Business

સુરત નજીક 1000 એકરમાં બનનારો આ પાર્ક દક્ષિણ ગુજરાતની શાન બનશે, જમીન પસંદ કરી લેવાઈ

સુરત: (Surat) રાજ્યના નાણાં મંત્રી (Gujarat Finance Minister ) કનુભાઇ દેસાઇ (Kanu Desai) દ્વારા ગુરૂવારે નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં વર્ષો પછી સુરત અને દક્ષિણ ગુજરાત (South Gujarat) માટે મોટા પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે. તેમાં નવસારી (Navsari) પાસે વાસી-બોરડી ખાતેની 1000 એકર જમીન પર પ્રધાન મંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્ક સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવામાં આવી છે અને તેની જાહેરાત પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે.

  • નવસારીના વાસી-બોરસીની 1000 એકર જમીન પર રાજ્યનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક બનશે
  • પીએમ–મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્કને લીધે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 25,000 કરોડનું નવું રોકાણ આવશે : ચેમ્બર

એટલે કે, રાજ્ય સરકારે આ પ્રોજેકટ માટે જીઆઇડીસીના નેતૃત્વમાં બનનારી એસપીવી (SPV) કંપનીને સરકાર જમીનની ફાળવણી કરશે. ચેમ્બરની મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile Park) કમિટીના ચેરમેન બીએસ.અગ્રવાલે જણાવ્યું હતું કે વાસી બોરસીમાં એક કરોડ મીટર જગ્યા ઉપલબ્ધ છે. જ્યાં એક થી બે લાખ મીટર સતત કાપડનું ઉત્પાદન કરનાર યુનિટો સ્થાપી શકાશે. સુરતમાં પ્રોસેસિંગ એકમો અત્યારે 1500 મીટરના બેન્ચમાં ફેબ્રિકસનું ઉત્પાદન કરે છે. જીઆઇડીસી, કેન્દ્ર સરકાર અને માસ્ટર ડેવલોપર્સની સંયુક્ત એસપીવી કંપની આ પ્રોજેકટ સાકાર કરી શકશે.

મેગા ટેક્સટાઇલ પાર્ક સુધી ઝડપથી પહોંચવા આભવા-ઉભરાટ બ્રિજ માટે બજેટમાં 300 કરોડની ફાળવણી
સુરત શહેરથી ઉભરાટની ટુરિઝમ સર્કિટ સુધી અને વાસી બોરસી સ્થિત સૂચિત મેગા ટેક્સટાઇલ પાર્ક સુધી ઝડપથી પહોંચવા સુરત શહેરના આભવાથી નવસારીના ઊભરાટ સુધી મીંઢોળા નદી પર બ્રિજ બનાવવા રાજ્યના બજેટમાં 300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પાલિકા,સુડા, નવસારીના વહીવટી તંત્રની એસપીવી કંપની અથવા પ્રાઇવેટ સેક્ટર સાથેની ટોલ બ્રિજ કંપની બનાવી આ પ્રોજેકટ પૂરો કરવામાં આવશે.એ સાથે સુરત અને નવસારી ટ્‌વીન સિટી બનવાની ગતિવિધીઓ તેજ બનશે.

સુરત ટેક્સટાઇલ મેગા સીઇટીપી પ્લાન્ટનો માર્ગ મોકળો થયો, બજેટમાં ડીપ-સી ડિસ્ચાર્જ માટે 450 કરોડ ફળવાયા
સચિન જીઆઇડીસીમાં ઝેરી વેસ્ટ ડિસ્ચાર્જ કરવાની ઘટનાના પડઘા પણ બજેટમાં પડયા છે. નાણામંત્રીએ સુરત,અંકલેશ્વર,વાપી,અને સરીગામ માટે ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ડીપ-સી એટલે કે, દરિયામાં છોડવા માટે 450 કરોડની ફાળવણી કરાઈ છે. એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા દ્વારા આ પ્રોજેકટ સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો.શક્યતા એવી છે કે,સુરત ટેક્સટાઇલ મેગા સીઇટીપી પ્લાન્ટનો માર્ગ આ યોજનાથી મોકળો થઈ શકે છે.

