી કોઈને એ વાતનો ખ્યાલ જ નહોતો કે ડિપેન્ડન્ટ બેનિફિશયરીઓ માટે એમનાં માતાપિતા ફેમિલી સેકન્ડ (B) પ્રેફરન્સ કેટેગરી હેઠળ જો પિટિશન દાખલ કરે તો તેઓ એમના પોતાના પિટિશનની જે પ્રાયોરિટી ડેટ હતી એ જ ‘પ્રાયોરીટી ડેટ’ તેઓ એમનાં સંતાનો માટે જે પિટિશન ફાઈલ કરે એને આપો એવી ‘રીટેનસન ઓફ પ્રાયોરીટી ડેટ’ની માંગણી પારાવાર હાડમારી દર્શાવીને કરી શકે. મા, દીકરી અને દીકરાને એ વાતની પણ જાણ નહોતી કે પિટિશનરનું મૃત્યુ એમણે જેણે પિટિશન દાખલ કર્યું હોય,એ એપ્રુવ્ડ થયા બાદ ક્યારેય પણ થાય અને એ કારણસર પિટિશન રદબાતલ થઈ જાય તો એ પિટિશનરના બેનિફિશયરીઓ એમના અમેરિકામાં રહેતા ગ્રીનકાર્ડધારક યા સિટિઝન અન્ય સગાંને પિટિશનરની જગ્યાએ મૂકું એવી ‘સબ્સ્ટિટ્યૂશન’ની અરજી કરી શકે.

કમનસીબે આ મા, દીકરીદીકરાઓના વિઝા કન્સલટન્ટોને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં ‘રીટેન્શન ઓફ પ્રાયોરીટી ડેટ’અને‘સબ્સ્ટિટ્યૂશન’ની સગવડ છે એની જાણ નહોતી. અજ્ઞાનતાના કારણે આ ત્રણેય હતાશ થઈને, ગમગીન વદને, નસીબને કોસતા બેસી રહ્યા છે. હવે મંજુલાબહેન એવું વિચારે છે કે ઉંમરલાયક થઈ ગયેલી દીકરી અને દીકરાના લગ્ન કરાવે અને પછી તેઓ અમેરિકાની સિટિઝનશીપ મેળવે અને ત્યાર બાદ એમના એ 2 સંતાન માટે ‘ફેમિલી થર્ડ પ્રેફરન્સ’ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરે. એની હેઠળ પણ પિટિશન કરંટ થતા 5-7 કે એથી વધુ સમય લાગે એમ છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ જેટલા સખત છે એટલા જ એમાં આવા અણધાર્યા સંજોગોમાંથી માર્ગ કાઢવાના રસ્તાઓ પણ છે. ઈમિગ્રેશનની બાબતમાં દરેકે દરેક ભારતીયે અનુભવી તેમ જ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટની સલાહ લેવી જોઈએ.

Most Popular

To Top