Comments

ગુરુમહિમા

વૃન્દાવનમાં એક સંત અને તેમના થોડા શિષ્યો રહેતા હતા.એક શિષ્ય બિચારો મંદબુધ્ધિ હતો, પણ ગુરુ જે કહે તે બધી જ આજ્ઞા માથે ચઢાવતો.એક દિવસ ગુરુજીએ બધા શિષ્યોને બોલાવીને કહ્યું, ‘હું એક મહિનાના મૌન ધ્યાનમાં બેસવાનો છું અને તમે બધા આ વ્રજધામના જુદા જુદા સ્થાન પર જઈને એક મહિનો રહો અને પછી પાછા આવીને તમને શું અનુભવ થયો તે મને કહેજો.’બધા શિષ્યોએ નક્કી કરી લીધું કે તેઓ કયાં જશે અને ગુરુજીને જણાવ્યું. એક માત્ર મંદબુધ્ધિ શિષ્ય ગુરુજી પાસે આવ્યો અને બોલ્યો, ‘ગુરુજી, મને કંઈ ખબર પડતી નથી કે તમારાથી દૂર હું કયાં જાઉં? મને તમારી પાસે જ રહેવા દો.

હું તમારા ધ્યાનમાં ખલેલ નહિ પહોંચાડું.’ગુરુજી બોલ્યા, ‘વત્સ, તું બરસાના જા અને એક મહિનો ત્યાં રહેજે, પછી પાછો આવજે.’મંદબુધ્ધિ શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, અહીં તો બધા છે ત્યાં હું એકલો હોઈશ. મારું ધ્યાન કોણ રાખશે? મારા જમવાની વ્યવસ્થા કોણ કરશે?’ગુરુજીએ મજાકમાં કહી દીધું, ‘બરસાનામાં તો રાધા રાણી રહે છે તે તારું ધ્યાન રાખશે.’મંદબુધ્ધિ શિષ્ય ગુરુજીને નમન કરી ગયો. એક મહિનો વીતી ગયો.બધા શિષ્યો પાછા આવી ગયા અને પોતાના અનુભવો ગુરુજીને જણાવ્યા.બે મહિના વીત્યા પણ પેલો મંદબુધ્ધિ શિષ્ય હજી પાછો ફર્યો ન હતો.

ગુરુજીને ચિંતા થઇ. તેઓ પોતાના બે શિષ્યો સાથે તેની તપાસ કરવા માટે પોતે બરસાના જવા નીકળ્યા. બરસાના પહોંચીને જોયું કે એક નાની સુંદર કુટીર પાસે એક કિશોર મધુર અવાજમાં ભજન ગાતાં ગાતાં બાગકામ કરી રહ્યો હતો.ગુરુજીએ વિચાર્યું, ‘લાવ જઈને આ કિશોરને પૂછું કે મારા મંદબુધ્ધિ શિષ્યને જોયો છે?’ ગુરુજીએ તેને બુમ પાડી પૂછ્યું , ‘વત્સ, જરા એક વાત પૂછવી હતી.’પેલા કિશોરે આ અવાજ સાંભળ્યો અને ઊભા થઈને તરત તેમનાં ચરણોમાં નમી પડ્યો.ગુરુજીને નવાઈ લાગી કે આ તો તેમનો મંદબુધ્ધિ શિષ્ય.

તે બોલ્યો, ‘પ્રણામ ગુરુજી તમે આવી ગયા?’ ગુરુજીની સાથે આવેલા શિષ્યોએ પૂછ્યું, ‘મંદબુધ્ધિ બે મહિનામાં તારામાં આટલો બધો ફેરફાર આવું કઈ રીતે થયું?’ મંદબુધ્ધિ શિષ્ય બોલ્યો, ‘ગુરુજીએ મને કહ્યું હતું રાધા રાણી તને સાચવશે અને તેમના કહેવાથી જ રાધારાણીએ રોજ મારા ભોજનની વ્યવસ્થા કરી.મને ભજન ગાતાં શીખવ્યું. તેના હાથનું ભોજન ખાઈને જાણે મારા મન અને મસ્તિષ્ક,અનેક બદલાવ આવ્યા.

આજે મને બધું જ સમજાવા લાગ્યું.તેમણે કહ્યું હતું, તું અહીં જ રહેજે. એક દિવસ તારા ગુરુજી તને લેવા આવશે અને જો આજે તમારી સાથે ગુરુજી મને લેવા આવ્યા.’ શિષ્યો સમજી ગયા કે ગુરુજીના શબ્દોનું માન રાખવા સ્વયં રાધારાણીએ આવીને આ મંદબુધ્ધિ શિષ્યને જાળવ્યો અને કૃપા કરી.ગુરુના આશિષ પૂર્ણ કરવા પ્રભુ જાતે આવે છે એ જ ગુરુનો મહિમા છે. પોતાના ગુરુજીના મહિમાનું આ ઉદાહરણ જોઈ તેમણે દોડીને ગુરુજીનાં ચરણોમાં પ્રણામ કર્યા.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top