ચેમ્બર દ્વારા PM-MITRA પાર્ક માટે સૂચિત જગ્યા વિશે સી.આર. પાટીલને કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારની મંજૂરીની મહોર
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત બાદ પાટીલે આ દિશામાં ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે દક્ષિણ ગુજરાતમાં પીએમ-મિત્રા પાર્ક માટે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત સ્થળની પસંદગી કરવામાં આવી છે.ચેમ્બર દ્વારા પીએમ-મિત્રા પાર્ક માટે નવસારી પાસે વાસી-બોરસી ખાતેની 1000 એકર જમીન યોગ્ય હોય તે અંગે ગુજરાત સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ઉપર અંતે ગુજરાત સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. પીએમ-મિત્રા પાર્કને પગલે ભવિષ્યમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા રપ૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની સંભાવના છે. ચેમ્બરે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માનો આભાર માન્યો છે.

સુરત,ભરૂચ સહિત 5 જિલ્લાઓમાં 5 સી-પાર્ક બનશે.
નાણામંત્રીએ સુરત,ભરૂચ સહિત રાજ્યમાં પાંચ સી-ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઝીંગાના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ઝીંગા ઉછેરતા ઉદ્યોગકારોને સી-ફૂડ પાર્ક માટેની સ્કીમનો લાભ થશે.સુરતના ચોર્યાસી,ઓલપાડ તાલુકામાં અને ભરૂચના હાંસોટ તાલુકામાં ઉત્પાદિત થતાં ટાઇગર પ્રોન્ઝ થાઈલેન્ડ, અને ગલ્ફના દેશોમાં એક્સપોર્ટ થાય છે.આ પાર્કથી સ્ટોરેજ અને પ્રોસેસિંગ, પેકેજિંગના લાભો મત્સ્ય ખેડૂતોને મળશે.

વ્યવસાય વેરામાં માફી માટે 12,000ની કેપ મુકાતા રત્નકલાકારોને લાભ નહીં થાય
ચેમ્બર દ્વારા ઘણા લાંબા સમયથી કારીગરોના પગારમાંથી કપાતા પ્રોફેશનલ ટેકસને હટાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧ર હજાર કે તેથી ઓછો પગાર ધરાવનાર નોકરીયાત વર્ગને પ્રોફેશન ટેકસમાંથી મુક્તિ આપી છે.નાના એકમોના નોકરિયાત વર્ગને રાહત થશે.જોકે ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં રત્નકલાકારો માટે રાહત પેકેજની માંગ હતી.જે સ્વીકારવામાં આવી નથી.વ્યવસાય વેરામાં માફી માટે 12,000ની કેપ મુકાતા રત્નકલાકારોને લાભ નહીં થાય.

ટેક્સટાઇલ પોલિસીમાં 2022-23 માટે450 કરોડ અને MSME સ્કીમ માટે 1360 કરોડની ફાળવણી
રાજ્ય સરકારે અંદાજપત્રમાં ટેકસટાઇલ ક્ષેત્રે આસિસ્ટન્ટ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફીક સેકટર્સ ઓફ ટેકસટાઇલ વેલ્યુ ચેઇન– 2019 સ્કીમ (ગુજરાત ટેક્સટાઇલ પોલિસી)માં નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપિયા 1450 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની એમએસએમઇ ઇન્સેન્ટીવ સ્કીમમાં રૂપિયા 1360 કરોડની ફાળવણી કરાઇ છે. સૌથી વધુ ટેકસટાઇલ એકમો દક્ષિણ ગુજરાતમાં છે. તદુપરાંત ગુજરાતની કુલ એમએસએમઇમાંથી 48 ટકા જેટલા એમએસએમઇ એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા છે.અંદાજપત્રમાં સ્ટાર્ટ-અપ માટે રૂપિયા 200 કરોડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી રાજ્યમાં ઇનોવેશનની પ્રવૃત્તિને વેગ મળશે

ખેડૂતો માટેની વીજ યોજનાઓ આવકાર્ય: જયેશ દેલાડ
જિલ્લાના સહકારી અગ્રણી જયેશ એન.પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે ખેડૂતો માટેની બે વીજ યોજનાઓ આવકાર્ય છે. નાણાંમંત્રીએ વીજ જોડાણ માટે 1046 કરોડ અને દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજનામાં 1400 કરોડની કરેલી જોગવાઈનો ખેડૂતને લાભ મળશે.

Most Popular

To Top